એલ્યુમિનિયમ અને કોપરની અમુક વેરાઈટી સહિત ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી સ્ટોકિસ્ટોની લે-વેચ અને માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩નો અને નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે કોપર કેબલ સ્ક્રેપ, કોપર વાયરબાર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટસમાં માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી આઠનો સુધારો આવ્યો છે. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
Also read: ખાંડમાં ના ભાવમા આટલો ઘટાડો , આજે સ્થિતિ શું હશે?
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૮૧૨ અને રૂ. ત્રણ વધીને રૂ. ૨૮૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૭૮૫, અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૪૭ અને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા.
Also read: સિંગતેલમાં ₹30 નો ઘટાડો, જનતાને સસ્તું મળશે ?
જોકે, આજે ટીનમાં સતત ચોથા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે સાર્વત્રિક સ્તરેથી માગ પણ મર્યાદિત રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૨૩ ઘટીને રૂ. ૨૫૪૮ના મથાળે રહ્યા હતા, જ્યારે નિરસ માગે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૧૯૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય બ્રાસ અને કોપરની અન્ય વેરાઈટીઓ તથા નિકલમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.