વાદ પ્રતિવાદ

નમાઝ: દુન્યવી ફાયદાઓનો એકરાર કરતા તબીબો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયાની કસરતોમાં દરેક ઉંમરના માટે અલગ-અલગ કસરતોની વ્યવસ્થા છે. મોટાઓ માટે અલગ, નાનાઓ માટે અલગ તે ત્યાં સુધી કે સ્ત્રીઓ અને પુરુષો માટે કસરતના પ્રકારો જુદા-જુદા છે.

-પરંતુ ઈબાદત (ઈશ્ર્વરની સ્તુતિ-પ્રાર્થના)ના રૂપમાં ‘નમાઝ’ એક એવી ‘કસરત’ છે, જે દરેક ઉંમરના મર્દ અને ઔરત માટે એક જ તરીકા-પદ્ધતિથી સમાન છે.

નમાઝના દીની-રૂહાની ફાયદાઓ ઉપરાંત દુન્યવી લાભો સ્પષ્ટ કરતા જનાબ એ.આર. કમર પોતાના યુરોપના સફરનામામાં લખે છે કે, હું નમાઝ પઢી રહ્યો હતો અને એક અંગ્રેજ મને ઊભો રહીને થોડીવાર જોઈ રહ્યો, જ્યારે હું નમાઝથી ફારિગ થયો તો મને કહેવા લાગ્યો કે,

  • ‘આ કસરતનો તરીકો (પદ્ધતિ-રીત) મારા પુસ્તકમાંથી શીખ્યા છો? કેમ કે મેં પણ આજ તરીકાથી કસરત કરવાની રીત બતાવી છે,
  • ‘જે વ્યક્તિ આ પ્રમાણે કસરત કરશે તે મોટી પેચીદા-અટપટી અને ભયંકર બીમારીઓથી બચી જશે.’
  • પછી તે જાણકારે ખુલાસો કર્યો કે,
  • ‘અગર ઊભેલો માણસ તરત જ સજદા (નમન)ની કસરતમાં ચાલ્યો જાય તો તેનાથી દિલ (હૃદય) પર અને નસો પર બૂરી-ખરાબ અસર થાય છે, એટલા માટે તે વાત ખાસ તૌર-તરીકા-પદ્ધતિથી પર જણાવાઈ છે કે પહેલા ઊભા થઈને કસરત કરવામાં આવે, યાને કયામ (ટટ્ટાર-સીધા), પછી ઝુકીને-નમીને હાથ અને કમરની કસરત કરવામાં આવે (યાને રૂકુઅ) અને પછી સર (માથા)ને જમીન પર લગાવીને કસરત કરવામાં આવે (યાને સજદો-નમન). આ કસરત ફક્ત જાણકાર જ કરાવી શકે.’
  • જ્યારે તેણે આ વાત કહી ત્યારે મેં તે અંગ્રેજને કહ્યું કે, હું એક મુસલમાન છું અને ઈસ્લામ ધર્મે મને આ પ્રમાણે પ્રેયર (ઈબાદત) કરવાનું એજ્યુકેશન-તાલીમ આપી છે. મેં આપની બુક (કિતાબ) વાંચી નથી. આ પ્રમાણે દિવસમાં કમસેકમ-ઓછામાં ઓછું પાંચ વાર હું કરું છું અને દુનિયામાં રહેતા મુસલમાનો-જેને આપ ‘કસરત’ કહો છો તે ઈબાદતના રૂપમાં કરે છે…!’
  • મારી આ હકીકત-વાસ્તવિકતા સાંભળતાં જ તે અંગ્રેજ જાણકાર દંગ-આશ્ર્ચર્યચકિત રહી ગયા અને દીને ઈસ્લામ વિષેની વધુ જાણકારી મેળવવા ઉત્સુક બની ગયા.

સનાતન સત્ય:
એક ડૉક્ટર યુરોપમાં ફિઝિયોથેરાપી (અંગ કસરત નિષ્ણાત)માં ઉચ્ચ ડિગ્રી મેળવવા ગયા. ત્યાં તેમને બિલકુલ નમાઝ જેવી જ કસરત શીખવવામાં આવી તો તેઓ આ કસરતને જોઈને દંગ રહી ગયા!

  • ‘મેં તો આજ સુધી નમાઝને દીની અરકાન (ધાર્મિક ફરજ રૂપ ઈબાદત) સમજીને પઢી હતી-અદા કરી હતી, પરંતુ અહીં તો ખૂબ જ આશ્ર્ચર્યજનક વાત જાહેર થઈ કે આ પ્રમાણેની કસરતને કારણે તો મોટી-મોટી બીમારીઓ દૂર થઈ જાય છે. શરીર અને મન તાઝગી અનુભવે છે.

શિક્ષક ડૉક્ટર સાહેબે તે ફિઝિયોથેરાપીમાં ડિગ્રી મેળવવા આવેલા એ ડૉક્ટરને તેનું એક લિસ્ટ આપ્યું જે બીમારીઓ આ અંગ-કસરતથી સારી થઈ શકે છે:
૧- માનસિક બીમારીઓ,
૨- જ્ઞાનતંતુઓની બીમારી,
૩- મગજના રોગો,
૪- બેચેની-ગભરામણના રોગો,
૫- હૃદયના રોગો,
૬- સાંધાની બીમારી,
૭- મૂત્રપિંડના રોગો,
૮- અલ્સર તથા પેટના રોગો,
૯- ડાયાબિટીસ,
૧૦- આંખ, કાન, ગળાના રોગ.
નમાઝના જરૂરી ક્રમ પણ છે અને જો નમાઝમાં આ નિયમો-ક્રમોને છોડી દેવામાં આવે-તેને યોગ્ય રીતે-પદ્ધતિસર બજાવવામાં ન આવે તો, શારીરિક-માનસિક તંદુરસ્તીના ફાયદાઓથી વંચિત રહેવાય છે. નિરાશા થાય છે.

  • નમાઝમાં કસરતના અંદાજ ખાસ પ્રકારના છે, જેની પાબંદી જરૂરી છે, અગર પહેલે કયામ-(સીધું ઊભું રહેવું) ન કરવામાં આવે, અને સજદો (નમન-ઝૂકવું) કરવામાં આવે તો, તો જે મકસદ (હેતુ) માણસની તંદુરસ્તી માટે જરૂરી છે, તે મકસદ બિલ્કુલ પ્રાપ્ત નહીં થાય, બલ્કે એવી હાલત-સ્થિતિમાં વધારે રોગો થવાનો ખતરો-ભય-ગુંજાઈશ રહેવા પામે છે.
  • હાથને કાન સુધી ઉઠાવવા નમાઝની સુન્નત (કાર્ય પ્રણાલિ-પદ્ધતિ અનુસાર) અને જરૂરિયાતમાં શામિલ છે, જ્યારે હાથને કાન સુધી ઉઠાવે છે તો ગરદનની માંસપેશીઓ અને સાથળની માંસપેશીઓની કસરત થાય છે. દિલ (હાર્ટ)ના દર્દીઓ માટે આવી કસરત બહુ જ ફાયદામંદ-લાભકર્તા છે. જો કે નમાઝ અદા કરતી વખતે-પઢતી વખતે આ ક્રિયા આપમેળે જ થઈ જાય છે, આ કસરત લકવા-પેરેલીસીસના જોખમથી સલામત રાખે છે.
  • મઝહબે ઈસ્લામે દરેક સારાં અમલ (કામો)ને કરવામાં જમણા હાથનો ઉપયોગ કરવાની તાકીદ કરી છે, અને જમણા હાથમાં બરકત (સૌભાગ્ય) છે, જો કે ઈન્સાનનાં અંગોના જમણા-ડાબાની કેફિયતો (પરિસ્થિતિઓ) અલગ-અલગ છે. ખાસ કરીને જમણા હાથથી જે નરી આંખે પણ જોઈ ન શકાય તેવાં કિરણો નીકળે છે તે નેગેટિવ (નકારાત્મક) હોય છે. નેગેટિવ-પોઝેટિવ (હકારાત્મક) બંનેથી પાવર-શક્તિ સંપૂર્ણ બને છે.
  • જમણા હાથના જમા થયેલાં કિરણો ડાબા હાથમાં બદલાયા અને તાકત, કુવ્વત-કૌશલ્ય અને ચૂસ્તી-સ્ફૂર્તિનું કારણ બને છે, જેનાં કારણોથી ઈન્સાન જિંદગીનાં કામોમાં બરાબર રહે છે અને પરેશાન થતો નથી, અને એકંદરે કામિયાબ નિવડે છે.

નોંધ:

  • નમાઝ પઢવાથી થતાં દુન્યવી ફાયદાઓ (લાભ)નો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • જો કે નમાઝ પઢવાથી આ ઉપરાંત બીજા દુન્યવી ફાયદાઓ પણ મળતા હશે, જેની માહિતી આપણી પાસે નથી.
  • દુન્યવી ફાયદાઓ તો વધારાના છે, મૂળ તો દીનરૂહાની અર્થાત્ ધાર્મિક-આત્માની શુદ્ધિના લાભો મેળવવા માટે નમાઝ વાજિબ (ફરજરૂપ) કરવામાં આવી છે.
  • ઈસ્લામ ધર્મની તાલીમ-ફરમાન અનુસાર
  • નમાઝ ઈન્સાનને ખોટા કામ કરવાથી સાવધ કરે છે અને ગુનાહોથી બચાવે છે, અલ્લાહથી નજદીક કરે છે વગેર વગેરે અગણિત ફાયદાઓ મળે છે. પણ
  • નમાઝીએ તો આ બધા ફાયદાઓ મેળવવા માટે કે નિય્યતથી નમાઝ પઢવાની હોતી નથી,
  • નમાઝીએ નમાઝ પઢતી વખતે માત્ર અલ્લાહની કુરબત (નીકટતા; સમીપતા)ની નિય્યત એટલે કે ‘કુરબતના એલલ્લાહ’ નમાઝ પઢવાની છે. આ સિવાય બીજા કોઈ લાભ કે સ્વાર્થને નજર સામે રાખીને નમાઝ અદા કરવામાં આવશે-પઢવામાં આવશે તો તે નમાઝ નહીં લેખાય, માત્ર સ્વાર્થ લેખાશે.
  • ન જન્નત (સ્વર્ગ)ની લાલચમાં કે ન જહન્નમ (દોઝખ)ના ડરથી નમાઝ પઢવી જોઈએ.
  • નમાઝ કે ઈબાદત તો માત્ર અલ્લાહની ખુશ્નુદી માટે જ કરવાની છે. ડર કે લાલચમાં નથી કરવાની.

પ્રસ્તુત લેખમાં જે પુસ્તક અને તેના લેખકનો ઉલ્લેખ કર્યો છે તથા ફિઝિયોથેરાપી નિષ્ણાત ડૉક્ટરનો પ્રસંગ ટાંક્યો છે તે પુરવાર કરે છે, કે નમાઝથી દીની-રૂહાની લાભો ઉપરાંત દુન્યવી ફાયદાઓ પણ મળે છે.


સાપ્તાહિત સંદેશ:

  • અય માનવ! તું તારી રોજી માટે ફીકર ચિંતા કરતો નહીં કારણ કે તારી રોજી અલ્લાહ તરફની સર્જાયેલી છે અને તારા નસીબ-ભાગ્યની રોજીરોટી પર તારું નામ છે એ તને શોધી તારી પાસે આવનાર છે; તું તારું કર્તવ્ય નિભાવ.
  • ખરેખર અલ્લાહ સર્વે રમતો રમનાર છે.
  • અય ઈન્સાન! અલ્લાહની રમતોનો પાર કોઈ પણ આજ દિન સુધી કલ્પી શક્યો નથી; ખુદ ફરિસ્તાઓ પણ અલ્લાહની રમતો પામી શક્યા નથી.
  • સાચ્ચે જ અલ્લાહનો ભેદ અલ્લાહ જ જાણનાર છે.
  • નિ:સંદેહ અલ્લાહ પાક-પવિત્ર દિલને ચાહનાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button