ખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બાવીસનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫થી ૧૬નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે નિરસ માગ અને માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બાવીસના ઘટાડા સાથે રૂ. ૩૬૪૦થી ૩૭૬૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળે ક્વિન્ટલે રૂ. ૧૬ અને ઉપલા મથાળેથી રૂ. ૧૫ના ઘટાડા સાથે રૂ. ૩૭૩૦થી ૩૮૮૫માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૯૦થી ૩૬૩૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૫૦થી ૩૭૦૦માં ટકેલા ધોરણે થયા હોવાનું બજારનાં સાધનોએ
ઉમેર્યું હતું.