ચેન્નઈ: જાણીતા અભિનેતા વિજય થલપતિની પાર્ટી તમિલગા વેતરી કષગમ (ટીવીકે) એ આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર પર નિશાન સાધ્યું હતું. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મામલે ડીએમકે સરકારની નિંદા કરી હતી. સાથે જાતિ સર્વેક્ષ કરાવવા અને પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટને રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. તે સિવાય દારૂની દુકાનો પણ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.
લોકપ્રિય અભિનેતાના નેતૃત્વ હેઠળની પાર્ટીએ ભાજપ અને કેન્દ્રનો પણ વિરોધ કર્યો હતો. વકફ સુધારા બિલ 2024ને ‘સંઘવાદ વિરુદ્ધ હુમલો’ ગણાવ્યો હતો. આ બિલ હાલમાં સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ સમીક્ષા હેઠળ છે. બિલને પરત લેવાની પણ માંગ કરવામાં આવી હતી.
આપણ વાંચો: થલપતિ વિજયની ફિલ્મ GOATએ 3 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
નવી બનેલી પાર્ટી ટીવીકેએ ‘વન નેશન વન ઇલેક્શન’ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેને લાગુ કરવાનો પ્રયાસ લોકશાહીની વિરુદ્ધ છે અને આ પગલાની નિંદા કરી હતી. અહીં જિલ્લા પદાધિકારીઓ અને કારોબારી સમિતિની તેની પ્રથમ બેઠકમાં પક્ષે તેના સંગઠનાત્મક માળખાને ‘મજબૂત’ કરવા અને લોકો સુધી પહોંચવા અંગે ચર્ચા કરી અને 26 ઠરાવો પસાર કર્યા હતા.
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટને રદ કરવાની માંગને સમર્થન આપતા ટીવીકેએ કહ્યું કે શિક્ષણને બંધારણની સમવર્તી સૂચિમાંથી રાજ્ય સૂચિમાં સ્થળાંતરિત કરવામાં આવે. પાર્ટીએ કહ્યું કે તેની વિચારધારા બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયની છે, જે તમિલનાડુના તમામ લોકોની સંવાદિતા અને એકતા માટેની પ્રતિબદ્ધતા છે.