ભારતે હવે ઑસ્ટ્રેલિયા સામે કેટલા માર્જિનથી જીતવું જ પડશે?
ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા હવે એકેય પરાજય નહીં પરવડે, જાણો કોને કેટલો ચાન્સ છે…
મુંબઈ: ભારતીય ટેસ્ટ ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની ત્રણેય ટેસ્ટ હારી ગઈ એટલે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની જૂનમાં લૉર્ડ્સમાં રમાનારી ફાઇનલ માટેની રેસમાં ભારત હવે ડેન્જર ઝોનમાં આવી ગયું છે.
ટેસ્ટના વર્લ્ડ કપની એ નિર્ણાયક મૅચ પહેલાં ભારતે હવે માત્ર ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ રમવાની છે. ભારતે એ સિરીઝ 4-0થી જીતવી જ પડશે. પાંચમાંથી એક ટેસ્ટ ડ્રૉમાં જશે તો પણ ચાલશે. એવું થશે તો જ ભારતીય ટીમ પહેલા બે સ્થાનમાં રહેશે અને ફાઇનલમાં પહોંચી શકશે. હા, હવે ભારતને એક પણ ટેસ્ટનો પરાજય નહીં પરવડે.
ઉલ્લેખનીય છે કે 2021 અને 2023ની પહેલી બન્ને ફાઇનલમાં ભારત પહોંચ્યું હતું, પરંતુ અનુક્રમે ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
ઑસ્ટ્રેલિયા સામેની પાંચમાંથી ચાર ટેસ્ટ જીતી લેવાશે અને એક ટેસ્ટ ડ્રૉમાં જશે તો ભારત 65.79 ટકા સાથે પૉઇન્ટ-ટેબલમાં બીજા સ્થાને રહી શકશે. એ સ્થિતિમાં ભારતીય ટીમ ન્યૂ ઝીલૅન્ડથી આગળ રહેશે. એ સંજોગોમાં કિવીઓ ઘરઆંગણે ઇંગ્લૅન્ડને 3-0થી હરાવશે તો પણ ભારતથી આગળ નહીં થઈ શકે.
ભારત પૉઇન્ટ-ટેબલમાં પહેલા નંબર પરથી બીજા ક્રમે આવી ગયું છે.
ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેના દાવેદાર પહેલા પાંચ દેશની સ્થિતિ આ મુજબ છે: (1) ઑસ્ટ્રેલિયા, 62.50ની ટકાવારી, 90 પૉઇન્ટ (2) ભારત, 58.33ની ટકાવારી, 98 પૉઇન્ટ (3) શ્રીલંકા, 55.56ની ટકાવારી, 60 પૉઇન્ટ (4) ન્યૂ ઝીલૅન્ડ, 54.55ની ટકાવારી, 72 પૉઇન્ટ અને (5) સાઉથ આફ્રિકા, 54.17ની ટકાવારી, બાવન પૉઇન્ટ.
આપણ વાંચો: 92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘરઆંગણે ભારતની સૌથી મોટી નામોશી
ન્યૂ ઝીલૅન્ડ સામે ભારત 0-3થી હારી ગયું એનાથી ઑસ્ટ્રેલિયાને ફાયદો થયો છે. ઑસ્ટ્રેલિયા નવેમ્બર-ડિસેમ્બરમાં ઘરઆંગણે ભારતને 3-2થી હરાવશે તો પણ પૉઇન્ટ-ટેબલમાં ભારતથી આગળ રહેશે.
ભારત પછી શ્રીલંકામાં જો ઑસ્ટ્રેલિયાની ટીમ બન્ને ટેસ્ટ હારી જશે તો પણ ભારતથી આગળ રહી શકશે. ટૂંકમાં, ઑસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પહોંચવા આગામી સાતમાંથી પાંચ ટેસ્ટ જીતવી પડશે.
સાઉથ આફ્રિકા હવે શ્રીલંકા અને પાકિસ્તાન સામેની તમામ બે-બે ટેસ્ટ જીતીને ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ શકશે.
ન્યૂ ઝીલૅન્ડે ભારત સામેની સિરીઝ 3-0થી જીતીને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટે નવેસરથી દાવો કર્યો છે. જોકે કિવીઓ હવે પોતાની આગામી બાકીની ત્રણ ટેસ્ટ જીતીને ફાઇનલમાં પહોંચી શકે એમ છે.
શ્રીલંકા હવે સાઉથ આફ્રિકા સામેની તમામ બે અને ઑસ્ટ્રેલિયા સામેની તમામ બે ટેસ્ટ જીતીને ફાઇનલમાં જઈ શકશે.