દરેક નવા વર્ષે વિચાર- ક્રાંતિ થવી જોઈએ
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
દિવાળી એટલે ઘર આંગણાની સાથે સાથે દિલમાં પણ સદ્વિચાર અને સદ્ભાવનાનો દીવો પ્રગટાવવાનો દિવસ….દિવાળી એટલે આનંદના દીપ પ્રગટાવી,મન અને જીવનમાં રહેલા અજ્ઞાન,ક્રોધ અને ઉદાસીનતાના અંધકારને દૂર કરવાનો દિવસ….
દિવાળી એટલે – જાત ધર્મની સંકુચિત વાડાબંધી છોડી સૌનો સ્વીકાર કરવાનો દિવસ…..દિવાળી એટલે વિવાદ છોડી,સંવાદના માર્ગે આગળ વધવાની શરૂઆત….. આમ દિવાળી એટલે દિવાળી !
દિવાળીમાં ટમટમતા દીવડા ઘરનો અંધકાર તો દૂર કરશે,સાથે સાથે ભીતરનો પણ દીપ પ્રગટાવીને આપણે ભીતરના અંધકારને પણ દૂર કરીએ.
વર્ષ તો બદલાઈ રહ્યું છે,પરંતુ આપણે જૂના વિચારો સાથે નવા વર્ષમાં પ્રવેશીએ છીએ.વર્ષ બદલાશે, પણ આપણા વિચાર નહીં બદલાય તો બધું નકામું છે.વર્ષ બદલાવવાની સાથે સાથે આપણા વિચારો પણ બદલાવવા જોઈએ.આપણી માનસિકતા પણ બદલાવવી જોઈએ.દરેક નવા વર્ષે વિચારક્રાંતિ થવી જોઈએ.
હકીકતમાં નવા વર્ષે નવું કંઈ થતું નથી.એના એ જ વિચાર,એના એ જ વ્યવહાર અને એ જ જીવન.તારીખ બદલાવાથી શું થાય ? વર્ષ બદલાવાથી શું થાય ? માનસિકતા ન બદલાય તો બધું નકામું !
નૂતન આશાને થનગનતી ઉમ્મીદ લઈને દિવાળી પર્વ ઉજવશું.ઘરના આંગણે પ્રગટાવેલા દીપક સૌને અજ્ઞાનતાના અંધકારને ઓગાળવાનો સંદેશ આપેછે.વિક્રમ સંવત ૨૦૮૧ના સૂર્યનાં કિરણો આપણા સૌના અંતરના દ્વારને ખખડાવી રહ્યા છે.વર્ષના પ્રારંભે કેટલાક એવા સંકલ્પો કરવા જોઈએ કે જે આવનારા વર્ષમાં આપણા માટે મદદરૂપ પુરવાર થઈ શકે.નવા વર્ષની નૂતન સવારથી નવા સંકલ્પો પર અમલ કરીને આપણે ભવિષ્યને સુંદર બનાવી શકીએ.
આજની આ દોડતી દુનિયામાં કોઈ વ્યક્તિને અન્ય માટે સમય નથી,ત્યારે તમારા માટે કોઈપણ જાતના સ્વાર્થ વગર જરૂર પડે ત્યારે ઊભા રહે એવા લોકો ઈશ્ર્વરના આશીર્વાદ સમાન હોય છે.તમે ભલે કોઈ વ્યક્તિ સાથે દિવસની ફક્ત દસ મિનિટ વિતાવો પરંતુ તે તમારા વિશે બાકીના ૨૩ કલાક અને ૫૦ મિનિટ વિચારે એવું કંઈક કરો.તમને સંબંધો બનાવતા અને એની માવજત કરતા આવડવું જોઈએ.આ વર્તમાન સમયમાં સંબંધો જ ઉપયોગી થતા હોય છે. ઘણી વખત નાના લાગતા લોકો જ તમને જિંદગીમાં ખરા સમયે કામ આવતા હોય છે.આવા લોકોની ટીમ જ તમને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે.તમારે સંબંધને મજબૂત બનાવવા માટે સામે વાળી વ્યક્તિને સમજીને પૂરો સમય આપવો જ રહ્યો.કોઈ પણ સંબંધ એકતરફી હોય તો તેના ભવિષ્ય પર હંમેશાં પ્રશ્ર્નાર્થ લાગેલો રહે છે.પરસ્પરના સંબંધો માત્ર નાણાકીય વ્યવહાર પૂરતા જ સીમિત નથી હોતા. આ સંબંધો એકબીજાને વિચારોથી પણ મદદ કરી શકે છે.એકબીજાના કામકાજ આટોપીને પણ મદદરૂપ થઈ શકે છે. એકબીજાને મોરલ સપોર્ટ આપીને પણ મદદરૂપ થઈ શકે છે. અર્થાત્ સંબંધોની ઉપયોગિતા વિશે તો લખીએ એટલું ઓછું.ખાસ કરીને ટેકનોલોજીના વિકાસ પછી તો સોશિયલ મીડિયાના માધ્યમે એટલા બધા સંબંધો વિકસાવવાનો અવસર મળ્યો છે કે ન પૂછો વાત.દુનિયાના ખૂણે ખૂણેથી લોકોના સંપર્કમાં આવવું ખૂબ જ સરળ બની ગયું છે.આ માધ્યમના આધારે બંધાતા સંબંધ ઘણી વખત ખૂબ જ મદદરૂપ થતા હોય છે.બંને વચ્ચેના અંતરને લીધે ઘણી વખત એકબીજાને મળવું ખૂબ જ ઓછું બનતું હશે તેમ છતાં એકબીજાને ઉપયોગી થવાનું ખૂબ જ સરળ થઈ ગયું છે.
જોકે, સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડના ફાયદાની સાથે સાથે તેમનાં કેટલાક ડ્રોબેક – ખામીઓ પણ છે. આજકાલ લોકો સોશિયલ મીડિયામાં એટલો બધો સમય વિતાવે છે કે, તેમને પોતાના સાચા મિત્રો અને આસપાસના લોકો વિશે વધુ માહિતી જ હોતી નથી.આભાસી દુનિયાના લોકો તમને થોડા સમય માટે આનંદ આપશે અથવા તો દૂર રહીને જેટલું મદદરૂપ થઇ શકાય એટલા મદદરૂપ થઈ શકે. પણ જિંદગીભરના મજબૂત સંબંધો તો તમારી આસપાસની અસલી દુનિયામાં જ પડેલા છે. તેનો આદર કરો અને તેને તમારો કીમતી સમય આપો.
હા, સોશિયલ મીડિયા પર પણ ક્યારેક ઘણા સારા અને સાચા દોસ્ત મળી રહે છે.એ કદાચ મદદરૂપ પણ નીવડે, પરંતુ એ મેળવવા તમારા વર્ષો જૂના સંબંધોનો ભોગ આપવો યોગ્ય નથી.જિંદગી હંમેશાં સરળ નથી રહેતી. કયારેક તેના અટપટા વળાંકો તમને ખૂબ કપરા મોરચે લાવીને ઊભા કરી દેતા હોય છે.આવા વખતે તમને વર્ષોથી જાણતા કે સમજતા લોકો તરત જ દોડીને આવશે અને તમારી સમસ્યા ઉકેલવામાં જીવ રેડી દેશે.આવા સમયે આભાસી મિત્રો દોડીને આવી શકતા નથી. આભાસી દુનિયાનો અતિરેક ક્યારેક અસલી દુનિયાના મહત્ત્વના સંબંધોનું ગળું ભીંસી નાખતા હોય છે.
આજના આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં સ્નેહના સંબંધોમાં ઓટ આવી છે.એક સમયે તો નવા વર્ષે સૌ વહેલાં વહેલાં ઊઠી અને એકબીજાના ઘરે જઇને ‘રામરામ-જય શ્રી કૃષ્ણ કે નૂતન વર્ષાભિનંદન’ જેવા શબ્દોથી એકબીજાને વધાવતા.આજે આ બધી ભાવના ઘટતી જોવા મળે છે. ક્યાંક ક્યાંક લોકો એકબીજાને કદાચ મળતા હશે તો માત્ર મળવા ખાતર મળે છે, પરંતુ હૃદયના ઊંડાણથી નથી મળતાં. જે ભાવ ઉત્પન્ન થવો જોઈએ તેમાં દુકાળ જોવા મળે છે. આજે સૌ કોઈ ફોન દ્વારા કે ટેકસ મેસેજ અથવા તો રફભય બજ્ઞજ્ઞસ, ૂવફતિં આા જેવા આસાન સાધનોના માધ્યમે અરસપરસ શુભેચ્છા આપીને સંતોષ માનતા થઈ ગયા છે. મતલબ કે જે સો બસો વર્ષ પહેલાનો ભાવ અને વ્યવહાર હતો તે સદંતર નાશ પામ્યો છે. નવા વર્ષે નવા સંકલ્પો તો અનેક લેવામાં આવે છે, પરંતુ તમે જાણો છો કે આ લીધેલા સંકલ્પો થોડા સમયમાં ભૂલી જવાય છે અને આપણું જીવન ઠેરનું ઠેર ચાલવા લાગે છે. જો ખરા અર્થમાં સંકલ્પ લઈને અમલ જ કરવો હોય તો એને યાદ રાખવા માટે જાગૃત રહેવું જરૂરી છે.
માનવીય વર્તણૂકને લગતી વાતો વિશે મનોવૈજ્ઞાનિક ડો. સ્વાઈન બર્ન એવું કહે છે, ‘જો તમે લીધેલા સંકલ્પો પૂરા કરવા ઈચ્છાશક્તિ પર આધાર રાખશો તો મોટે ભાગે નિષ્ફળ રહેશો. તેથી સંકલ્પ પૂર્ણ કરવા માટે મક્કમ બનવું જરૂરી છે….’