વાદ પ્રતિવાદ

હાથના કર્યા, હૈયે વાગ્યાં: આપણી દુઆ કબૂલ કેમ થતી નથી?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એક વાચકે સવાલ લખી મોકલ્યો છે કે, આજકાલ કેટલીક મસ્જિદોમાં પાંચેય વખત નમાઝ પછી દુઆ માગવામાં આવે છે, છતાં આપણી દુઆ કબૂલ થતી હોય તેવું દુનિયાની વર્તમાન પરિસ્થિતિ જોતાં દેખાતું નથી. તેનું શું કારણ હોઈ શકે?

  • આપણા વડિલો કહે છે કે આ કયામત-ન્યાયના દિવસનો ઝમાનો ચાલી રહ્યો છે. અલ્લાહ ઈન્સાન જાતથી – તેના કરતૂતોથી તંગ આવી ગયો છે. તો શું થોડા પણ એવા ઈમાની લોકો નહીં હોય જેની દુઆ જગતકર્તા સાંભળે? કબૂલ કરે?

જવાબ: દુઆ તો મોડી વહેલી કબૂલ થાય જ છે. કોઈ પણ દુઆ બેકાર-વ્યર્થ જતી નથી, તેથી નિરાશ થવું નહીં. હા, દુઆની સાથે આપણા આમાલ અર્થાત્ કર્મ-કરણી, આચરણ-વ્યવહાર સુધારવાની ચિંતા કરવી જોઈએ.

  • જે કૃત્યો અને જે કારણોને લઈને મુસીબત આવી હોય તે કામોથી તોબા (ગુનાઓની માફી, ફરી ન કરવાની બાહેંધરી સાથે) કરવી જરૂરી છે.
  • મશહુર બુઝૂર્ગ (પ્રતિષ્ઠિત, માનવંત અને વલિયલ્લાહ હઝરત ઈબ્રાહિમ બીન અદહમ રહમતુલ્લાહ અલયહ (આપના પર અલ્લાહની રહમત-આશીર્વાદ રહે)ને બસરા શહેરના બજારમાં લોકોએ એક વખત ઘેરી લીધા અને સવાલ કર્યો કે,
  • ખુદાપાકનું ફરમાન તો એવું છે કે, ‘ઉદ ઉની અસ્તજિબ લકુમ’! અર્થ: મને પુકારો, મારાથી માગો, હું તમારી મુરાદો, ઈચ્છા પૂરી કરીશ (કુરાન). અમે તો આ ફરમાને ઈલાહી મુજબ લાંબા સમયથી દુઆ માગ્યા કરીએ છીએ, પરંતુ અમારી દુઆઓ કબૂલ થતી નથી તેનું શું કારણ?
  • હઝરત ઈબ્રાહિમ બીન અદહમે તે લોકોને જણાવ્યું કે ભાઈઓ! દસ કારણોને લીધે તમારાં દિલ મરી ગયાં છે, તો મુર્દા દિલોની દુઆ કેમ કબૂલ થાય? એવું કહી દસ કારણો આ મુજબ બતાવ્યાં:
    ૧- અરફતુમુલ્લાહ વલમ તુઅદદુ! અર્થ: ખુદાપાકને તમે ઓળખો છો, પણ તેનો હક (અધિકાર; સાચું, સત્ય) તમે અદા કર્યો નથી.

૨- કરઅતુમુલ કુર્આન વલમ અમિલુબિહી! અર્થ: તમે કુર્આન પઢયા, પણ તેની પર તમારો અમલ નથી.

૩- ઈદઅરતુમ હબ્બ રસુલિલ્લાહિ વ તરકતુમ સુન્નતહુ! અર્થ: રસુલેપાક (પયગંબર હઝરત મુહંમ્મદ સાહેબ)ની મહોબ્બતનો દાવો કરો છો, પણ તેની સુન્નત (કાર્યપ્રણાલિ પવિત્ર આચરણ, સુકૃત્ય) અને તરીકા-સદાચાર પર તમારો અમલ નથી.

૪- ઈદઅરતુમ અદાવત શ્શ્યતાનિ વઅતઅતુમુહુ વવાફકતુમુહ! અર્થ: તમે શયતાનની સાથે અદાવતનો દાવો કરો છો, પરંતુ તમારા અમલથી તેની તાબેદારી અને પૈરવી આજ્ઞાપાલન અને આચરણ કરો છો.

૫- ઈદ અપ્તુમ દુખુલલ જન્નતિવલમ તઅમલુ લહા! અર્થ: જન્નતી (સ્વર્ગમાં તેના હકદાર) હોવાની તમન્ના ઈચ્છા કરો છો, પરંતુ તે માટે તમારી કશી જ તૈયારી નથી.

૬- ઈદ અરતુમન્નજાત મિનન્નારિ વરમપ્તુમ ફીહા અન્ફુસ કુમ! અર્થ: દોઝખથી-નર્કથી બેઝારી- તેનાથી દૂર હોવાનું બતાવો છો, પરંતુ તમારા અમલથી-કર્મથી તમે પોતાની જાતને તેમાં નાખો છો.

૭- કુલ્તુમ અન્નલ મવ્તહક્કુન વલમ તઈદહૂ લહુ! અર્થ: મૃત્યુ આવશે તેવું યકીન-વિશ્ર્વાસ તો રાખો છો, પણ તે માટે તમારી કશી જ તૈયારી નથી.

૮- ઈશ્ત ગલ્તુમ બિઉયુબિ ઈખ્વાનિકુમ ફલા તરવ્ત ઉયુબ અન્ફુસિકુમ! અર્થ: તમે લોકોની ઐબો-બુરાઈઓ, ખામીઓ જુઓ છો; પરંતુ પોતાની ઐબોને જોતા નથી.

૯- અકલ્તુમ નિઅમત રબ્બિકુમ વલમ તશ્કુરૂ લહુ! અર્થ: ખુદાની બેશુમાર નેઅમતો- કૃપાઓની દેણગીનો ઉપયોગ કરો છો, પરંતુ તેનો શુક્ર-આભાર અદા કરતા નથી.

૧૦- દફન્તુમ મવ્તાકુમ વલમ તઅત બિરૂબિહિમ! અર્થ: તમે તમારી મૈયતોને દફન કરો છો, પરંતુ તેનાથી તમે ઈબ્રતબોધ – જ્ઞાન લેતા નથી. (હવાલો: હયાતુલ કુલુબ)
વ્હાલા વાચક બિરાદર! તમારો સવાલ કે માગવામાં આવતી દુઆ કબૂલ કેમ થતી નથી જ્યારે કે અલ્લાહે બાહેંધરી આપી છે કે તમે માગો મારાથી; હું તમારી દુઆ કબૂલ કરીશ…!

  • તો ઉપર દસ કારણો બતાવ્યાં છે, તેની પર ઊંડો વિચાર કરવો તમામ ઈસ્લામી ઉમ્મત, પ્રજા-અનુયાયીઓને જરૂરી છે.
  • આપણી ઈસ્લાહ-સુધારણા કરવાનો હજીય સમય છે.

માલદારી હશે, દીનદારી નહીં હોય
દમે મર્ગ જબ જાન નીકલેગી તન સે
ફીર ઉસ વક્ત કોઈ કીસીકા નહિં હય
જો કરના હય તુજકો કર લે અય ગાફિલ
કે દુનિયા મેં ફીર તુજકો આના નહિં હય.

હઝરત અલી સાહેબ કહે છે કે, અમે રસુલે ખુદા સલ.ની મજલીસમાં બેઠા હતા. એટલામાં મસઅબ બીન ઓમીર ઓચિંતા ત્યાં આવ્યા. તેમના શરીર પર માત્ર એક ચાદર હતી ચાદરમાં ચામડાનું થિગડું મારેલું હતું.

  • તેમનો હાલ જોઈ હુઝૂરે અનવર સલ. તે સહાબી (ઈમાન-શ્રદ્ધા લાવનાર સાથી, સંગાથી)ની ભૂતકાળની જાહોજલાલી યાદ કરી રડી પડયાં.
  • હઝરત મસઅબ રેશમી અને સુંવાળાં કપડાં પહેરતા હતા.
  • આપ હુઝૂરે અનવરે કહ્યું કે, હે મુસલમાનો! તે વખતે તમારો શું હાલ થશે જ્યારે સવારે તમે એક બૂટ પહેરીને નીકળશો અને સાંજે બીજા પ્રકારનો બૂટ પહેરીને નીકળશો!
  • એક પ્યાલો તમારી સામે મૂકવામાં આવશે અને બીજો પ્યાલો ઉઠાવવામાં આવશે અને તમો પોતાના ઘર પર એવી રીતે કપડાંના પડદા નાખશો, જેવી રીતે કા’બા શરીફને કપડાંથી ઢાંકી દેવામાં આવે છે.
  • સહાબાએ આપ હુઝૂરે અનવરને પૂછ્યું કે યા રસુલલ્લાહ! ત્યારે તો અમે આજની સરખામણીમાં સારી સ્થિતિમાં હોઈશું, કારણ કે ઈબાદત માટે ફારીગ થઈ જઈશું; કમાવવા માટે મહેનત નહીં કરવી પડે.
  • આપ હુઝૂરે ફરમાવ્યું કે, ના… એ દિવસોની સરખામણીમાં તમે આજે જ સારા છો! અર્થ-મતલબ એ છે કે તમે ભલે મુફલીસ છો, પરંતુ ઈમાનની દૌલતથી માલદાર છો; પરંતુ આવનાર દિવસોમાં તમે માલદાર હશો પણ ઈમાનની દૌલતથી મુફલીસ-કંગાળ હશો.

ભાઈઓ! આજે તે જમાનો છે કે ઘણા લોકોને અલ્લાહે એટલી બધી દૌલત આપી છે કે આખી જિંદગી કમાવવા ન જાય અને દીને ઈસ્લામના કામમાં જ લાગી જાય, તો પણ તેમને તંગદસ્તી આવશે નહીં.

  • પરંતુ અફસોસ! તે માલદારોને મૃત્યુ પછીની જિંદગીની પરવા નથી. તેમને તો જાહોજલાલથી રહેવામાં જ દિલચસ્પિ છે. રસ પડે છે.

એક રિવાયત (કથન, વાક્ય)માં કે, હુઝૂરે અનવર સલ. ફરમાવ્યું કે, ખુદાની કસમ! મને તમારા માલદાર હોવાનો ડર નથી. તમે દુનિયામાં એવી રીતે ફસાય જશો જેવી રીતે તમારી આગળવાળા ફસાઈ ગયા હતા. પછી દુનિયા તમને બરબાદ કરી નાખશે, જેવી રીતે તે લોકોને બરબાદ કરી નાખ્યા હતા.

  • મતલબ એ છે કે માલદારી હશે, પરંતુ દીનદારી (ધર્મ પ્રત્યેની શ્રદ્ધા) નહીં હોય.
    બોધ:
  • કયામતની કેટલીક નિશાનીઓ પૈકી એક નિશાની એ પણ છે કે ધર્મ પર દૌલત-માલદારી પ્રભુત્વ જમાવશે.

સાપ્તાહિક સંદેશ:

  • જીવનમાં ઉતારો:
  • ઘરમાં : માયાળુતા * ધંધામાં : પ્રમાણિકતા * સમાજમાં : વિવેકતા * કાર્યમાં : સંપૂર્ણતા * રમતમાં : ખેલદિલી * કમભાગી પ્રત્યે: દયા * પાપ પરત્વે: વિરોધ * સબળ પરત્વે : વિશ્ર્વાસ * પાપી પરત્વે : ક્ષમાશિલતા * ખુદા પ્રત્યે : ભક્તિ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button