મેટાનું AI સોફ્ટવેર હવે લશ્કરી એજન્સી પણ વાપરી શકશે
સિડનીઃ મેટાએ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડેલ્સને અમેરિકાની સરકાર માટે ઉપલબ્ધ કરાવ્યું છે. તેને લીધે આ સોફ્ટવેર વાપરતા દરેક માટે ‘નૈતિક ધર્મસંકટ’ ઊભું થયું છે. મેટાએ ગયા અઠવાડિયે જાહેર કર્યું હતું કે અમે અમારા ‘લામા’ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મોડલ્સને સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષાની એપ્લિકેશન્સ માટે કામ કરનારા સહિત સરકારી એજન્સી તેમ જ ખાનગી ક્ષેત્રના ભાગીદારો માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
મેટાનો આ નિર્ણય પોતાની નીતિની વિરુદ્ધ હોવાનું કહેવાય છે, કારણ કે તેણે એઆઇના ‘લામા’ મોડેલ્સનો ઉપયોગ લશ્કરી, યુદ્ધ, પરમાણુ ઉદ્યોગો કે એપ્લિકેશન્સ, જાસૂસી, ત્રાસવાદ, માનવોની ગેરકાયદે હેરફેર અને બાળકોને નુકસાન પહોંચાડનારા કાર્ય માટે નહિ થવા દેવાનું અગાઉ નક્કી કર્યું હતું.
Also Read – ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશમાં આવ્યો પ્રતિબંધ, જાણો શા માટે…
મેટાનો અપવાદ યુનાઇટેડ કિંગડમ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને પણ લાગુ પડે છે. તેનો અર્થ એવો કરી શકાય કે ફેસબુક, ઇન્ટાગ્રામ, વૉટ્સએપ અને મેસેન્જરમાં ‘લામા’ એઆઇના કોઇ સ્વરૂપ (વર્ઝન)નો ઉપયોગ કરનારા લોકો વિશ્વના લશ્કરી કાર્યક્રમોમાં પણ અપ્રત્યક્ષ રીતે ફાળો આપી રહ્યા છે.
‘લામા’ની સરખામણી ‘ચેટજીપીટી’ જેવા વિશાળ ‘લેન્ગવેજ મોડેલ્સ’ સાથે કરાય છે. ફેસબુક્ની મૂળ કંપની ‘મેટા’એ ‘ઓપનએઆઇ’ના ‘ચેટજીપીટી’ની સ્પર્ધામાં ‘લામા’ મોડેલ્સ બહાર પાડ્યા હતા.