જોધપુરમાં બ્યુટિશિયનની હત્યા બાદ શબના ટુકડા કરી દાટી દેનારો મુંબઈમાં પકડાયો
મુંબઈ: રાજસ્થાનના જોધપુરમાં બ્યુટિશિયનની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કરી ખાડામાં દાટી દેવાના કેસમાં ફરાર આરોપીને દક્ષિણ મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ગુલામુદ્દીન ફારુકી તરીકે થઈ હતી. છેલ્લા નવ દિવસથી ફારુકી ફરાર હતો અને રાજસ્થાન પોલીસ તેને શોધી રહી હતી. મુંબઈ પહોંચેલી રાજસ્થાન પોલીસની ટીમે વી. પી. રોડ પોલીસની મદદથી ફારુકીને પકડી પાડ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 50 વર્ષની બ્યુટિશિયન અનીતા ચૌધરીની હત્યા ઑક્ટોબરના છેલ્લા સપ્તાહમાં કરવામાં આવી હતી. હત્યા પછી આરોપીએ અનીતાએ પહેરેલા સોનાના દાગીના ચોર્યા હતા. પછી તેના મૃતદેહના ટુકડા કરીને આરોપીએ ઘર નજીક ખોદવામાં આવેલા 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા હતા.
આપણ વાંચો: ટીવી અભિનેતા Nitin Chauhanનું રહસ્યમય સંજોગમાં મોત, આત્મ હત્યાની આશંકા
બ્યુટિશિયન ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાયા પછી 28 ઑક્ટોબરે ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અનીતા ગુમ થઈ એ દિવસે ફારુકીના ઘરે ગઈ હતી. પૂછપરછમાં ફારુકીની પત્નીએ કબૂલ્યું હતું કે તેના પતિએ જ અનીતાની હત્યા કરી હતી.
પોલીસે ફારુકીની પત્નીની ધરપકડ કરી હતી અને ફરાર ફારુકીની શોધ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફારુકી ટ્રેનથી મુંબઈ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં સંતાયો હોવાની માહિતી રાજસ્થાન પોલીસને મળતાં વી. પી. રોડ પોલીસે તેને પકડી પાડ્યો હતો. વધુ તપાસ માટે આરોપી રાજસ્થાન પોલીસને સોંપાયો હતો. (પીટીઆઈ)