કાલબાદેવીમાંથી 2.30 કરોડની રોકડ જપ્ત: 12 જણ તાબામાં
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન પોલીસે દક્ષિણ મુંબઈના કાલબાદેવી પરિસરમાંથી 2.30 કરોડ રૂપિયા જપ્ત કરી 12 જણને પૂછપરછ માટે તાબામાં લીધા હતા.
મળેલી માહિતીને આધારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ચંદ્રકાંત સરોડેની ટીમે ગુરુવારની રાતે કાલબાદેવી નજીક ભુલેશ્ર્વર માર્કેટ ખાતે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમે 12 શકમંદ પાસેની બૅગની તપાસ કરી હતી.
બૅગમાં મોટી સંખ્યામાં રોકડ હોવાનું જાણવા મળતાં પ્રાથમિક તપાસ માટે 12 જણને મુંબાદેવી પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. બૅગમાંની રોકડની ગણતરી કરતાં 2.30 કરોડ રૂપિયા હોવાનું જણાયું હતું. આ પ્રકરણે પોલીસે તાત્કાલિક મુંબાદેવી વૉર્ડના ચૂંટણી અધિકારીઓની ફ્લાઈંગ સ્ક્વોડને જાણ કરી હતી.
આ પણ વાંચો :જોધપુરમાં બ્યુટિશિયનની હત્યા બાદ શબના ટુકડા કરી દાટી દેનારો મુંબઈમાં પકડાયો
ચૂંટણી અધિકારીની હાજરીમાં 12 જણને એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પકડાયેલા લોકો પાસે રોકડ સંબંધી પોલીસના સવાલોનો સંતોષજનક જવાબ મળ્યા નહોતા. આ આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા રૂપિયાની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવી હતી.