પ્રાસંગિક : હવે ઈરાન- ઈઝરાયલનું પ્રાદેશિક યુદ્ધ ટળી જશે ખરું?
-અમૂલ દવે
ઈરાને ૧ ઓકટોબરે ૧૦૦ મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યાર બાદ વેસ્ટ એશિયામાં ભારેલા અગ્નિ જેવી વિસ્ફોટક સ્થિતિ હતી. ઈરાન પર જોરદાર જવાબી હુમલો કરવાની ઈઝરાયલે પ્રતિજ્ઞા લીધી હતી. ઈઝરાયલે ૨૫ દિવસ પછી જે પ્રતિહુમલો કર્યો એને વળતો જવાબ ન કહી શકાય. જો કે, વિશ્ર્વને જેની દહેશત હતી અને જંગ પ્રાદેશિક યુદ્ધ કે ત્રીજું વિશ્ર્વયુદ્ધમાં ફેરવી નાખે એવો ઈઝરાયલે હુમલો કર્યો નથી. જો તેણે ઈરાનના તેલના ભંડારો કે અણુમથક પર હુમલો કર્યો હોત તો આ બે દેશ વચ્ચેનું શેડોવોર રિજનલ વોરમાં ફેરવાઈ જાત.
બીજી તરફ, અમેરિકાએ પણ ઈઝરાયલને કૂણું પાડ્યું હોવાનું લાગે છે. અમેરિકા જાણે છે કે ઈરાન એક મોટી તાકાત છે,જેને રશિયા અને ચીનનો ટેકો છે. રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઈરાન રશિયાને મિસાઈલ, ડ્રોન અને બીજાં હથિયારો મોકલે છે. મિત્રને મદદ કરવાની વાત આવી તો રશિયાએ કોઈ પાછીપાની ન કરી. રશિયાએ વિશ્ર્વની ઉત્તમ એર ડિફેન્સ અને રડાર ઈરાનને આપ્યાં છે. રશિયાને લાંબા રેન્જવાળી વ્યૂહાત્મક એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ જોઈએ છે. ઈરાને આ અગાઉ રશિયાને સુખોઈ-૩૫ વિમાનનો ઓડર્ર ૨૦૨૧માં આપ્યો હતો. હવે એવા અહેવાલો છે કે રશિયાએ તેના સુખોઈ વિમાનનું ઘરઆંગણે ઉત્પાદન કરવાનો ઈરાનને પરવાનો આપ્યો છે.
Also read: વિશેષ: મોડર્ન લાઇફમાં ઇ-ગિફ્ટ્સ અગત્યનો ભાગ બની ગયા
ઈરાન અને ઈઝરાયલના લશ્કરની તુલના કરીએ તો હવાઈ દળ સિવાય ઈરાન બધી રીતે ઈઝરાયલ કરતાં આગળ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ૨૦૦૦ કિલોમીટરનું અંતર છે માટે તેમની વચ્ચે જમીની લડાઈ સંભવ નથી. ઈરાન પાસે ૬,૪૫,૦૦૦ જેટલા સૈનિકો છે. ટચૂકડા દેશ ઈઝરાયલમાં તો દરેક નાગરિક માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવી પડી છે. ઈઝરાયલને સૌથી મોટો એડવાન્ટેજ એર ફોર્સમાં છે.
અમેરિકાની બનાવટના સેંકડો એફ-૧૫, એફ -૧૬ અને એફ-૩૫ ફાઈટર વિમાનો તેની પાસે છે. બીજી બાજુ ઈરાન પાસે રશિયન બનાવટના સુખોઈ-૨૪ જેટ, થોડા મિગ-૨૯ અને અમેરિકન બનાવટના એફ-૭ અને એફ-૧૪ વિમાનો છે. ઈઝરાયલ મજબૂત હવાઈદળની મદદથી જ પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટી હોય તે લેબેનોન હોય કે સિરિયા હોય ત્યાં કાળો કેર વર્તાવે છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે તાજો હુમલો પણ ૧૦૦ જેટલા ફાઈટર વિમાન દ્વારા કર્યો હતો. ઈઝરાયલ સાથે યુદ્ધ કરવું હોય તો ઈરાને સારા ફાઈટર વિમાનો અને એર ડિફેન્સ સિસ્ટમ રશિયા કે ચીન પાસે લેવી પડશે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પાંચ નવેમ્બરે હોવાથી ઈઝરાયલ એ પહેલાં જ હુમલો કરશે એ નિશ્ર્ચિત હતું. આ હુમલાથી ટ્રમ્પ કે કમલાને ફાયદો થયો એ તો સમય જ કહેશે. એક વાર ચૂંટણી પતી ગયા બાદ ઈઝરાયલ અમેરિકા પાસેથી તેનું ધાર્યું નહીં કરાવી શકે. અમેરિકાના નવા પ્રમુખ પર યહૂદી લોબીનું દબાણ ઓછું થઈ જશે.
ઈઝરાયલે તેના તાજા હુમલા અંગે દાવો કર્યો છે કે તેણે તહેરાન, ખુઝેસ્તાન અને ઈલામના લશ્કરી લક્ષ્યોને ચોકસાઈપૂર્વક ભેદ્યા હતા. ઈઝરાયલે એ નથી કહ્યું કે કયા ટાર્ગેટ પર હુમલા કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના હુમલાને ખાળવામાં અમારા બે જવાન શહીદ થયા છે અને અમુક સ્થાને મર્યાદિત નુકસાન થયું છે. જોકે, આ સાથે ઈરાને ધમકી આપી હતી કે ઈરાન કોઈ પણ આક્રમણનો વળતો જવાબ દેવાનો અધિકાર અનામત રાખે છે.
Also read: તસવીરની આરપાર : ગોંડલ રેલવે સ્ટેશન ભગવતસિંહજી બાપુની દુરંદેશીનું પ્રતિબિંબ છે…
ઈઝરાયલે હુમલાની અમેરિકાને જાણકારી આપી હતી. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનને ધમકી આપી છે કે ઈઝરાયલ પર વળતો ઈરાન હુમલો ન કરે. ઈરાન પણ પ્રત્યક્ષ જવાબી હુમલો નહીં કરે. એ તેના પ્રોક્સી જેવા કે હિજબુલ્લા, હમાસ અને હુથી વડે ઈઝરાયલ પર પરોક્ષ હુમલો કરવાનું ચાલુ રાખશે.
ઈરાને ઈઝરાયલના હુમલા સામે ફરિયાદ કરીને સલામતી પરિષદની તાકીદની બેઠક બોલાવાની વિનંતી કરી છે. આ વિનંતીને ચીન અને રશિયાએ ટેકો આપ્યો છે. ઈરાનના વિદેશપ્રધાને સંયુકત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ અને સુરક્ષા પરિષદના વડાને આ વિનંતી કરી છે. ઈઝરાયલ સામેના કોઈ પણ પગલાં કે કાર્યવાહીને અમેરિકા અને તેના યુરોપના
સાથીદારો વીટો વડે અટકાવી દે છે. ઈરાનના વિદેશપ્રધાન કહે છે કે અમે ઈઝરાયલ સાથે યુદ્ધ ઈચ્છતા નથી, પરંતુ અમે ઈઝરાયલને અમારી પાસે રહેલા બધા હથિયારો-ઓજારો વડે જવાબ આપીશું. ઈરાનના સુપ્રીમ નેતા ખામેનીએ કહે છે કે ઈઝરાયલના છેલ્લા હુમલાનો અતિરેક કરવાનો કે ઓછું મહત્ત્વ આપવાનો સવાલ જ નથી. આ બન્ને બાબતો ખરાબ હશે. તેમણે ઈઝરાયલને ચેતવણી આપતાં કહ્યું હતું કે ઈઝરાયલ ઈરાન અંગે ખોટી ગણતરી કરી રહ્યું છે. તેને ઈરાનની તાકાતની ખબર નથી. ગાઝા પટ્ટી અને લેબેનોનમાં યુદ્ધ અટકાવામાં યુએનની વિફળતાની તેમણે ટીકા કરી હતી. તેમણે વોર ક્રાઈમ કરી રહેલા ઈઝરાયલ સામે વૈશ્ર્વિક ગઠબંધન રચવાની વાત કરી હતી. ઈરાનના પ્રમુખ પણ કહે છે કે અમારે ઈઝરાયલ સાથે યુદ્ધ જોઈતું નથી, પરંતુ અમે ઈઝરાયલના આક્રમણનો યોગ્ય જવાબ આપીશુ.
ઈઝરાયલ બેકફૂટ પર છે. દેશના લોકો નેતન્યાહુ સામે નારાજ છે અને આક્રમક બની રહ્યા છે. લેબેનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનનો તેમનો નિર્ણય બેકફાયર થયો છે. ઈઝરાયલ એક ઈંચ પણ આગળ વધી શક્યું નથી. હિઝબુલ્લાના કમાન્ડરોને મારી નાખવાથી આ સંગઠન જરા પણ નબળું બન્યું નથી. હિજબુલ્લા ઈઝરાયલના સૈનિકો અને ટેન્કોનો ખાતમો બોલાવી રહ્યું છે. નેતાન્યાહુ ગાલે તમાચો મારીને તેને રાતો રાખી રહ્યા છે. નેતાન્યાહુના કેબિનેટમાં મતભેદો છે. નેતાન્યાહુને નજીકના ભવિષ્યમાં નાક કપાવીને લેબેનોનમાંથી પીછેહઠ કરવી પડશે. ઈઝરાયલના લોકો સમજી ગયા છે કે નેતાન્યાહુને હમાસે બાનમાં રાખેેલા બંધકોને છોડાવામાં કેઈ રસ નથી. તેમને તો સત્તા પર ચીટકી રહેવા યુદ્ધ લંબાવામાં રસ છે. નેતાન્યાહુનું કાઉન્ટડાઉન ક્યારનું શરૂ થઈ ગયું છે.
Also read: કવર સ્ટોરી : લેબગ્રોન ડાયમંડ: કૃત્રિમ હીરાની ચમકમાં ઝાંખપ કેમ!?
આમ જોઈએ તો ઈરાન-ઈઝરાયલ વચ્ચે પ્રાદેશિક યુદ્ધનો ભય ઓછો થયો છે અને ધરતી માતા તાત પૂરતો નિરાંતનો શ્ર્વાસ લઈ
શકશે.
હિઝબુલ્લાના નવા ચીફ નઈમ કાસિમ
ઈઝરાયલે હિઝબુલ્લાના અનેક કમાન્ડરોને મારી નાખ્યા છે ત્યારે આ સંગઠને તેના નવા વડા તરીકે નઈમ કાસિમની નિમણૂક કરી છે. સપ્ટેમ્બરના અંતમાં બૈરૂતમાં ઈઝરાયલી હુમલામાં નસરલ્લાનું મરણ થયું હતું. આ એ જ નઈમ કાસિમ છે જે ઈઝરાયલના ડરને લીધે ઈરાન ભાગી ગયા છે. નઈમ ઈરાનના વિદેશપ્રધાન જે વિમાન વાપરે છે એમાં બેસીને ઈરાન ભાગી ગયા હતા. નઈમ ૭૧ વર્ષના છે અને પહેલાં ઉપ મહાસચિવ હતા. શૂરા કાઉન્સિલની બેઠકમાં તેમની સર્વાનુમતે નિમણૂક કરાઈ હતી. તેમનો જન્મ દક્ષિણ લેબેનોનના કફર કિલા ગામમાં થયો છે. ઈઝરાયલે આ ગામ પર અનેક વાર હુમલા કર્યા છે. હિઝબુલ્લાએ એક વર્ષથી ઈઝરાયલ સામે યુદ્ધ છેડેલું છે. ઈઝરાયલે હિઝબુલ્લાના સંસ્થાપક સભ્ય ફુઆદ શુકર, તેના પ્રમુખ હસન નસરલ્લા, ટોચના કમાન્ડર અલી કરાકી અને કમાન્ડર નબીલ કૌકને મારી નાખ્યા છે.