મહાયુતિના સાથી પક્ષો મહારાષ્ટ્રની ચૂંટણી પછી સીએમ ચહેરા અંગે નિર્ણય લેશે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહાયુતિ પૂર્ણ બહુમતી સાથે સત્તા જાળવી રાખશે અને મુખ્ય પ્રધાન કોણ બનશે તેનો નિર્ણય રાજ્યની ચૂંટણી પછી ગઠબંધન ભાગીદારો દ્વારા સહમતીથી લેવામાં આવશે. 20 નવેમ્બરે યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી અહીં પત્રકારો સાથે વાત કરતા શાહે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાયુતિ ચૂંટણી જીતી જશે.
મહાયુતિના ત્રણેય ઘટકપક્ષો, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી દ્વારા તેમના ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા છે અને ચૂંટણી પછી આપેલા ખાતરીઓને પ્રાથમિકતા આપવા માટે ત્રણેય પક્ષોના પ્રધાનોની સમિતિ બનાવવામાં આવશે, એમ શાહે જણાવ્યું હતું.
‘હાલમાં એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે. ચૂંટણી પછી ત્રણેય ગઠબંધન ભાગીદારો મુખ્ય પ્રધાન વિશે નિર્ણય કરશે, એમ ભાજપના જ્યેષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
શિવસેના અને એનસીપીના ભાગલા માટે ભાજપને દોષ નહીં
તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેના અને એનસીપી અલગ થઈ ગયા કારણ કે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર તેમના પુત્રને પ્રાથમિકતા આપી હતી જ્યારે શરદ પવારે તેમની પુત્રીને અજિત પવાર પર પ્રાથમિકતા આપી હતી.
‘આ પક્ષોએ તેમના પરિવારના સભ્યોને પ્રાધાન્ય આપ્યું હતું અને પક્ષો વિભાજિત થયા. તેઓ કારણ વગર ભાજપને દોષ આપે છે, એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: “રાહુલ બાબા ચેતી જજો! નહિ આપી શકો લઘુમતીઓને અનામત” અમિત શાહે આપી ચેતવણી
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ પરિવારવાદી રાજકારણની વિરુદ્ધ છે.
અનામતને ભાજપે સક્ષમ બનાવી
તેમણે અનામતને નબળી પાડવાની ભાજપની યોજનાના કોંગ્રેસના આરોપને ફગાવી દીધો હતો જણાવ્યું હતું કે, ‘મોદી સરકારે જ ઓબીસીને અનામત આપી હતી. વાસ્તવમાં, અમે તો અનામતને મજબૂત બનાવીએ છીએ.’
રાહુલ ગાંધી મજાકના પાત્ર બની ગયા છે
અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા દેખાડવામાં આવતા પુસ્તકમાં કોરા પૃષ્ઠો હોવાનું જાહેર થયા બાદ હવે તેમના કૃત્યનો પર્દાફાશ થયો છે.
ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે, ‘તે (રાહુલ ગાંધી) હવે મજાકના પાત્ર બની ગયા છે.’
આપણ વાંચો: Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
જેની ટીકા કરી તેના જેવી જ યોજનાનો વાયદો એમવીએએ કર્યો
અમિત શાહે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની ટીકા કરતાં કહ્યું હતું કે વિપક્ષ એમવીએના નેતાઓ મહાયુતિ સરકારની મહિલાઓ માટેની લાડકી બહેન યોજનાની ટીકા કરી રહ્યું છે અને તેને રોકવા માટે કોર્ટમાં જઈ રહ્યા છે, પરંતુ તેમના ચૂંટણી વચનોમાં આનાથી વધુ રકમની નાણાકીય સહાય કરવા માટે એવી જ યોજના લાવવાની જાહેરાત કરી રહ્યા છે.
‘આ તેમનો વિરોધાભાસ દર્શાવે છે. અમારા કામનો હિસાબ માગવાની બદલે, રાહુલ ગાંધીએ તપાસ કરવી જોઈએ કે તેમની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોમાં શું થઈ રહ્યું છે,’ એમ તેમણે કહ્યું.
મહારાષ્ટ્ર ચોથા સ્થાનેથી એફડીએમાં પહેલા સ્થાને પહોંચ્યું
રોકાણમાં મહારાષ્ટ્ર પાછળ હોવા અંગેના એમવીએના આરોપોને ફગાવી દેતાં તેમણે કહ્યું હતું કે ‘એમવીએના શાસન દરમિયાન, મહારાષ્ટ્ર ચોથા સ્થાને (એફડીઆઈની દ્રષ્ટિએ) હતું જ્યારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ એફડીઆઈ આવ્યું છે,’