નવરાત્રી પૂર્વે દેશી વાજિંત્રોની માંગ વધી: બાળકોમાં વિશેષ ક્રેઝ
નવરાત્રીમાં ઢોલ ઢબુકે તે પૂર્વે દુકાનનું આ દૃશ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં શ્રીકાર વરસાદ પછી નવરાત્રીની ઉજવણીનો આગોતરો થનગનાટ અત્યારથી જ કચ્છભરમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દાયકાથી ભુજના મહાદેવ નાકા બહાર આવેલા પાળેશ્ર્વર ચોક વિસ્તારમાં રાજારામની દુકાન તરીકે ઓળખાતી દેશી વાદ્યોની હેરિટેજ સમી દુકાને ભારે ધમધમાટ જોવા મળે છે. કચ્છરાજ સમયથી ઢોલક, તબલા, નાલ અને હાર્મોનિયમ જેવા વાદ્યોના કસબી એવા રાજારામ તો હવે નથી પણ તેમના પુત્ર જીતેન્દ્ર સોલંકી અને પૌત્ર રાજ સોલંકીએ પોતાની પેઢીનો દબદબો જાળવી રાખ્યો છે. તેમના જણાવ્યા અનુસાર થોડા વર્ષોની મંદીનું કામ જાણે ભેગું થઈને સામે આવ્યું છે. આ વર્ષે ધંધાદારી ગરબીઓ અને શેરી-મહોલ્લા ગરબીઓના આયોજન સાથે જૂના ગરબી મંડળો ફરી ચેતનવંતા બન્યા છે જેને લઈને કચ્છના ગામે ગામથી ઢોલ, મંજીરા, મૃદંગ, ખંજરી, હાર્મોનિયમ, બેન્જા જેવા વાદ્યો રિપેરિંગ થવા રાજારામની દુકાનમાં આવી પડ્યા છે. વર્ષો બાદ પગ પેટીઓ, એટલે કે પગથી વગાડાતા વાજા રિપેરિંગ માટે ગરબી મંડળોવાળા આપી ગયા છે. લાકડાંની બનેલી ઢોલ, મૃદંગ અને તબલાંની ફ્રેમ જેવા કાચા માલની કોઈ પણ પ્રકારની તંગી ઊભી થવા પામી નથી. ઢોલ, નગારાં, તબલાં અને મૃદંગ જેવાં વાદ્યોની કિંમતમાં ૨૦ ટકા જેવો ઉછાળો આવી ચુક્યો છે જે સામાન્ય બાબત છે. આનંદની વાત એ છે કે, આ વર્ષે પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે, બાળકોને કચ્છી ઢોલ, તબલાં, મૃદંગ, પાવા, ખંજરી જેવા વાદ્યો પરત્વે આકર્ષણ ઉભું થવા પામ્યું છે. નવી પેઢી આવી બાબતોમાં રસ લે તે ખૂબ આનંદની વાત છે. આ ઉપરાંત એ પણ મહત્વનું છે કે છેક પૂર્વ કચ્છના રાપર તાંબાના વૃજવાણીથી શરૂ કરીને બોલીવૂડ સુધી કચ્છી ઢોલની માંગ વધી છે. મુંબઈમાં કચ્છી ઢોલીઓનો નવરાત્રી દરમ્યાન દબદબો છે અને તેમાંના ઘણા છેક ભુજ સુધી આવીને કચ્છી ઢોલની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને હેલ્લારો ફિલ્મની રજૂઆત બાદ અને નવા તૈયાર થતાં ગુજરાતી ગીતોના આલ્બમમાં પણ કચ્છી ઢોલનો ઉપયોગ વધતો રહ્યો છે તેને કારણે પણ કચ્છી ઢોલની માંગ વધવા પામી છે.
જીતેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે કચ્છી ઢોલ ઉપરાંત દોરી બોલ્ટવાળા ઢોલ તેમજ ત્રામ્બાના ઢોલ અને નક્શીવાળા ઢોલની પણ માંગ વધી છે. શેરી ગરબાઓના વધી ગયેલા મહત્ત્વને કારણે ભુજથી શરૂ કરીને છેક ભારત-પાકિસ્તાનને સીમાડે આવેલા સરહદી ગામોમાંથી પણ વાજિંત્રો ખરીદવા લોકો આવી રહ્યા છે અને ઢોલ-નગારાં વગાડતા કલાકારોમાં મુસ્લિમ કલાકારોનું પણ આગવું સ્થાન હોઈ, તેઓ પણ નવરાત્રીના તહેવારો દરમ્યાન ઉત્સાહભેર ઢોલ ખરીદી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,મોટી ગરબીઓના આયોજન સાથે શેરી ગરબા પુન: જીવિત થઇ જતાં કચ્છમાં લાંબા સમય બાદ ૧૯૬૦ના દશકા જેવો ગરબીઓનો માહોલ ખડો થવા
પામશે.