આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાજપે ત્રીજી યાદીમાં જાહેર કરેલા 25 ઉમેદવારોમાં ફડણવીસના પીએ અને બે કોંગ્રેસના આયાતી ઉમેદવાર

મુંબઈ: ભાજપે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી, જેમાં કોંગ્રેસના બે આયાતી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અંગત સહાયકને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે અત્યાર સુધીમાં 146 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.

કોંગ્રેસની ટિકિટ પર 2021માં પેટાચૂંટણી જીતનાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના નજીકના ગણાતા જીતેશ અંતાપુરકરને દેગલુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચવ્હાણ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને જેના કારણે તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ-ચાકુરકરને લાતુર સિટી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તે આ વર્ષે માર્ચમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાં હતાં.

ઘણા વર્ષોથી ફડણવીસના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા સુમિત વાનખેડે અરવી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે.

યોગાનુયોગ ભાજપે ફડણવીસના ભૂતપૂર્વ પીએ અભિમન્યુ પવારને 2019માં ઔસાથી ટિકિટ આપી હતી. તે સમયે તેમનો વિજય થયો હતો. બાદમાં પાર્ટી દ્વારા શ્રીકાંત ભારતીયને એમએલસી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Assembly Election: શરદ પવાર જૂથે ચોથી યાદી જાહેર કરી, હવે 83 ઉમેદવાર મેદાનમાં…

બોરીવલીના ભાજપના વિધાનસભ્ય સુનીલ રાણેને સ્થાને સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે એમએલસી પ્રવીણ દટકેને નાગપુર સેન્ટ્રલ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રણજીત દેશમુખના પુત્ર આશિષ દેશમુખને નાગપુર જિલ્લાના સાવનેરથી ટિકિટ આપવામાં આવી છે.

મુંબઈની વર્સોવા બેઠક પરથી વર્તમાન વિધાનસભ્ય ભારતી લવ્હેકરને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપની ત્રીજી યાદીમાં લવ્હેકર અને અર્ચના પાટીલ-ચાકુરકર સહિત ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. અન્ય બેમાં સ્નેહા દુબે છે, જેઓ પાલઘર જિલ્લાની વસઈ બેઠક પરથી અને સાઈ પ્રકાશ દહાકે વાશિમના કરંજાથી મેદાનમાં છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button