ઑસ્ટ્રેલિયન ટીમને અત્યારથી જ ઝટકો, ફાસ્ટ બોલરને થઈ ઈજા
મેલબર્નઃ ત્રણ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા વતી બે ટેસ્ટ અને ચાર વન-ડે રમી ચૂકેલા ફાસ્ટ બોલર માઇકલ નેસરને બાવીસમી નવેમ્બરે પર્થમાં ભારત સામે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં તો લગભગ નહોતું જ રમવા મળવાનું, પરંતુ પાંચ મૅચની લાંબી સિરીઝ હોવાથી ગમે ત્યારે ઑસ્ટ્રેલિયન ટીમને તેની જરૂર પડે એમ હતું એટલે તેને ફિટનેસ જાળવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ગુરુવારે તે ઈજા પામતાં ઑસ્ટ્રેલિયન ટીમની યોજનામાં થોડો ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
મેલબર્નમાં ઇન્ડિયા એ' સામે ઑસ્ટ્રેલિયા
એ’ની ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટ-મૅચ ચાલી રહી છે. ગુરુવારે નેસરે 27 રનમાં ચાર વિકેટ લીધી હતી. તે 13મી ઓવર કરી રહ્યો હતો એ દરમ્યાન તેના ડાબા પગના સ્નાયુ ખેંચાઈ ગયા હતા અને મૅચમાંથી તે આઉટ થઈ ગયો હતો.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ સામેની ટેસ્ટ પર ભારતની મજબૂત પક્કડ, ૧૫૭ રનની મેળવી લીડ
તેણે અભિમન્યુ ઈશ્વરન (0), સાઇ સુદર્શન (0), કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (4) અને દેવદત્ત પડિક્કલ (26)ની વિકેટ લીધી હતી. પ્રથમ દિવસની રમતને અંત સુધીમાં (ભારતના 161 રનના જવાબમાં) ઑસ્ટ્રેલિયા એ' ટીમે બે વિકેટે 53 રન બનાવ્યા હતા. 34 વર્ષના નેસરે 2021-
22માં બે ટેસ્ટમાં સાત વિકેટ લીધી હતી.
ભારત સામે બાવીસમી નવેમ્બરે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણીમાં નેસરને રમાડવાની સિલેક્ટર્સે તૈયારી કરી રાખી હતી, પરંતુ તે ઈજા પામતાં હવે તેમણે બીજા ફાસ્ટ બોલરનો વિકલ્પ વિચારી રાખવો પડશે. ભારત સામેની ટેસ્ટ-શ્રેણી માટે ઑસ્ટ્રેલિયન ટીમની હજી જાહેરાત નથી કરાઈ. જોકે ટીમના મુખ્ય બોલર્સમાં પૅટ કમિન્સ, જૉશ હૅઝલવુડ, મિચલ સ્ટાર્ક, મિચલ માર્શ, સ્કૉટ બૉલેન્ડ, ઝાય રિચર્ડસન વગેરેનો સમાવેશ છે.
ઑક્ટોબરમાં પણ નેસરને ડાબા પગમાં ઈજા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ટીમે છેલ્લી બન્ને ટેસ્ટ-સિરીઝ 2-1થી જીતી લીધી હતી અને આ વખતે ભારતીય ટેસ્ટ ખેલાડીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેના 0-3ના પરાજયના આઘાત છતાં ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ફરી હરાવવાના મૂડમાં છે.