Election Day: મતદાનના દિવસ માટે BMCએ કરી મહત્ત્વની જાહેરાત
મુંબઈ: ૨૦ નવેમ્બરે મતદાનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે આજે મુંબઈ મહાનગર પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડીને પાલિકાના કર્મચારીઓ માટે પેઈલ લીવ જાહેર કરી હતી. મતદાનની ટકાવારી વધારવાના ઉદ્દેશને લઈ પાલિકાએ રજા પણ જાહેર કરી છે.
બૃહદ મુંબઈ પ્રદેશમાં (મુંબઈ ઉપનગરીય જિલ્લો અને મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ)માં બધા વ્યવસાયો, ઔદ્યોગિક જૂથો, કોર્પોરેશનો, કંપનીઓ અને સંસ્થાઓ, ઔદ્યોગિક ઉપક્રમો અને અન્ય તમામ સંસ્થાઓ માટે ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ શ્રમિકો, કર્મચારીઓ, અધિકારીઓને વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે રજા આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન નહીં કરનારા એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
ભારતના ચૂંટણી પંચની સાથેસાથે મુખ્ય ચૂંટણી અધિકારી, મહારાષ્ટ્રની સૂચનાઓ અનુસાર બૃહદ મુંબઈ પ્રદેશ (મુંબઈ ઉપનગરીય જિલ્લો અને મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ)માં મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ નવીન પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે જે આ પ્રમાણે રહેશે.
આપણ વાંચો: એકનાથ શિંદેએ શરુ કર્યું મોટું અભિયાન, કહ્યું મુંબઈના રિયલ હીરો છો…
જ્યાં જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે તે મતદાન વિસ્તારમાં કોઈ પણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા અન્ય કોઈ પણ સંસ્થામાં સંકળાયેલી દરેક વ્યક્તિ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવા માટે હકદાર કોઈપણ વ્યક્તિને મતદાનના દિવસે એટલે ૨૦મી નવેમ્બરના બુધવારના દિવસે રજા આપવામાં આવશે. આ નિયમો તમામ ઔદ્યોગિક જૂથો, કોર્પોરેશન, કંપનીઓ અને સંસ્થાઓ, ઔદ્યોગિક ઉપક્રમો અથવા અન્ય સંસ્થાઓ વગેરેને લાગુ પડશે.
આ રજાના બદલામાં સંબંધિત વ્યક્તિના પગારમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં. જો કોઈ પણ એમ્પ્લોયર દ્વારા આ નિયમો અથવા જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, અસાધારણ સંજોગોમાં કામદારો, કર્મચારીઓ, અધિકારીઓ વગેરેને ઓછામાં ઓછા ચાર કલાકની છૂટછાટ આપી શકાય છે. જો મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે આખા દિવસની રજા આપવી શક્ય ન હોય, પરંતુ આવી મુક્તિના કિસ્સામાં જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી જરૂરી રહેશે.
જો એવું જણાયું કે રજા કે છૂટ ન મળવાને કારણે કોઈપણ વ્યક્તિ તેના મતના અધિકારનો ઉપયોગ કરવાથી વંચિત રહી ગઈ છે, તો સંબંધિત માલિક સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. તેથી, ઉદ્યોગ વિભાગ હેઠળની તમામ કોર્પોરેશનો, ઔદ્યોગિક જૂથો, કંપનીઓ અને સંસ્થાઓ, ઔદ્યોગિક સાહસો વગેરે સંસ્થાઓએ જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી આ તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.