એકસ્ટ્રા અફેર

કોલકાતા રેપ-મર્ડર: સંજયની બૂમોથી હવે કશું ના થાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ૩૧ વર્ષની ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા ગુજારવાનો કેસ પાછો ગાજ્યો છે. આ રેપ-હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને ૪ નવેમ્બરે પોલીસ સિયાલદહ કોર્ટમાં હાજર કર્યા પછી બહાર લઈ જતી હતી ત્યારે સંજયે મમતા બેનરજી સરકારની આ કેસમાં સંડોવણીનો આક્ષેપ કરેલો. સંજય રોયે મીડિયાના કેમેરા સામે કહેલું કે, મમતા બેનરજી સરકાર તેને ફસાવી રહી છે અને તેને મોઢું નહીં ખોલવા ધમકી આપવામાં આવી છે. હવે સંજય રોયે ફરી એકવાર મમતા સરકારને જવાબદાર ઠેરવી છે અને આ વખતે ઘટના સમયે કોલકાત્તાના પોલીસ કમિશનર વિનીત ગોયલનું નામ લીધું છે.


Also read: ટ્રમ્પ પાસેથી ભારતને કઈ બે મોટી આશા છે?


સંજય રોયને સોમવાર ને ૧૧ નવેમ્બરે સિયાલદાહ કોર્ટમાં હાજર કર્યા પછી પાછો લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ વાનમાંથી બૂમો પાડીને કહ્યું કે, વિનીત ગોયલે આ ઘટનાનું કાવતરું ઘડ્યું હતું અને તેણે મને ફસાવ્યો હતો. સંજયના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં ડોક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યાનું કાવતરું ગોયલે જ ઘડેલું અને બીજા પોલીસ ઓફિસરો પણ તેમાં સામેલ હતા. આ ઘટનામાં વિનીત ગોયલની ભૂમિકા સામે પહેલાં પણ સવાલ ઉઠ્યા હતા. ૮ ઓગસ્ટની રાત્રે આર.જી. કાર હોસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઈની ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હતી. પીડિતાનો મૃતદેહ ૯ ઓગસ્ટે સવારે મળ્યો તેના એક દિવસ પછી ૧૦ ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. આ ઘટનાની વિરુદ્ધ આખા દેશમાં લોકોમાં જબરદસ્ત આક્રોશ પેદા થયો હતો.

બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધમાં હોસ્પિટલના જુનિયર ડોક્ટરોએ ૧૦ ઓગસ્ટથી શરૂ કરી પછી ૨૧ સપ્ટેમ્બર સુધી ૪૨ દિવસની હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરોએ મમતા બેનરજી સરકાર સમક્ષ ૫ાંચ માગણીઓ મૂકી તેમાં એક માગણી કોલકાત્તાના પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની માગની પણ હતી. એ વખતે પણ ગોયલ શંકાના દાયરામાં આવ્યા હતા. ડોક્ટરોનો આક્રોશ જોયા પછી મમતા સરકારે ૩ માગણીઓ સ્વીકારીને ૧૭ સપ્ટેમ્બરે વિનીત ગોયલને પોલીસ કમિશનરપદેથી હટાવી દેતાં ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી અને હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતા. જો કે ૨૭ સપ્ટેમ્બરે સાગર દત્તા હોસ્પિટલમાં ૩ ડોકટરો અને ૩ નર્સો પર હુમલો થતાં ભડકેલા ડોકટરોએ ૧ ઓક્ટોબરથી ફરી હડતાલ શરૂ કરી હતી. સરકારની સમજાવટ પછી ૪ ઑક્ટોબરે જુનિયર ડોક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી પણ ધરણા ચાલુ રાખ્યા છે. ડોક્ટરોની હડતાળના કારણે વિનીત ગોયલની આ કાંડમાં શું ભૂમિકા હતી એ વાત બાજુ પર મુકાઈ ગયેલી પણ હવે સંજય રોયે પાછો એ મુદ્દો ઉખેળતાં ગોયલ પાછા ચર્ચામાં છે. સંજય રોયે ગોયલ સામે સીધા બળાત્કાર અને હત્યાના આક્ષેપો જ કરી દીધા છે તેથી તેની ગંભીરતા વધી જાય છે.


Also read: પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?


જો કે સંજયે અત્યાર સુધીની તપાસમાં વિનીત ગોયલ કે બીજા કોઈની સંડોવણીના કોઈ પુરાવા નથી આપ્યા. ભારે હોહા પછી મમતા બેનરજી સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. સીબીઆઈની તપાસમાં પણ ગોયલ કે બીજા કોઈની સામે કોઈ પુરાવા નથી રજૂ કરાયા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઈઇઈં) એ તેની ચાર્જશીટમાં સંજય રોયનું મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. પહેલા આ કેસ ગેંગ રપનો હોવાનું કહેવાતું હતું પણ સીબીઆઈએ આ કેસને ગેંગરેપના બદલે રેપનો કેસ ગણાવ્યો છે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીરમાંથી મળેલા વીર્યના સેમ્પલ અને લોહી આરોપી સાથે મેચ થાય છે. ફોરેન્સિક તપાસ બાદ ગુનાના સ્થળેથી મળેલા વાળ પણ આરોપીના વાળ સાથે મેચ થયા હતા. સીબીઆઈની ચાર્જશીટમાં ૧૦૦ સાક્ષીઓનાં નિવેદનો, ૧૨ પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ અને લોકેશનને પુરાવા તરીકે રજૂ કરાયા છે.

ઘટનાના દિવસે આરોપીના ઈયરફોન અને મોબાઈલ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યા હતા. બ્લુ ટૂથ ડીવાઈસ બળાત્કારના સ્થળેથી મળી આવી હતી અને ચાર્જશીટમાં તેને પણ મહત્ત્વના પુરાવા ગણવામાં આવ્યા છે પણ બીજા કોઈની સંડોવણી બહાર નથી આવી કે કોઈની ધરપકડ પણ નથી કરાઈ. સીબીઆઈએ આ કેસમાં સંજય રોયને એકમાત્ર આરોપી તરીકે ઝડપ્યો છે.


Also read: એકસ્ટ્રા અફેર: ફટાકડા પર કાયમી પ્રતિબંધથી પ્રદૂષણ ઘટી જશે?


આ કેસમાં કાર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ ધરપકડ કરવામાં આવી છે પણ સંદીપ ઘોષ ભ્રષ્ટાચાર બદલ જેલની હવા ખાઈ રહ્યા છે. ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા ગુજારવામાં તેમની સીધી કોઈ સંડોવણી નથી કે તેની સાથે તેમને કંઈ લેવાદેવા નથી. એવું પણ કહી શકાય કે, તેમની સીધી સંડોવણીના કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. સંજય રોયના આક્ષેપો ગંભીર છે તેમાં બેમત નથી. આરોપી સંજય સિવિક વોલેન્ટિયર હતો અને પોલીસ સાથે મળીને કામ કરતો હતો. આ સંજોગોમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે તેને ઘરોબો હતો. તેના કારણે તેના આક્ષેપોની ગંભીરતા વધી જાય છે. અલબત્ત તેનું વર્તન શંકાસ્પદ પણ છે.

પોલીસે ૧૦ ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી એ જોતાં છેલ્લા ૩ મહિનાથી સંજય જેલમાં છે. આ દરમિયાન તેણે કોઈ પુરાવા નથી આપ્યા કે કોઈનું નામ નથી આપ્યું. શરૂઆતમાં તેની ધરપકડ કોલકાતા પોલીસે કરી હતી તેથી પોલીસ અધિકારીઓની સંડોવણી હોવા છતાં એ બોલી ના શક્યો હોય એ શક્ય છે પણ પછીથી એ સીબીઆઈની કસ્ટડીમાં હતો. સીબીઆઈ કેન્દ્ર સરકારની એજન્સી છે અને વિનીત ગોયલ સહિત મમતા બેનરજી સરકારના કોઈ પણ માનીતા પોલીસ અધિકારીની સંડોવણીનો અણસાર પણ મળે તો તેને ઉઠાવીને જેલમાં નાખવા અને ફિટ કરી દેવા તલપાપડ હતી. એ છતાં સંજયે કોઈનું નામ કેમ ના આપ્યું એ સવાલ છે.


Also read: ઠરાવ પસાર કરવાથી કલમ ૩૭૦ પાછી ના આવે


તેના પરિવારને ખતરો હોવાની શક્યતા ખરી પણ સીબીઆઈને આ ખતરા વિશે પણ એ કહી શક્યો હોત. ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા ગુજાર્યા પછી હોસ્પિટલમાંથી પુરાવાનો નાશ કરાયો હોવાના આક્ષેપો થયા હતા. ભારતમાં શક્તિશાળી લોકો ગમે તે કરી શકે એ જોતાં આ આક્ષેપોની તપાસ પણ થવી જોઈતી હતી પણ કોઈ તપાસ થઈ નહીં. હવે ત્રણ મહિના પછી તેને લગતા પુરાવા પણ ના હોય એ જોતાં સંજય ગમે તેટલી બૂમો પાડે કે આક્ષેપો કરે પણ હવે કશું વળશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker