ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું: સી.આર. પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પાંચ લાખ કરતાં વધુની લીડથી જીત મેળવશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે એવું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રજાએ ભાજપના ઉમેદવારોને ૧૫૬ બેઠક પર ભવ્ય જીત આપી હતી. ગત ૨૦૧૪ તેમજ ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપે ૨૬માંથી ૨૬ બેઠકો મેળવી છે. પ્રજાનો વડા પ્રધાન મોદી પરનો વિશ્ર્વાસ આજે પણ અકબંધ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તમામ ૨૬ બેઠક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિજયી બનાવવા પ્રજાએ સંકલ્પ કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે.
પાટીલે વધુમાં કહ્યુ હતું કે, મેં પણ ભાજપનાં તમામ આગેવાનો અને કાર્યકરોને ૨૬ બેઠક પાંચ લાખ મતોની લીડ સાથે જીતવાનું આહવાહન કર્યું છે. હાલ આ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ. લોકો ભાજપ સાથે દિલથી જોડાયેલા છે અને તેમનો વિશ્ર્વાસ આજે પણ વડા પ્રધાન મોદીમાં યથાવત છે. જે રીતે નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયામાં કામ કરી અર્થતંત્રને મજબૂત કર્યું છે અને દેશની ખ્યાતિ વિશ્ર્વમાં ફેલાવવા માટે પગલાં લીધાં છે તેનાથી પ્રજા સંપૂર્ણપણે સંતુષ્ટ છે.
પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, વડા પ્રધાન મોદીનાં શાસનમાં લોકોના વિકાસનાં અનેક કામો થયાં છે. જેના કારણે લોકો ફરીથી તેમને એક ઐતિહાસિક જીત આપવા માટે તૈયાર છે. લોકોના વિશ્ર્વાસ સાથે આ ચૂંટણીમાં આગળ વધીશું. ભાજપ દ્વારા અગાઉ પણ વિધાનસભા ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને તક આપવામાં આવી છે. ગુજરાતમાં પણ વિધાનસભામાં ૧૪ બહેનો અને લોકસભામાં સાત બહેનો છે. જે અંતર્ગત આગામી ચૂંટણીમાં પણ મહિલાઓ અને યુવાનોને તક આપવામાં આવશે.