ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો
સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટમેંન્ટ દ્વારા સાયબર માફીયાઓ બેફામ બન્યા છે ગુજરાત રાજ્યના રાજકોટ શહેર ખાતે પણ અત્યાર સુધીમાં ડિજિટલ એરેસ્ટમેંન્ટના બે કિસ્સો પ્રકાશમાં આવ્યા છે ત્યારે રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાએ રાજકોટ સાયબર પોલિસમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.
અને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતો ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જે હિન્દીમાં વાત કરતા હોય અને તેને મને કહેલ કે, હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું અને તમારા વિરુદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે જેની વધુ માહિતી માટે અમારા વિનાયક સરનો મોબાઇલ નંબર પર કોલ કરી માહિતી આપવા જણાવ્યું હતું. બાદમાં આવેલા ફોનમાં કોલ લાગતો ન હોય.
ત્યાર બાદ અન્ય નંબરમાંથી વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં તે પણ હિન્દીમાં વાત કરતો હોય અને તમારું આધારકાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખૂલેલ છે,જેમાં એકાઉન્ટ બેલેન્સ 2.5 કરોડ છે અને તમારું આ બેંક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વપરાયેલ છે. તેમજ મની લોન્ડરિંગમાં ઉપયોગ થયેલ છે.
તમારું એરસ્ટ વોરંટ કાઢવામાં આવેલ છે અને જે નરેશ ગોયેલ નામના વ્યક્તિએ 247 લોકો સાથે ફ્રોડ કરેલ છે તેમાં તમે પણ સંડોવાયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ અજાણી વ્યક્તિ દર બે કલાકે વોટ્સએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહેતો હતો અને મારો સવાર, બપોર અને સાંજ ફોટા પાડી તેના વોટ્સએપમાં મોકલવાનું કહેતો જેથી હું તેને ફોટા પાડી મોકલતો હતો,
આપણ વાંચો: દરેક મોરચે નિષ્ફળ કેનેડાની નવી ચાલ, હવે ભારતને સાયબર ખતરો ગણાવ્યું
ત્યારબાદ વધુ એક નંબરમાંથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને સેબીનો એન્ટિ મની લોન્ડરિંગ બાબતનો લેટર તથા ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આર.બી.આઇ. અને કેનેરા બેંકનું મારા નામવાળુ એટીએમ કાર્ડ તેમજ કેનેરા બેંકનું મારા નામવાળુ સ્ટેટમેન્ટ વગેરે મારા નામવાળા ડોક્યુમેન્ટ મને વોટ્સએપ મારફતે મોકલ્યા હતા તે દરમિયાન મારી માલિકીની તમામ મિલકત તથા મારા તમામ બેંક એકાઉન્ટમાં પડેલ નાણાં તેમજ મેં કરેલ મ્યચ્યુલ ફંડના રોકાણ બાબતેની માહિતી તથા સ્ટોક માર્કેટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટ બાબતેની તમામ માહિતી મારી પાસે માગી હતી.
ત્યારબાદ વધુ એક નંબરમાંથી ફોન આવ્યો હતો અને તમારી મની લોન્ડરિંગમાં સંડોવણી છે કે નહીં જે બાબતે ક્રોસ વેરિફિકેશન માટે નાણાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું જેથી 56 લાખ તેને મોકલેલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં છ દિવસ બાદ જવાબ નહીં મળતા મે તેને ફોન કર્યા હતા,
પરંતુ કોઇ કોન્ટેક થતો ન હોય જેથી મે સમગ્ર વાત મારા પૌત્રને કરી હતી અને મારી સાથે ફ્રોડ થયાનું જણાવ્યુ હતું ત્યારે હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ બાબતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સાથે રાજકોટ પોલીસ વિભાગના ક્રાઈમ DCP ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આવા કોલ બાબતે સચેત રહેવા અને એવો કોઈ પોલીસ અધિકારીઓનો ફોન આવે તો તરજ જે તે સ્થાનિક સાયબર પોલીસ અથવાતો નજીકના પોલીસ સ્ટેશન મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.