વાનખેડેમાં ભારત પહેલા જ દિવસે મુશ્કેલીમાં, આખા દિવસમાં 14 વિકેટ પડી
જાડેજાની પાંચ, સુંદરની ચાર વિકેટને લીધે ન્યૂ ઝીલૅન્ડના 235 રન, ભારતના 86/4
મુંબઈ: ટીમ ઇન્ડિયાએ અહીં વાનખેડેમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડને છેલ્લી ટેસ્ટમાં પ્રથમ દિવસે 235 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું, પરંતુ ત્યાર બાદ જે ડર હતો એ જ થયું. ભારતે પણ ધબડકો જોવો પડ્યો. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર ચાર વિકેટે 86 રન હતો. શુભમન ગિલ 31 રન અને વિકેટકીપર રિષભ પંત એક રને રમી રહ્યો હતો. કિવીઓથી ભારતીય ટીમ હજી 149 રનથી પાછળ હતી.
શુક્રવારના આખા દિવસમાં કુલ 14 વિકેટ પડી હતી. એમાંથી 11 વિકેટ સ્પિનર્સે લીધી હતી.
મૅચના પ્રથમ દિવસે ભારતીય સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા (65 રનમાં પાંચ વિકેટ) તથા વૉશિંગ્ટન સુંદર (81 રનમાં ચાર વિકેટ) ખૂબ સફળ રહ્યા હતા તો ભારતની ઇનિંગ્સમાં કિવી સ્પિનર ઍજાઝ પટેલ (33 રનમાં બે વિકેટ) સૌથી સફળ હતો.
એક વિકેટ પેસ બોલર મૅટ હેન્રીએ લીધી હતી, જ્યારે વિરાટ કોહલી ફક્ત ચાર રન બનાવીને હેન્રીના જ સીધા થ્રોમાં રનઆઉટ થઈ ગયો હતો.
આપણ વાંચો: વાનખેડેની ટેસ્ટમાં કદાચ બે ભારતીય દિગ્ગજ ખેલાડી નહીં જોવા મળે
કૅપ્ટન રોહિત શર્મા (18 બૉલમાં 18 રન)એ ફરી અસંખ્ય ચાહકોને નિરાશ કર્યા હતા. તે પાછો સસ્તામાં આઉટ થઈ ગયો હતો. મૅટ હેન્રીના બૉલમાં તે બીજી સ્લિપમાં હરીફ કૅપ્ટન ટૉમ લૅથમના હાથમાં કૅચઆઉટ થયો હતો.
ટીમના પચીસમા રને રોહિતની વિકેટ પડ્યા બાદ રોહિતના સાથી-ઓપનર યશસ્વી જયસ્વાલ (બાવન બૉલમાં 30 રન) તથા ગિલ વચ્ચે બીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ભારતની 18મી ઓવરમાં સ્પિનર ઍજાઝ પટેલે યશસ્વીને ક્લીન બોલ્ડ કરીને પાર્ટનરશિપ તોડી હતી. એના પછીના જ બૉલ પર નાઇટ-વૉચમૅન મોહમ્મદ સિરાજ (0)ને ઍજાઝ પટેલે એલબીડબ્લ્યૂમાં શિકાર બનાવ્યો હતો.
ત્યાર પછીની ઓવરમાં કોહલી સિંગલ દોડવાની ઉતાવળમાં રનઆઉટ થઈ ગયો હતો.
ભારતે ચાર વિકેટે 86 રન 19 ઓવરમાં બનાવ્યા હતા.
એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડને 235 રનનું સન્માનજનક ટોટલ અપાવવામાં ડેરિલ મિચલ (82 રન) અને વિલ યંગ (71 રન)ના સૌથી મોટા યોગદાનો હતા.
જાડેજાની પાંચ અને વૉશિંગ્ટન સુંદરની ચાર વિકેટ ઉપરાંત એક વિકેટ પેસ બોલર આકાશ દીપે લીધી હતી. આર. અશ્ર્વિન અને સિરાજને વિકેટ નહોતી મળી.
ન્યૂ ઝીલૅન્ડ 2-0ની સરસાઈ સાથે ટ્રોફી જીતી ચૂક્યું છે અને હવે ભારતીય ટીમે 0-3ના વાઇટ-વૉશથી બચવાનું છે.