Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
રાંચી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણી(Jharkhand Election 2024)પૂર્વે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ભાજપ ઝારખંડમાં કુશાસન અને ભ્રષ્ટાચારનો અંત લાવશે અને રાજ્યના લોકોની સુરક્ષા પ્રાથમિકતા હશે. રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે યુસીસી(UCC)ચોક્કસપણે ઝારખંડમાં પણ લાગુ કરવામાં આવશે.
પીએમ મોદીની વિકાસ કરતી સરકારની જરૂર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાંચીમાં રેલીને સંબોધિત કરતા ઝારખંડના સીએમ હેમંત સોરેન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ઝારખંડમાં આ ચૂંટણી માત્ર સરકાર બદલવાની ચૂંટણી નથી, પરંતુ ઝારખંડના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચૂંટણી પણ છે. ઝારખંડની મહાન જનતાએ નક્કી કરવાનું છે કે તેઓને ભ્રષ્ટાચારમાં ડૂબેલી સરકાર જોઈએ છે કે પીએમ મોદીની વિકાસ કરતી સરકારની જરૂર છે. ઘૂસણખોરી કરી ઝારખંડની અસ્મિતાને જોખમમાં મુકનાર સરકાર જોઇએ કે સરહદની સુરક્ષા કરનારી ભાજપ સરકાર જોઇએ.
Also Read – ‘CM યોગીના હાલ પણ બાબા સિદ્દીકી જેવા થશે’, ધમકી આપી રાજીનામાની માંગ
ઘૂસણખોરોને ઝારખંડમાંથી ભગાડી દેશે
ગૃહમંત્રી અમિત શાહે સીએમ હેમંત સોરેન પર ઘૂસણખોરોને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, હેમંત સોરેન ઘૂસણખોરોમાં પોતાની વોટબેંક જુએ છે. આ રાજ્યમાં ઘૂસણખોરોને કારણે આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે, વસ્તીનું પ્રમાણ બદલાઈ રહ્યું છે અને હેમંત સોરેનની સરકાર તેમા ખુશ છે. હું તમને વચન આપું છું. જો ભાજપ સરકાર આવશે, તે ઘૂસણખોરોને ઝારખંડમાંથી ભગાડી દેશે, આજે આસામમાં ભાજપની સરકાર આવતા ઘૂસણખોરી બંધ થઈ છે. એમ પણ માટી, બેટી અને રોટી ત્રણેયની સુરક્ષા કરીશું.