આ ચાર દિગ્ગજ ભારતીયો છેલ્લી વાર હોમ-ટેસ્ટમાં એકસાથે રમતા જોવા મળી રહ્યા છે કે શું?
(અજય મોતીવાલા)
મુંબઈ: ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચન્દ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા ખાસ કરીને હોમ-ગ્રાઉન્ડ પરની ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના ચાર આધારસ્તંભ રહ્યા છે. જોકે વાનખેડેમાં શુક્રવારે (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થયેલી ન્યૂ ઝીલૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટ આ ચાર પીઢ ખેલાડીની હોમ-ટેસ્ટમાં હાજરી બતાવતી કદાચ અંતિમ મૅચ બની શકે.
એક તો આ ચાર ખેલાડી ટેસ્ટના રિટાયરમેન્ટની નજીક પહોંચી રહ્યા છે અને બીજું, હવે ટેસ્ટ મૅચો ઓછી રમાય છે. એમાં પણ વર્ષ દરમ્યાન ઘરઆંગણે આંગળીને વેઢે ગણાય એટલી ટેસ્ટ રમાતી હોય છે.
શુક્રવારે ઘણા ક્રિકેટપ્રેમીઓ હોમ-ટેસ્ટમાં આ ચારેયને છેલ્લી વાર જોવા મળશે એવું જ કદાચ વિચારીને વાનખેડેમાં આવ્યા હશે.
કોહલી મંગળવારે 36 વર્ષનો થશે. રોહિત 37 વર્ષનો તેમ જ અશ્ર્વિન 38 વર્ષનો છે અને જાડેજા આવતા મહિને 36 વર્ષ પૂરા કરશે.
આ ચારમાંથી ખાસ કરીને જાડેજા તથા અશ્ર્વિન હજી પણ સારા ફૉર્મમાં છે. કોહલી અને રોહિત ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયર થઈ ગયા છે અને હવે થોડા જ સમયમાં ટેસ્ટ-ક્રિકેટને પણ ગુડબાય કરશે એવી સંભાવના છે. કારણ એ છે કે ટેસ્ટમાં તેઓ એક પછી એક મૅચમાં ફ્લૉપ જઈ રહ્યા છે. ખાસ કરીને સ્પિનર્સ સામે કોહલી નિષ્ફળ જવા લાગ્યો છે.
આપણ વાંચો: વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આટલા વર્ષથી ન્યૂ ઝીલૅન્ડ સામે નથી હારી ટેસ્ટ-મૅચ…
ભારતમાં હવે પછીની હોમ ટેસ્ટ-શ્રેણી છેક ઑક્ટોબર, 2025માં રમાશે. એ શ્રેણીમાં આ ચારેય પીઢ પ્લેયરો ટેસ્ટની ઇલેવનમાં સ્થાન પામી શકશે કે કેમ એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. ત્યાં સુધીમાં આ ચારમાંથી કોઈ ખેલાડીએ ટેસ્ટને કદાચ ગુડ-બાય કરી દીધી હશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય ટીમે (આ ચારેય વેટરન્સની હાજરીમાં) ઘરઆંગણે સતત 18 ટેસ્ટ-સિરીઝ જીતવાનો 12 વર્ષ જૂનો વિક્રમ તૂટતો જોયો છે.
2012માં ભારતનું હોમ-ગ્રાઉન્ડ પરનું એ સફળ અભિયાન શરૂ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારતે પંચાવનમાંથી 42 હોમ-ટેસ્ટ જીતી છે અને એમાં (અમુક મૅચોને બાદ કરતા) એકસાથે આ ચારેય ખેલાડીઓનો સારો દેખાવ રહ્યો છે. તેઓ ચારેય ભેગા મળીને બાવીસ હોમ-ટેસ્ટ રમ્યા છે જેમાંથી 17 ટેસ્ટમાં ભારતે વિજય માણ્યો છે.
આપણ વાંચો:
પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉત્સાહ, જાડેજાએ જલસો કરાવ્યો
વાનખેડે સ્ટેડિયમમાં 32,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને શુક્રવારે શરૂઆતમાં જ પોણા ભાગનું સ્ટેડિયમ ભરાઈ ગયું હતું. ભારત આ શ્રેણી હારી ચૂક્યું છે અને ગરમી પણ અસહ્ય છે. જોકે આ બે કારણ છતાં ક્રિકેટપ્રેમીઓએ દિવાળીની રજાનો સદુપયોગ વાનખેડેમાં મૅચ જોવા આવીને કર્યો.
આ તમામ કારણો છતાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો વાનખેડેમાં ઊમટ્યા હતા. બની શકે કે અનેક ક્રિકેટપ્રેમીઓએ વિરાટ કોહલી, રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તેમ જ બીજા બૅટર્સની ફટકાબાજી માણવા મૅચની શરૂઆતમાં જ સ્ટેડિયમમાં આવી જવાનો પ્લાન કર્યો હશે, પરંતુ સવારે 9.00 વાગ્યે ટૉસ ઉછાળવામાં આવ્યો અને ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હોવા છતાં સ્ટેડિયમમાં લોકોના પ્રવેશનો ધસારો અટક્યો નહોતો.
આપણ વાંચો: વાનખેડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં આ ઑલરાઉન્ડરની સરપ્રાઇઝ એન્ટ્રી…
રવીન્દ્ર જાડેજાએ આ મૅચમાં જોરદાર જલસો કરાવ્યો હતો. તેણે બે વખત ઓવરમાં બે-બે વિકેટ લીધી હતી. તેણે કિવી ટીમની 45મી ઓવરમાં વિલ યંગ (71 રન) અને ટૉમ બ્લન્ડેલ (0)ને આઉટ કર્યા બાદ 61મી ઓવરમાં ઇશ સોઢી (7) તથા મૅટ હેન્રી (0)ની વિકેટ લીધી હતી. જાડેજાએ 65 રનમાં કુલ પાંચ શિકાર કર્યા હતા. જાડેજાની આ કમાલને લીધે જ વાનખેડેમાં નીરસ વાતાવરણમાં ઊર્જાનો સંચાર થયો હતો અને લાંબા સમય સુધી શાંત બેઠેલા પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગરમીથી સૌ કોઈ તોબા…
મુંબઈમાં ગઈ કાલે ભરબપોરે 32 ડિગ્રી આસપાસ તાપમાન હતું. જોકે 39થી 40 ડિગ્રી જેટલી ગરમી હોય એવું લાગતું હતું. ન્યૂ ઝીલૅન્ડના બૅટર્સ મુંબઈની ગરમીથી પરેશાન હતા.
તેઓ લગભગ દરેક પાંચ-છ ઓવર બાદ નાનો ડ્રિન્ક્સ-ઇન્ટરવલ લેતા હતા. બેન્ગલૂરુ અને પુણેની ટેસ્ટ જીતી ચૂકેલા કિવી બૅટર્સ હવે મુંબઈમાં મૅરેથોન ઇનિંગ્સ રમવાના ઇરાદા સાથે આવ્યા હશે એટલે ડીહાઇડ્રેશનનો ભોગ ન થઈ જવાય એ હેતુથી વારંવાર પાણી કે એનર્જી ડ્રિન્ક લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, બાઉન્ડરી લાઇનની નજીક ઊભેલા ભારતીય ફીલ્ડર્સ પણ વારંવાર પાણી પી લેતા હતા.
આપણ વાંચો: ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે ભારતીય બૅટર્સને કઈ ખાસ સલાહ આપી?
બુમરાહ વાઇરલ બીમારીને કારણે નથી રમ્યો
આવતા મહિને ઑસ્ટ્રેલિયા જનારી ભારતીય ટીમ ફાસ્ટ બોલર્સમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ પર આધાર રાખશે એટલે એ પહેલાં બુમરાહે પૂરતો આરામ કરી લેવો પડશે અને 100 ટકા ફિટ હાલતમાં ઑસ્ટ્રેલિયા જવું પડશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થયેલી શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં બુમરાહ વાયરલ બીમારીને કારણે નથી રમ્યો.
તેના સ્થાને મોહમ્મદ સિરાજને સિરીઝમાં બીજી વાર રમવાનો મોકો મળ્યો છે. જોકે સિરાજને શુક્રવારે વિકેટ નહોતી મળી. ભારતે પ્લેઇંગ-ઇલેવનમાં ફક્ત આ ફેરફાર કર્યો હતો. બીજી તરફ, ન્યૂ ઝીલૅન્ડે પુણેની બીજી ટેસ્ટમાં કુલ 13 વિકેટ લેનાર સ્પિનર મિચલ સૅન્ટનરના સ્થાને વાનખેડેની મૅચમાં લેગ સ્પિનર ઇશ સોઢીને રમાડવામાં આવ્યો છે. ટિમ સાઉધીના સ્થાને મૅટ હેન્રીને અગિયાર પ્લેયરની ટીમમાં સમાવવામાં આવ્યો છે.