ઇઝરાયેલ પર થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 400થી વધુના મોત
એર ઈન્ડિયાએ કેન્સલ કરી તેલ અવીવ ફ્લાઈટ

નવી દિલ્હીઃ ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ શનિવારે એર લાઈન કંપની એર ઇન્ડિયાએ નવી દિલ્હીથી તેલ અવીવ અને તેલ અવીવથી નવી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “07 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અને તેલ અવીવથી દિલ્હી પરત ફરતી ફ્લાઈટ AI140 અમારા મહેમાનો અને ક્રૂના હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે.” “મુસાફરોને તેમની જરૂરિયાતો અનુસાર તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.”
આ પહેલા ભારતીય દૂતાવાસે પણ એડવાઈઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની સલાહ મુજબ સતર્ક રહેવા અને સુરક્ષા નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને સાવચેતી રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને સલામત સ્થળોની નજીક રહો. એડવાઈઝરી અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં જારી કરવામાં આવી છે.
દૂતાવાસની વેબસાઇટ પરની વિગતો અનુસાર, ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીય નાગરિકો છે, જેમાં મુખ્યત્વે ઇઝરાયેલના વડીલો, હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની દેખરેખ માટે કાર્યરત લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલમાં ભારતીય મૂળના લગભગ 85,000 યહૂદીઓ પણ છે જેઓ પચાસ અને સાઠના દાયકામાં ભારતમાંથી ઇઝરાયેલ સ્થળાંતરિત થયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાઓ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી છે અને નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.”
ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન હમાસના હુમલામાં 300થી વધુ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ “યુદ્ધ” જાહેર કર્યું છે અને કહ્યું છે કે તેમનો દેશ દુશ્મન પાસેથી “અભૂતપૂર્વ કિંમત” વસુલ કરશે. આ યુદ્ધ પૂર્વ જેરુસલેમમાં ફેલાઈ ગયું છે. આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી અને ગાઝાથી ઈઝરાયેલના પ્રદેશ તરફ 1,000 થી વધુ રોકેટ છોડ્યા હતા.