મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર ખાનગી બસ-ટ્રક વચ્ચે ટક્કર, ૧૮ ઘાયલ, આઠ ગંભીર
મુંબઈ: રાયગડ જિલ્લાના ખોપોલી નજીક મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર એક ખાનગી બસ અને સ્ટેશનરીની ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ૧૮ પ્રવાસી ઘાયલ થયા હતા, જેમાંથી આઠ જણની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે આ ઘટના બની હતી. કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી ખાનગી બસની ટક્કર સ્ટેશનરી ટ્રક સાથે થઇ હતી. બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત થયા હતા, એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: ભાજપ ઉમેદવાર પરાગ શાહનો થયો અકસ્માત, ડોક્ટરે ઘરે જ રહેવાની સલાહ આપી
આ અકસ્માતમાં ૧૮ પ્રવાસી ઘાયલ થયા હતા જેઓને રાયગડ જિલ્લાના કામોઠે ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘાયલોમાંથી ચાર મહિલા સહિત આઠ જણની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ અકસ્માતને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક દૂર કરાયો હતો.
ખોપોલી પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઇ)