રાશિ ભવિષ્ય વિક્રમ સંવત ૨૦૮૧: મેષ
વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે.
ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.
જલધારા દિપક પંડ્યા
મેષ
આપની રાશિમાં સ્થિર ગ્રહોમાં ગુરુ ૨૯-૩-૨૦૨૫થી ત્રીજા ભાવે રહી ભાગ્યના દ્વાર ખોલશે. રાહુ ૨૦-૫-૨૦૨૫થી કુંભ રાશિમાં અગિયારમાં ભાવે રહેતા શુભ ફળ આપનાર રહે. શનિ ગ્રહ સાડાસાતીની સાંકળમાં કર્મોના ફળ આપવા ૧૪-૫-૨૦૨૫થી મીન રાશિમાં પ્રવેશતા તમારી રાશિથી બારમા ભાવે આવે છે. જે તમારા માટે ધીરજ અને શાંતિ-સમયને સાથ આપવાનો રહેશે. દિવાળી ઝગમગ દીવડાની જ્યોત-લક્ષ્મીની કૃપા અપાર રહેશે.
માનસિક અને શારીરિક સ્થિતિ:- વર્ષ દરમિયાન મોટી બીમારી નથી. ઋતુગત નાની-મોટી બીમારી આવશે. પેટના રોગ કે પાચનની તકલીફ થાય માટે ખાવા-પીવામાં પરેજીથી નાની બીમારીમાંથી મુક્તિ મેળવશો.
હકારાત્મક વિચારો તરફ તમારાં કાર્યોમાં સફળતા મળશે. તમારી ઈચ્છા મુજબ એક પછી એક કાર્યો ઉકેલાય. મનને સંયમ રાખી તમારા આરોગ્યને જાળવી શકશો. આધ્યાત્મિક વિચારો, સેવામાં મન પરોવવાથી તમારા ગુણોમાં સોનામાં સુગંધ ભળશે.
પારિવારિક:- આ વર્ષે માતા-પિતા કે વડીલવર્ગની તબિયત અંગે કાળજી લેવી. તમારાથી મોટા ભાઈ-ભાડું સાથે મતભેદ થાય. નાની-મોટી ચકમક થાય, પરંતુ તમારી મદદથી તેમનાં કાર્યો પાર પડતા જણાય. પરિવારમાં શુભ માંગલિક કાર્યો થાય. દામ્પત્ય જીવનમાં સંતોષકારક સમય રહે. સંતાનો અંગે ચિંતાનો સમય રહે. તેમના લગ્ન કે જીવનના મહત્ત્વના નિર્ણયો આ વર્ષે લેવાશે.
નોકરી-વેપાર વર્ષ:- નોકરિયાત વર્ગને પ્રમોશન અટકે. ખોટા આક્ષેપો કે આળ આવે. નોકરી બદલી થાય તો અણગમતા સ્થળ આવે. નવી નોકરીમાં તમારે મુશ્કેલી રહેશે.
વેપારીવર્ગને લોઢાના ચણા ચાવવા જેવો કઠિન સમય રહશે. અજાણ્યા સાથે ઠગાઈ જવાના વેપારમાં નુકસાન થાય. નાના વેપારીવર્ગને સમય મધ્યમ રહે. ખોટાં કાયદાકીય કાર્યોમાં ગુંચવાયેલા ન રહો તેની સાવધાની રાખવી. વેપારીવર્ગને વેપાર કરવામાં સાચી નીતિ અને ઈમાનદારી હશે તો ઈશ્વર સારથી બની રહેશે.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે ધનશ્રીના ભંડાર તમારા આંગણે દેખાય છે. તમારા આવકનાં સાધનો વધશે. વારસાગત મિલકતનાં કાર્યોથી લાભ થાય. શૅર-લોટરીમાં જોખમ ન કરવું. આકસ્મિક ધનલાભ થાય. વિદેશથી ધનલાભ થાય. પરિવારના સભ્યો પાછળ ધન ખર્ચ થાય.
.સ્થાવર સંપત્તિ સુખ:- મોટા વાહનની ખરીદી માટે શુભ સમય રહે. જમીન-મકાનની ખરીદી માટે શુભ વર્ષ રહે. સ્થાવર મિલકતના જૂના-પુરાણા બાંધકામને નવા ઓપ આપી શકશો. વેપાર માટે હમણા મિલકત ન ખરીદવી યોગ્ય રહે. રિનોવેશન કરી કામ ચલાવવું યોગ્ય રહે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
પ્રવાસ:- આ વર્ષે નાની યાત્રા થાય. ધાર્મિક યાત્રા થશે. વિદેશના યોગ જન્મ કુંડળીમાં બતાવતા હોય તો આ વર્ષે શક્ય બતાવે છે. પ્રવાસ વેપાર અર્થે પાત્ર વર્ષ દરમિયાન ધીમા થાય. નોકરિયાતવર્ગ પણ નોકરી અર્થે બહાર ગામ અવાર-નવાર જવાનું થાય. ટુંકમાં તમારી મનની ઈચ્છા મુજબ ફરવાના યોગ ગ્રહબળ સારા આપે છે.
શત્રુ મિત્રવર્ગ:- મિત્રોથી લાભ થાય. મોટી વગ ધરાવનાર સારા વ્યક્તિની ઓળખાણથી અગત્યનાં કાર્યોની પતાવટ થાય. મિત્રોને જામીન કે સાક્ષી તરીકે સહી-સિક્કા ના કરવા યોગ્ય રહે. મિત્રો ઉપર નાણાકીય વિશ્ર્વાસ કે વ્યવહાર ના કરવો.
છુપા શત્રુ ઊભા થાય. કોર્ટ કચેરી થાય તો નુકસાન થાય. દુશ્મનોથી સમાધાનની ભાવના રાખવી. ખોટા અહમ કે વટ માટે કોર્ટના કાયદામાં ના પડશો. સાડાસાતી જેલની મુલાકાત ના કરાવે તેની કાળજી લેવી.
અભ્યાસ:- વિદ્યાર્થી વર્ગને મહેનત ખૂબ જ કરવી પડશે. તમારા સંશોધન ક્ષેત્રમાં સફળતા મળશે. સરસ્વતીને રીઝવવા પડશે. ખૂબ જ મહેનત તમને યોગ્ય દિશામાં લઈ જાય તેમ છે.
બાર મહિના પ્રમાણે ફળ
(૧) કારતક: આ મહિનામાં વિવાહિત જીવનના પ્રશ્ર્નો ઉકેલાય. ભાગ્ય સાથ ન આપે. આર્થિક સંકડામણ અનુભવો. આરોગ્ય અંગે કાળજી લેવી નોકરીમાં બદલી થાય.
(ર) માગશર: નાણાભીડ દૂર થાય. વેપારમાં વધારો થાય. વાણીથી ચકમક ઝરે. પ્રવાસ ના કરો.
(૩) પોષ: જાહેર જીવનમાં ચડતી-પડતી જોવા મળે. સરકારી દંડ કે સજા થાય. કોર્ટનાં કાર્યોમાં સમાધાન રાખવું.
(૪) મહા: મિત્રવર્ગથી લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય. સહોદર સાથે મતભેદ થાય. મુસાફરી ત્યાગવી. જીવનસાથીનો સહયોગ મળે.
(૫) ફાગણ: વેપારમાં પ્રગતિ થાય. રાજકીય ક્ષેત્રે ઉચ્ચપદ મળે. વિવાહ યોગ્ય યુવાનો માટે શ્રેષ્ઠ સમય. ભાગ્યમાં અવરોધ આવે.
(૬) ચૈત્ર: ધારેલાં કાર્યો પાર પડે. વેપારમાં જ્વલ્લંત સફળતા મળે. નોકરીમાં બદલી-ઉચ્ચપદ મળે. આરોગ્ય અંગે કાળજી લેવી.
(૭) વૈશાખ: સ્થાવર મિલકત અંગે પ્રશ્ર્નો હલ થાય. નાણાભીડ દૂર થાય. વેપારમાં ભાગીદારથી લાભ થાય.
(૮) જેઠ: લાંબી મુસાફરી થાય. મિત્રવર્ગથી લાભ થાય. વેપારમાં ખોટા સાહસ થાય. નાણાકીય આવક વધશે. સહોદર સાથે વિવાદ થાય. અગત્યના કાગળો સાચવવા. ઠગાઈ ન થાય તેનું ધ્યાન રાખવું.
(૯) અષાઢ: તમારાં ધાર્યાં કાર્યો પાર પડશે. નોકરીમાં જવાબદારી વધે. ખોટા આક્ષેપો આવે સાવધાની રાખવી. આરોગ્ય અંગે કાળજી લેવી.
(૧૦) શ્રાવણ: આ સમય વેપારમાં વધારો થાય. તેમ જ જરૂરી નિર્ણયો આ સમયે લેવાશે. સંતાન અંગેની ઈચ્છા પૂરી થાય. નાની યાત્રા સુખદ રહે. મોજ મનોરંજનમય સમય પસાર થાય.
(૧૧) ભાદરવો: સ્થાવર મિલકતમાં વધારો થાય. જીવનસાથી સાથે મધુરતા જળવાય. ભાગ્યમાં અવરોધ આવે. જેની અસર નોકરી-વેપારમાં ધાર્યું ફળ ન મળે.
(૧૨) આસો: વિદેશ જવાની ઈચ્છા સંતાનોની પૂરી થાય. પરિવારથી વિયોગ થાય. વેપારમાં નાણાકીય આવક વધશે.
આમ આ વર્ષે તમારાં ઘણાં સપનાં સાકાર થાય. ગ્રહોનું ભ્રમણ ફળ તમને એકંદરે સારું વર્ષ અને યાદગાર શુભ ફળદાયી બનશે.