મૅચ શરૂ થયાને માંડ ત્રણ સેકન્ડ થઈ ત્યાં તો ફૂટબોલરને બતાવાયું રેડ કાર્ડ!
સાઓ પોઉલો: અહીં શનિવારે એક ફૂટબૉલ મૅચની શરૂઆતમાં જ ગજબનો ડ્રામા થયો હતો. કૉપા સુદામૅરિકેના નામની સ્પર્ધામાં બ્રાઝિલના એક ફૂટબોલરે હજી તો મૅચમાં રમવાનું શરૂ કર્યું ત્યાં તેણે હરીફ ખેલાડીને કોણી ફટકારી એટલે રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને મૅચની બહાર કરી નાખ્યો હતો.
ક્રુઝેઇરોના રફા સિલ્વાએ મૅચની હજી માંડ શરૂઆત થઈ (કિક-ઑફ થઈ) અને ત્રીજી જ સેકન્ડમાં તેણે બૉલ પર કબજો કરવાના પ્રયાસમાં અટલેટિકો પારાનેન્સ ટીમના પ્લેયર કેઇક રૉચાને ગરદનમાં કોણી મારી દીધી હતી. આ ફાઉલ બદલ રેફરી રૉડ્રિગો પરેરા દ લિમાએ સિલ્વાને રેડ કાર્ડ બતાડી દીધું હતું.
આપણ વાંચો: યુરો ફૂટબૉલમાં ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ વચ્ચે ત્રીજા સ્થાન માટે મૅચ કેમ નહીં?
ફૂટબૉલના ઇતિહાસમાં મૅચનો આરંભ થયો હોય અને શરૂઆતની ક્ષણોમાં જ કોઈ પ્લેયરને રેડ કાર્ડ બતાવાયું હોય એવા બનાવોમાં શનિવારની આ ઘટના જરૂર સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે 2007માં શેફીલ્ડ યુનાઇટેડ ટીમની રીડિંગ ક્લબ સામેની મૅચ શરૂ થઈ ત્યાં તરત જ (ઝીરો સેકન્ડમાં જ) શેફીલ્ડના કીથ ગિલેસ્પીના ખેલાડીએ પહેલી જ ક્ષણમાં હરીફ ટીમના સ્ટીફન હન્ટને કોણી મારી હતી જેને પગલે રેફરીએ રમત રોકીને કીથને રેડ કાર્ડ બતાવી દીધું હતું.
દરમ્યાન, શનિવારની બ્રાઝિલની મૅચમાં ક્રુઝેઇરોની ટીમનો અટલેટિકો પારાનેન્સ સામે 0-3થી પરાજય થયો હતો.