‘I love Wayanad’ લખેલા ટી-શર્ટમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, બહેન પ્રિયંકાને આપી આ ચેલેન્જ
વાયનાડ: કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન (Waynad by election) યોજાવાનું છે, કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડી રહ્યા છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વાયનાડમાં બહેન પ્રિયંકા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન રાહુલ ગાંધી ‘I Love Waynad’ લખેલા ટી-શર્ટમાં જોવા મળ્યા હતાં.
જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “જ્યારે હું પહેલીવાર ભારત જોડો યાત્રા પર નીકળ્યો ત્યારે મને થોડું આશ્ચર્ય થયું, કારણ કે તે એક રાજકીય સફર હતી. સફરનો હેતુ રાજકીય હતો, પરંતુ સફરની શરૂઆતમાં જ મેં જોયું કે મેં લોકોને ગળે લગાડ્યા અને લોકો મને પ્રેમથી ચૂમી રહ્યા હતાં. હું કહેતો કે, હું તમને પ્રેમ કરું છું, તેઓ કહેતા હતા કે અમે તમને પ્રેમ કરીએ છીએ.”
નોંધનીય છે કે કેરળથી કશ્મીર સુધી યોજાયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસે રાહુલ ગાંધીને ‘મોહબત કી દુકાન’ ઉપનામ આપ્યું હતું. ત્યારથી રાહુલ ગાંધી અવારનવાર ‘નફરત પર પ્રેમના વિજય’ની વાત કરતા રહે છે.
Also Read – પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી
આજે રાહુલ ગાંધીએ કહ્યું કે આજે પ્લેનમાં ચડતી વખતે મને યાદ આવ્યું કે મેં ઘણા વર્ષોથી રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કર્યો નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “વાયનાડ આવ્યા પછી, મેં અચાનક જ રાજકારણમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. મને સમજાયું કે વાયનાડના લોકોએ મને એટલો પ્રેમ અને સ્નેહ આપ્યો કે મારું આખું રાજકારણ બદલાઈ ગયું. લોકોએ મને શીખવ્યું કે આ શબ્દનું રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે, તેથી મેં આ ટી-શર્ટ પહેરી છે.”
રાહુલે કહ્યું, “પ્રિયંકા ગાંધી સાંસદ પદના ઉમેદવાર છે, તે મારી નાની બહેન પણ છે, તેથી મને વાયનાડના લોકોને તેમના વિશે ફરિયાદ કરવાનો અધિકાર છે. વાયનાડ રાજકારણથી વધુ મારા હૃદયમાં સ્થાન ધરાવે છે. હું કોઈની પણ મદદ કરવા માટે હંમેશા હાજર છું.”
તેણે વધુમાં કહ્યું કે હું મારી બહેનને વાયનાડને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવા માટે પણ ચેલેન્જ આપવા માંગુ છું. જ્યારે લોકો કેરળ વિશે વિચારે છે, ત્યારે મનમાં સૌથી પહેલું સ્થાન વાયનાડ આવવું જોઈએ. તેનાથી વાયનાડના લોકોને અને પ્રદેશની અર્થવ્યવસ્થાને ફાયદો થશે અને દુનિયા તેની સુંદરતા જાણી શકશે.