નેશનલ

મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ

એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નીચેની અદાલતોને સલાહ આપી હતી કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત મામલામાં અદાલતો સંવેદનશીલતા દાખવે. ઉત્તરાખંડ હાઈકોર્ટે એક પુરુષ અને તેની માતાને તેની પત્ની સાથે ક્રૂર વર્તન કરવા બદલ દોષી ઠેરવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી દીધી છે અને હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અદાલતો કાર્યવાહીમાં ટેકનીકલ ખામી, અધૂરી તપાસ અથવા પુરાવામાં મામૂલી ખામીઓને કારણે ગુનેગારોને છટકી જવા દેશે નહીં, અન્યથા પીડિત નિરાશ થઈ જશે.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે નિર્ણયમાં કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત મામલાઓમાં અદાલતો પાસેથી સંવેદનશીલતાની અપેક્ષા છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટના માર્ચ 2014ના આદેશને પડકારતી બે દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટીપ્પણી કરી હતી. મહત્વનું છે કે, હાઈકોર્ટે 2007માં નોંધાયેલા કેસમાં મૃતક મહિલાના પતિ અને સાસુને દોષિત ઠેરવતા નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો.

કોર્ટે મૃતક મહિલાના પતિ બલવીર સિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 498-A (વિવાહિત મહિલા સાથે ક્રૂરતા) હેઠળના ગુના માટે દોષિત ઠેરવ્યો હતો. તે જ સમયે, મૃતકની સાસુને IPCની કલમ 498-A (સ્ત્રી પર ક્રૂરતા) હેઠળ ગુના માટે દોષિત ઠેરવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button