વેપાર

ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો, અન્ય ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે કિલોદીઠ રૂ. ૧૩નો સુધારો આવ્યો હતો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ રહ્યું હતું. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૩નો ઘટાડો આગળ ધપ્યો હતો.

ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને આર્થિક વૃદ્ધિ માટે ૧.૪ ટ્રિલિયન ડૉલરના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે, પરંતુ આ સહાય સ્થાનિય રાજ્ય સરકારોને આપવામાં આવશે એવો નિર્દેશ આપતા રોકાણકારોને પેકેજ નિરાશાજનક જણાતા ગત શુક્રવારે વિશ્ર્વ બજારમાં ધાતુમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધ સામે સાધારણ ૦.૧ ટકાના સુધારા સાથે ટનદીઠ ૯૪૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન આજે સ્થાનિકમાં એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૨૭૬૨ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ખપપૂરતી માગે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

જોકે, આજે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩ના ઘટાડા સાથે રૂ. ૧૩૮૫ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગ પણ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૫૭૧, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૦, રૂ. ૮૪૩ અને રૂ. ૨૪૩, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૯૯ અને રૂ. ૭૮૮ તથા કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૮૦૯, રૂ. ૫૧૯, રૂ. ૨૮૪ અને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker