ભારતને 147 રનનો લક્ષ્યાંક પણ મોટો લાગી રહ્યો છે, રોહિત સહિતનો ટૉપ ઑર્ડર ફરી ફ્લૉપ
જાડેજાની કુલ 10 વિકેટનો તરખાટ ક્યાંક એળે ન જાય તો સારું
![India's target of 147 runs seems too big, top order including Rohit flops again](/wp-content/uploads/2024/11/Indias-target-of-147-runs-seems-too-big.webp)
મુંબઈ : ભારતને અહીં વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂ ઝીલેન્ડ સામે ત્રીજા દિવસે ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતવા માટે 147 રનનો સાવ સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. જોકે ભારતે પહેલી 7.1 ઓવરમાં ફક્ત 29 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
કેપ્ટન રોહિત શર્મા (11 બૉલમાં 11 રન)એ ફરી અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પેસ બોલર મેટ હેન્રીના બૉલમાં ગ્લેન ફિલિપ્સે મિડ વિકેટ પરથી દોડી આવીને તેનો સુંદર કૅચ પકડ્યો હતો.
રોહિત સતતપણે નિષ્ફ્ળ જઈ રહ્યો છે. તે આઉટ થયા બાદ બીજી જ ઓવરમાં શુભમન ગિલ (ચાર બૉલમાં એક રન) વિકેટ ગુમાવી બેઠો હતો. તેને સ્પિનર એજાઝ પટેલે ક્લીન બોલ્ડ કર્યો હતો.
એજાઝ પટેલ ત્યાર પછીની પોતાની ઓવરમાં ફરી ત્રાટક્યો હતો અને તેણે વિરાટ કોહલી (સાત બૉલમાં એક રન)ની વિકેટ લીધી હતી. સ્લિપમાં મિચલે ડાઇવ મારીને તેનો કેચ પકડ્યો હતો.
ઓપનર યશસ્વી જયસ્વાલે (16 બૉલમાં પાંચ રન) એક પછી એક ત્રણ સાથી ખેલાડીને સામા છેડા પરથી આઉટ થતા જોયા હતા અને પછી સાતમી ઓવરમાં પોતે જ સ્પિનર ફિલિપ્સના બૉલમાં આઉટ થઈ ગયો હતો. તેની વિદાય બાદ સરફરાઝ ખાન (એક રન) પણ એજાઝના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
પહેલી બન્ને ટેસ્ટ ભારતે ખરાબ બૅટિંગને લીધે જ ગુમાવી હતી. જોકે હવે સિરીઝમાં ટીમને 0-3ના વાઈટ-વૉશથી બચાવવા આજે ભારતીય બેટર્સે વધુ એક નાની અને છેલ્લી કસોટીમાંથી પાર ઊતરવાનું છે.
કિવીઓની ટીમ આજે બીજા દાવમાં 174 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજાએ બીજા દાવમાં પણ પાંચ વિકેટનો તરખાટ બતાવ્યો. પ્રથમ દાવની પાંચ વિકેટ સહિત આખી મૅચમાં તેણે કુલ 10 વિકેટ લઈને પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી અને હવે ભારતને જીતાડવાની બૅટર્સની જવાબદારી છે, પરંતુ ટૉપ ઓર્ડરે ફરી ચિંતામાં મૂકી દીધા છે.
અશ્વિને કિવીઓના બીજા દાવમાં ત્રણ, વૉશિંગ્ટન સુંદરે એક અને આકાશ દીપે એક વિકેટ લીધી હતી.
વિલ યંગના 51 રન કિવીઓની ટીમમાં હાઈએસ્ટ હતા.
પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડે 235 રન અને ભારતે 263 રન બનાવ્યા હતા.