અપહરણ કરીને 10 કરોડની માગણી કરાઈ: વિધાનસભ્યના પુત્રનો દાવો
પુણે: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય અશોક પવારના પુત્રએ તેનું અપહરણ કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ પ્રકરણે પોલીસે શનિવારે મહિલા સહિત ચાર જણ સામે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો હતો.
એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ અમુક લોકો એનસીપી (એસપી)માં જોડાવા માગતા હોવાથી તેમની સાથે મીટિંગને બહાને પુણે જિલ્લાના શિરુરના વિધાનસભ્ય પવારના પુત્ર ઋષીરાજ પવારને પોતાની સાથે આવવાનું કહ્યું હતું.
આરોપીઓ પવારને બાઈક પર એક બંગલો પાસે લઈ ગયા હતા. બંગલોમાં અજાણી મહિલા સાથે અશ્ર્લીલ વીડિયો બનાવવા પવાર પર દબાણ કરાયું હતું. બાદમાં એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા માટે 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો આક્ષેપ ઋષીરાજ પવારે ફરિયાદમાં કર્યો હતો.
ખંડણીની રકમની સગવડ કરવાને બહાને બંગલોની બહાર નીકળ્યા પછી પવાર અપહરણકારોની ચુંગાલમાંથી નાસી ગયો હતો. બાદમાં તેણે પોલીસનો સંપર્ક સાધી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે શિરુર પોલીસે મહિલા સહિત ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પંકજ દેશમુખે જણાવ્યું હતું. (પીટીઆઈ)