ભારતનું નામ લઈને આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે…
દુબઈઃ અહીં વડુમથક ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે `ભારત વિના ચૅમ્પિયન્સ ટ્રોફીનું આયોજન શક્ય જ નથી. બીજું, તમે ભારતની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના વિધાનો બહાર પાડવાનું હવે બંધ કરો.’
એએનઆઇના અહેવાલ મુજબ આઇસીસીના અધિકારીઓએ પીસીબીને અનૌપચારિક મંત્રણામાં આ ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મૉડેલ અપનાવી લેવાની સલાહ પણ આપી છે.
ગયા વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ ભારતે પોતાની ટીમ એને ત્યાં નહોતી મોકલી એટલે પાકિસ્તાને ભારતની મૅચો છેવટે ઝૂકીને હાઇબ્રિડ મૉડેલ મુજબ શ્રીલંકામાં રાખવી પડી હતી.
આપણ વાંચો: આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
આ વખતે પણ પાકિસ્તાનને હાઇબ્રિડ મૉડેલ સ્વીકારવાની સલાહ અપાઈ છે જે મુજબ ભારતની મૅચો દુબઈમાં રાખી શકાશે. જોકે પીસીબી વારંવાર બફાટ કરે છે કે અમે ભારત વિના પણ ચૅમ્પિયન્સ ટ્રોફી રાખીશું.
વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી આગામી 19 ફેબ્રુઆરીથી-9 માર્ચ દરમ્યાન રમાવાની છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો પહેલી માર્ચે નિર્ધારિત છે.