Game Changer: C-295 Aircraft દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે, જાણો કઈ રીતે?
આજે વડા પ્રધાન મોદીએ ગુજરાતના વડોદરામાં 2-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ ઉડ્ડયન ક્ષેત્રે આ એક મોટું પગલું છે.
વડા પ્રધાન મોદીએ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝની હાજરીમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL)ના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને એરબસ સ્પેનના સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર માટે ભવિષ્યમાં ગેમ ચેન્જર બની શકે છે.
સી-295 પ્રોજેક્ટ હેઠળ કુલ 56 એરક્રાફ્ટનું ઉત્પાદન થવાનું છે, જેમાંથી 16 એરબસ કંપની દ્વારા સીધા સ્પેનથી મોકલવામાં આવશે અને બાકીના 40 એરક્રાફ્ટનું ઉત્પાદન વડોદરામાં કરવામાં આવશે. ભારતમાં ખાનગી ક્ષેત્રનો આ પહેલો લશ્કરી એરક્રાફ્ટ એસેમ્બલી પ્લાન્ટ છે. ચાલો જાણીએ શું છે C-295 એરક્રાફ્ટની ખાસિયત.
આપણ વાંચો: ભારત મેન્યુફેક્ચરિંગ હબ ક્યારે બની શકશે?
- C 295 એરક્રાફ્ટ 844 મીટરના રનવે પરથી ટેકઓફ કરી શકે છે. આ સિવાય તેને લેન્ડ કરવા માટે માત્ર 420 મીટર લાંબા રનવેની જરૂર પડે છે. તેમાં હવામાં ઇંધણ ભરવાની સુવિધા છે. આ વિમાન 11 કલાક સુધી સતત ઉડી શકે છે.
- આમાં ટૂંકા ટેક-ઓફ અને લેન્ડિંગ ક્ષમતા સાથે નવ ટન સુધીનો સામાન રાખી શકાય છે. આ એરક્રાફ્ટ દ્વારા એક સાથે 71 સૈનિકોનું વહન કરી શકાય છે.
- તેમાં બે એન્જિન છે. એક એન્જિનની મદદથી 13,533 ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. જયારે, બંને એન્જિન સાથે તે 30,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકશે. આ એરક્રાફ્ટ ૪૮૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- આ એરક્રાફ્ટમાં છ હાર્ડપોઈન્ટ છે. આ સિવાય આમાં પાંખોની નીચે 6 જગ્યાએ હથિયાર અને ડિફેન્સ સિસ્ટમ લગાવી શકાય છે. તેમાં ઇનબોર્ડ પાઈલોન્સ છે જેમાં 800 કિલોના હથિયારો લગાવી શકાય છે.
અહીંના કાર્યક્રમમાં આજે પીએમ મોદીએ કહ્યું હતું કે ટાટા-એરબસ સી-૨૯૫ એરક્રાફ્ટ પ્લાન્ટમાં દેશના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા ઓછામાં ઓછા ૧૮,૦૦૦ પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જેનાથી રોજગારની નવી તકો પણ ઊભી થશે.
અહીંના કાર્યક્રમમાં ભારતની ઝડપી પ્રગતિ વિશે વાત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે મારા મિત્ર પેડ્રો સાંચેઝની ભારતની આ પહેલી મુલાકાત છે. આજે અમે C-295 એરક્રાફ્ટ ફેક્ટરી સાથે ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. આ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધોને મજબૂત કરશે અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ મિશનને પ્રોત્સાહન આપશે.