રિષભ પંત નૉટઆઉટ હતો? રોહિતે આપ્યું મોટું નિવેદન…
એબી ડિવિલિયર્સે પણ મહત્ત્વની વાત કરી અને હૉટસ્પૉટ લાવવાની તરફેણ કરી
મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ભારતનો પચીસ રનથી કારમો પરાજય થયો અને આખી સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરવાને પરિણામે ટીમ ઇન્ડિયા સામે કિવીઓની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી. ભારતીય ટીમ 147 રનનો નાનો લક્ષ્યાંક પણ ન મેળવી શકી.
યજમાન ટીમ 121 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એક તબક્કે લાગતું હતું કે ભારત આ મુકાબલો જીતી જશે, કારણકે રિષભ પંતે આશા જગાવી હતી. જોકે પંત વિવાદાસ્પદ સંજોગોમાં આઉટ થયો હતો. પંતને ખોટો આઉટ અપાયો હોવાની ચર્ચા વચ્ચે કૅપ્ટન રોહિત શર્માએ તેમ જ એબીડી વિલિયર્સે પણ અભિપ્રાય આપ્યો હતો.
વિકેટકીપર રિષભ પંતે મુંબઈની અસહ્ય ગરમીમાં 84 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને કિવી બોલર્સનો સમજદારીથી અને હિંમતથી સામનો કર્યો હતો અને 57 બૉલમાં એક સિક્સર તથા નવ ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. જોકે ભારતની બાવીસમી ઓવરમાં ટીમનો સ્કોર છ વિકેટે 106 રન હતો અને જીતવા બીજા ફક્ત 41 રન બાકી હતા ત્યારે ઍજાઝ પટેલના બૉલમાં પંતને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલના હાથમાં કૅચઆઉટ જાહેર કરાયો હતો.
આપણ વાંચો: મુંબઈ ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ
પંત ઓવરના ચોથા બૉલમાં પોતાને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં હતો અને આગળ વધીને હળવેકથી બૉલને પોતાનાથી દૂર રાખવા ગયો, પરંતુ બૉલ તેના પૅડ પર આવ્યો અને ઉછળ્યા પછી વિકેટકીપર બ્લન્ડેલ તરફ ગયો હતો જેણે કૅચ પકડી લીધો હતો.
અગાઉ કેટલીક વાર બીટ થયેલા પંતની વિરુદ્ધમાં કિવી ફીલ્ડર્સે જોરદાર અપીલ કરી હતી. ગ્રાઉન્ડ અમ્પાયરે તો પંતને નૉટઆઉટ જાહેર કર્યો, પરંતુ કિવી કૅપ્ટન ટૉમ લેથમે રિવ્યૂ લીધી હતી. થર્ડ અમ્પાયર (ઑસ્ટ્રેલિયાના પૉલ રિફેલે) ઘણી વાર પછી (વિવિધ ઍન્ગલથી રિપ્લે જોયા બાદ) યોગ્ય નિર્ણય પર ન પહોંચી શકતા છેવટે ગ્રાઉન્ડ અમ્પાયરને કહ્યું કે તમે પંતને આઉટ આપી શકો છો.
પંત બેહદ નિરાશ થઈ ગયો અને હતાશ હાલતમાં તથા થર્ડ અમ્પાયરના નિર્ણયના આઘાતમાં ધીમે-ધીમે ચાલતો ચાલતો પૅવિલિયનમાં પાછો આવ્યો હતો.
આપણ વાંચો: આ ચાર દિગ્ગજ ભારતીયો છેલ્લી વાર હોમ-ટેસ્ટમાં એકસાથે રમતા જોવા મળી રહ્યા છે કે શું?
પંતે પાછા આવતા પહેલાં પોતાના વિશેના નિર્ણય બાબતમાં ઑન-ફીલ્ડ અમ્પાયર સાથે થોડી વાતચીત પણ કરી હતી.
કૅપ્ટન રોહિત શર્માએ મૅચ પછીની પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમે જો કંઈ કહીએ તો એને કદાચ સાચી રીતે ન પણ લેવામાં આવે. જોકે જે નિર્ણય સ્પષ્ટ ન લાગતો હોય એ બાબતમાં મેદાન પર લેવામાં આવેલો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. એ નિર્ણય અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો.’
રોહિત શર્માના આ વિધાન પરથી સ્પષ્ટ થઈ ગયું કે તે થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતો.
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે પણ એક્સ (ટવિટર)ની પર પોસ્ટમાં લખ્યું છે, ‘બૉલ જ્યારે બૅટ અને પૅડની નજીકથી પસાર થાય ત્યારે સ્નિકો મીટર કોઈ પણ મોટા અવાજને પણ પકડી લે છે.
એ જોતાં હૉટ સ્પૉટ હોવું જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે બૉલ જ્યારે બૅટરના બૅટની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તેના પૅડ સાથેના સંપર્કને લીધે પણ નજીવો અવાજ આવતો હોય છે અને એ અવાજ સ્નિકોમાં પકડાઈ જાય છે. જોકે બૅટને બૉલ વાગ્યો જ છે એની ખાતરી તો થતી જ નથી હોતી. આ બાબતમાં મેં હંમેશાં ચિંતા વ્યક્ત કરી છે અને એવું મુંબઈની આ ટેસ્ટમાં મહત્ત્વના તબક્કે બન્યું. હૉટસ્પૉટ ક્યાં છે?’