આજે જગતમાં જ્યાં જોઈએ ત્યાં હિંસાનું વાતાવરણ દેખાઈ આવે છે. ધર્મના નામે, જાતિના નામે, રાષ્ટ્રની સરહદોના નામે સતત હિંસા થતી જોવા મળે છે. ક્યાંક પ્રત્યક્ષ તો ક્યાંક પરોક્ષ, પણ હિંસા તો થાય જ છે. આ વાતાવરણમાં જ અહિંસાનું સાચું મૂલ્ય સમજાય તેમ છે. કવિ માધવ રામાનુજ માત્ર બે વાક્યના કાવ્યમાં હિંસાગ્રસ્ત સૈનિકની વ્યથાને વર્ણવે છે.
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં
સત્પુરુષો કે સાધુ પુરુષોનાં લક્ષણોમાં એક અતિ મહત્ત્વનો ગુણ એટલે અહિંસા. અહિંસા એ ભારતીય ધર્મો અને ફિલસૂફીનો મૂળ મંત્ર છે. ‘અહિંસા પરમો ધર્મ:’ એ ધ્રુવ વાક્ય ગણાય છે. વખતોવખત ધર્મનાં કે સમાજનાં ક્ષેત્રોમાં વ્યાપેલી હિંસાને સમાપ્ત કરવા કાં તો ઈશ્ર્વરે અવતાર ધારણ કર્યા છે અથવા તો સંત પુરુષોએ રીતસરની ચળવળ ચલાવી છે. પછી એ ‘સંભવામિ યુગે યુગે’ કહીને યોગેશ્ર્વરે આપેલો કોલ હોય કે સનાતનના પુનરુત્થાન માટે આદિ શંકરાચાર્યે સમગ્ર ભારતમાં કરેલી પદયાત્રા અને ધાર્મિક વિધિઓમાંથી જીવ હિંસાની બાદબાકી હોય.
તીર્થંકર મહાવીર અને ગૌતમ બુદ્ધના સ્વયંના આચારમાં, વિચારમાં અને પ્રચારમાં શાંતિ અને અહિંસા એ બે કેન્દ્રબિંદુ રહ્યાં છે એ કોણ નથી જાણતું?
આજકાલ ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે, ‘ધર્મ હિંસા તથૈવ ચ’ એમ લખીને મહાભારતકારે ધર્મના રક્ષણ માટે હિંસાનો આશ્રય લેવા કહ્યું છે. પણ આ બાબતે ઘણો વિવાદ છે. પરંતુ એ નિર્વિવાદ છે કે મહાભારતમાં જ અનેક ઠેકાણે અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. મહાભારતમાં તો વારંવાર ધ્રુવ વાક્યની જેમ અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. એટલું જ નહીં, સનાતન ધર્મના અનેક ગ્રંથોમાં અહિંસાનું મહીમામંડન થયું છે. શિવ પુરાણ, નારદ પુરાણ, સ્કંદ પુરાણ, ભૃગુ સંહિતા અને શ્રીમદ ભગવદ ગીતામાં પણ અહિંસાને જ ઉત્તમ ધર્મ કહ્યો છે.
ઘણા અજ્ઞાનવશ અથવા ધર્મનિંદા કરવા એમ કહે છે, કે કૃષ્ણ તો હિંસક હતા. એમણે કેટલાયના વધ કર્યા, અને મહાભારતનું યુદ્ધ પણ કરાવ્યું. કૃષ્ણએ પોતાના સ્વાર્થ માટે એક પણ વધ કે એક પણ યુદ્ધ કર્યું નહોતું. તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અથવા સત્ય અને ધર્મના રક્ષણ માટે યુદ્ધ કર્યાં હતાં. તેને અનિવાર્ય હિંસા કહેવી પડે. પણ આ હિંસા કરતાં પહેલાં તેને નિવારવા બધા જ પ્રયત્નો કર્યા હોવા જોઈએ. જેમ કે શિશુપાલના વધ પહેલાં તેને સો વખત માફ કર્યો હતો. મહાભારતના યુદ્ધ પહેલાં પાંડવોને તેમનો અધિકાર આપવા કૌરવોને એક કરતાં વધુ વખત સમજાવવા સીધા કે આડકતરા પ્રયત્નો થયા હતા.
માટે એ જાણવું પણ જરૂરી છે કે હિંસા કોને કહેવાય? તેના વિના અહિંસા નહીં સમજાય. જૈન ધર્મના અતિ મહત્ત્વના ગ્રંથ તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વતિ મહારાજે હિંસાની વ્યાખ્યા કરતાં કહ્યું છે, પ્રમાદથી થતો પ્રાણાઘાત એ જ હિંસા છે. આ વાક્યનો મર્મ સમજવા એક અલગ ચર્ચા કરવી પડે. પરંતુ ટૂંકમાં હિંસા બે પ્રકારની કહેવાય છે ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા. સરળ શબ્દોમાં આપણે તેને સૂક્ષ્મ હિંસા અને સ્થૂળ હિંસા પણ કહી શકીએ. મનના ભાવ દ્વારા, જેવા કે ક્રોધ, માન, લોભ, સ્વાર્થ વગેરેના ભાવ મનમાં લાવવા અર્થાત્ કષાયોને મનમાં જીવતા રાખવા એ ભાવ હિંસા છે. જ્યારે મનના ભાવને વચન અને ક્રિયાનું રૂપ આપવું એ દ્રવ્ય હિંસા છે.
ઉદાહરણ તરીકે કોઈના પ્રત્યે દ્વેષ રાખવો એ ભાવ હિંસા છે. એ દ્વેષના કારણે તેનું નુકસાન કરવાના હેતુથી તેના ઉપર પ્રહાર કરવો, તેને કોઈ ને કોઈ રીતે તકલીફમાં મૂકવા પ્રયત્ન કરવો એ દ્રવ્ય હિંસા છે. તેનો સીધો અર્થ એ છે કે જો મનમાં હિંસાનો ત્યાગ હોય તો વર્તનમાં અહિંસા આવી જ જાય. જેમ અંધકાર વ્યાપેલો હોય, તેને ધક્કા મારીને દૂર કરી શકતો નથી, પણ એક દીપક પ્રગટાવીએ એટલે તે દૂર થઈ જાય છે, તેમ હિંસાથી કલૂષિત મનમાં જો કરુણાનો દીપક પ્રગટાવી દઈએ તો અહિંસા પ્રગટ થઈ જાય છે.
મહર્ષિ પતંજલિ તો કહે છે કે, ‘અહિંસા પ્રતિષ્ઠ વ્યક્તિના સાન્નિધ્યમાં સર્વ પ્રાણીઓ વૈર વિહીન થઈ જાય છે.’ મનુષ્યજીવનની સાર્થકતા આવા શાંતિપૂર્ણ જગતના નિર્માણમાં જ રહેલી છે.