ઘાટકોપર જૉલી જિમખાનાની ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમ બ્લ્યૂ લાઇટ ચૅમ્પિયન
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ત્રીજી અન્ડર-15 ગર્લ્સ સિલેક્શન ટ્રાયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ મંગળવાર, 12મી નવેમ્બરે પૂરી થઈ હતી.
ચાર ટીમ વચ્ચે રમાયેલી લીગ પદ્ધતિ આધારિત આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મુકાબલો ટીમ બ્લ્યૂ લાઈટ તથા ટીમ ગ્રીન વચ્ચે થયો હતો અને ટીમ બ્લ્યૂ લાઇટે ફક્ત બે વિકેટના ભોગે લક્ષ્યાંક મેળવીને વિજેતાપદ હાંસલ કર્યું હતું.
મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ના પ્રમુખ અજિંક્ય નાઇકે ઘાટકોપર જૉલી જિમખાનાના સેક્રેટરી મુકેશભાઈ બદાણીની હાજરીમાં ટૉસ ઉછાળ્યો હતો અને ત્યાર બાદ આ નિર્ણાયક મૅચની શરૂઆત થઈ હતી.
પ્રથમ બૅટિંગમાં ટીમ ગ્રીને 35 ઓવરમાં 5 વિકેટના ભોગે 152 રન બનાવ્યા હતા જેમાં અનીષા રાઉતના 32 તથા આર્ય વાઝગેના 50 રન મુખ્ય હતા.
આપણ વાંચો: ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ કઈ ટૂર્નામેન્ટને સજીવન કરવાના પ્રયાસમાં છે?
જવાબમાં ટીમ બ્લ્યૂ લાઇટે 33.2 ઓવરમાં બે વિકેટના ભોગે 153 બનાવી વિજેતાપદ મેળવ્યું હતું. ટીમ બ્લ્યૂ લાઈટ તરફથી સોનાક્ષી સોલંકી તથા ગગના મુલખાના, બંનેએ 47 નૉટઆઉટનો સ્કોર નોંધાવ્યો હતો.
ટૂર્નામેન્ટમાં બેસ્ટ બૅટરનો અવૉર્ડ સોનાક્ષી સોલંકી (149 રન)ને, બેસ્ટ બોલરનો અવૉર્ડ રાજાસી નાગોસે (87 રનમાં 7 વિકેટ)ને અપાયો હતો તથા પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટના પુરસ્કારથી રાજાસી નાગોસે(120 રન તથા 7વિકેટ)ને નવાજવામાં આવી હતી.
ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ અજમેરા, સેક્રેટરી મુકેશભાઈ બદાણી, ટ્રસ્ટીગણ તથા મેનેજિંગ કમિટીના સભ્યોના આશીર્વાદથી આ ટૂર્નામેન્ટનું આયોજન બહુ સરસ રીતે પૂર્ણ થયું છે.