બાબર આઝમ બની ગયો શાહીન આફ્રિદીનો ફિઝિયોથેરપિસ્ટ!
પર્થઃ અહીં રવિવારે ત્રીજી અને નિર્ણાયક વન-ડે દરમ્યાન પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ થોડી ક્ષણો માટે ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો ફિઝિયોથેરપિસ્ટ બની ગયો હતો.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે પાકિસ્તાનના પ્રવાસ વિશે બીસીસીઆઇને કહી દીધું કે…
શાહીન આફ્રિદીને બોલિંગવાળા ડાબા હાથની આંગળીના અંગૂઠા પર બૉલ વાગતાં દુખાવાને કારણે તે મેદાન પર બેસી પડ્યો હતો અને બાબર તાબડતોબ તેની મદદે દોડી આવ્યો હતો. આ બનાવ ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 26મી ઓવર દરમ્યાન બની હતી અને ઍડમ ઝૅમ્પા તથા શૉન અબૉટ ત્યારે બૅટિંગમાં હતા.
અબૉટે દોડીને એક રન પૂરો કર્યો ત્યાં જ ડીપના સ્થાનેથી આવેલો બૉલ વિચિત્ર રીતે ઉછળ્યો હતો અને શાહીન આફ્રિદીને અંગૂઠા પર વાગ્યો હતો. આફ્રિદીને તરત જ સારવારની જરૂર પડી હતી, પરંતુ મેડિકલ સ્ટાફ સાથે ટીમના ફિઝિયોથેરપિસ્ટ પિચની નજીક પહોંચે એ પહેલાં બાબરે આફ્રિદીને સારવાર આપવાની શરૂ કરી દીધી હતી. તેણે આફ્રિદીનો અંગૂઠો ખેંચીને તેના પર મસાજ કર્યો હતો. કૉમેન્ટેટરે પણ બાબરની આ પહેલને ખૂબ વખાણી હતી.
આ પણ વાંચો : ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
ફિઝિયોથેરપિસ્ટે આવીને તેમની રીતે આફ્રિદીને ટ્રીટમેન્ટ આપી હતી અને એક વિકેટ લઈ ચૂકેલા આફ્રિદીએ ફરી બોલિંગ કરવાનું શરૂ દીધું હતું અને ઑસ્ટ્રેલિયાની બાકી રહેલી બૅટિંગ લાઇન-અપ તોડી પાડી હતી અને શૉન અબૉટ (30 રન) તથા લાન્સ મૉરિસ (0)ની વિકેટ પણ લીધી હતી.
ઑસ્ટ્રેલિયા 140 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. શાહીન અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ હૅરિસ રઉફે લીધી હતી.
પાકિસ્તાને 26.5 ઓવરમાં બે વિકેટે 143 રન બનાવીને વિજય મેળવી સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી, બીસીસીઆઇ સાથે લડી લેવાના મૂડમાંઃ લૂલો દાવો કર્યો