આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બંધારણ ખતમ કરવાનો કૉંગ્રેસનો કારસો, બાબા આંબેડકરને કૉંગ્રેસ ધિક્કારે છે: વડા પ્રધાન મોદી

આકોલા/નાંદેડ: બંધારણના નામે લાલ પુસ્તક છાપવું અને તેમાં બંધારણનો એકેય શબ્દ ન લખવો એ બંધારણને ખતમ કરવાનો પ્રયાસ છે. કૉંગ્રેસને આ દેશમાં બાબાસાહેબ આંબેડકરનું નહીં પોતાનું બંધારણ લાગુ કરવું છે, એવી આકરી ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કરી હતી અને જણાવ્યું હતું કે કૉંગ્રેસ જાતિ અને સમુદાયો વચ્ચે ભેદભાવ નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કૉંગ્રેસના લોકો બંધારણના નામે લાલ પુસ્તકો વહેંચી રહ્યા છે. તેના પર ભારતીય બંધારણ એવું લખવામાં આવ્યું છે અને તે પુસ્તકના પાનાં કોરા છે. ચૂંટણીના પ્રચારમાં ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ કૉંગ્રેસ કરી રહ્યું છે. બંધારણના નામે લાલ ચોપડી છાપવી અને તેમાં બંધારણનો એકેય શબ્દ ન લખવો આ બંધારણને ખતમ કરવાનો પ્રયાસ છે, એવી ટીકા વડા પ્રધાને કરી હતી.

કૉંગ્રેસને દેશમાં બાબાસાહેબ આંબેડકરનું નહીં પોતાનું બંધારણ લાગુ કરવું છે. તેમણે આવો જ પ્રયાસ કટોકટીના સમયગાળામાં પણ કર્યો હતો. કૉંગ્રેસને બાબાસાહેબ આંબેડકર પ્રત્યે ભારોભાર દ્વેષ છે. તેમણે બાબાસાહેબનું બંધારણ કાશ્મીરમાં લાગુ થવા દીધું નહોતું. ત્યાં કલમ 370 હેઠળ અલગ કાયદો લાગુ કર્યો હતો અને ત્યાંના દલિતોને કોઈ અધિકાર આપવામાં આવ્યા નહોતા. હવે આ જ લોકો દલિતોના અધિકારો અને બંધારણના રક્ષણની વાતો કરી રહ્યા છે.

આ પણ વાંચો: કૉંગ્રેસનું બંધારણમાં 40 સુધારા કરવાનું વચન?: ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડા પ્રધાને શાહી પરિવારને એવો સવાલ કર્યો હતો કે શું તેઓએ ક્યારેય બાબાસાહેબ આંબેડકરના ‘પંચતીર્થ’ની મુલાકાત લીધી હતી?

આંબેડકરનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં મહુમાં, લંડનમાં જ્યાં તેઓ યુ.કે.માં અભ્યાસ દરમિયાન રોકાયા હતા તે સ્થળ, નાગપુરમાં દીક્ષા ભૂમિ જ્યાં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, દિલ્હીમાં તેમનું ‘મહાપરિનિર્વાણ સ્થળ’ અને મુંબઈમાં ચૈત્ય ભૂમિને દર્શાવવા પંચતીર્થ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

‘તેઓ બાબાસાહેબને ધિક્કારે છે કારણ કે તેઓ દલિત હતા અને કારણ કે તેમને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું શ્રેય મળ્યું હતું. બાબાસાહેબ મારા માટે, ભાજપ અને મારી સરકાર માટે પ્રેરણારૂપ છે. અમારી સરકારે તેમના વારસા સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કર્યો છે. મેં અમારા યુપીઆઈનું નામ પણ ભીમ યુપીઆઈ રાખ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

કૉંગ્રેસનો ગેમ પ્લાન જાતિઓ અને સમુદાયોને એકબીજાની સામે ઉભો કરવાનો અને દલિતો અને પછાત જૂથોને એક થવા દેવાનો નથી, પરંતુ હરિયાણાના લોકોએ ‘એક હૈ તો સુરક્ષિત હૈ’ (જો આપણે એક થઈશું તો અમે સુરક્ષિત રહીશું) મંત્રને અનુસરીને આ ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું હતું, એમ મોદીએ કહ્યું હતું.

આ પણ વાંચો: કટોકટી લાદનારાઓને બંધારણ પ્રત્યે પ્રેમ દાખવવાનો હક નથી: મોદી

કોંગ્રેસ ઇચ્છે છે કે ઓબીસી, આદિવાસીઓ અને દલિતો લડે કારણ કે તેમના મતોના વિભાજનથી તે ફરીથી સત્તામાં આવશે. આ કોંગ્રેસની ચાલ અને ચરિત્ર છે. હરિયાણામાં રમખાણોમાં દલિતો માર્યા ગયા અને કોંગ્રેસ ગુનેગારોની પડખે ઉભી રહી હતી, એમ વડા પ્રધાને કહ્યું હતું.

‘કૉંગ્રેસ જાણે છે કે દેશ નબળો પડશે તો જ તેઓ મજબૂત થશે.’
મોદીએ જણાવ્યું હતું કે તેમની છેલ્લી બે ટર્મમાં તેમની સરકાર ચાર કરોડ ગરીબ લોકોને ઘરો આપીને સક્ષમ બનાવ્યા છે, જ્યારે અન્ય ત્રણ કરોડ મકાનો હવે બાંધવામાં આવશે.

તેમના ત્રીજા કાર્યકાળમાં, મોદીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વાઢવન પોર્ટ સહિત અનેક લાખ કરોડના ખર્ચના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, જે જ્યારે પૂર્ણ થશે ત્યારે તે દેશનું સૌથી મોટું બંદર હશે.

આવા કલ્યાણકારી કાર્યથી તેમને લોકોના આશીર્વાદ મળે છે અને ‘તમારો મત મોદીને ગરીબો માટે કામ કરવામાં પ્રોત્સાહિત કરે છે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

જ્યારે એનડીએ સરકાર મહારાષ્ટ્રના કપાસના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કામ કરી રહી છે, ત્યારે એમવીએ સરકારે અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા શરૂ કરાયેલ સિંચાઈ પ્રોજેક્ટ્સને રોકી દીધા હતા.

અમે ખેડૂતોને ઓછા પાણીથી ખેતરોમાં સિંચાઈ કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમારું સૂત્ર પ્રતિ ડ્રોપ વધુ પાક છે. અમે ખેડૂતોને સશક્ત કરવા માંગીએ છીએ જેથી તેઓ દેશના વિકાસના હીરો બને. એનડીએ સરકાર ઝડપભેર કામ કરી રહી છે અને હું ઈચ્છું છું કે મહારાષ્ટ્રમાં પણ આવી જ સરકાર હોય, એમ મોદીએ કહ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ અને તેના સાથીઓએ મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની માગણીની કાયમ અવગણના કરી હતી, જે તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં પૂર્ણ કરવા માટે ભાગ્યશાળી બન્યા હતા.

2019માં આ દિવસે દેશની સર્વોચ્ચ અદાલતે રામ મંદિર પર પોતાનો ચુકાદો આપ્યો હતો. 9 નવેમ્બરની આ તારીખ પણ યાદ રાખવામાં આવશે કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દરેક ધર્મના લોકોએ ખૂબ જ સંવેદનશીલતા દર્શાવી હતી.
2014થી 2024 સુધીના 10 વર્ષોમાં મહારાષ્ટ્રે સતત ભાજપને દિલથી આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રના ભાજપમાં વિશ્ર્વાસ પાછળ એક મોટું કારણ છે, મહારાષ્ટ્રના લોકોની દેશભક્તિ, રાજકીય સમજ અને દીર્ઘદ્રષ્ટિ, એમ મોદીએ કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસ ઓબીસીને ધિક્કારે છે કેમ કે તેઓ એ વાત પચાવી શકતા નથી કે છેલ્લા દસ વર્ષથી એક ઓબીસી સમાજની વ્યક્તિ વડા પ્રધાન છે અને બધાને સાથે લઈને શાસન ચલાવી રહી છે. તેઓ ઓબીસી સમાજને નાની નાની જાતીઓમાં વહેંચીને તેમની એકતાની તાકાત છીનવી લેવા માગે છે. જો આવું થશે તો કૉંગ્રેસ આરક્ષણ છીનવી લેશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button