Assembly Election: MVA અને મહાયુતિ માટે બાકી સીટની ફાળવણી માટે કપરા ચઢાણ, જાણો કેટલી જાહેર કરવાની રહી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થયાને દિવસો થઈ ગયા છે, જેમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટે ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરુ કર્યું છે. રાજ્યના મહાગઠબંધનમાં મહા વિકાસ આઘાડી હોય કે મહાયુતિ દ્વારા મોટા ભાગના ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ હવે બાકી સીટ પર ટિકિટ આપવાની પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)માં કોંગ્રેસે ૮૭ બેઠકો પર, શિવસેનાએ ૮૫ બેઠકો પર અને એનસીપી શરદ પવાર જૂથે ૬૭ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય પક્ષો ૯૦-૯૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે.
તેથી હવે એનસીપીના ખાતામાં વધુ બેઠકો છે અને અન્ય બેઠકો મહાગઠબંધનમાં સામેલ નાની પાર્ટીઓને આપવામાં આવી શકે છે. જો આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો કોંગ્રેસને ત્રણ, શિવસેનાને પાંચ અને એનસીપીને વધુ ૨૩ બેઠકો મળી શકે છે. અન્ય બેઠકો નાની પાર્ટીઓને મળી શકે છે.
આપણ વાંચો: તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!
મહાયુતિની હાલત આનાથી પણ વધુ ખરાબ છે. અહીં ભાજપે ૧૨૧ બેઠકો માટે જયારે શિવસેના શિંદે જૂથે ૪૫ બેઠકો પર અને અજિત પવારની એનસીપીએ ૪૯ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કુલ ૨૧૫ બેઠકો પર મહાયુતિના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ ૭૩ બેઠકો હજી બાકી છે.
હવે ઉમેદવારોની નોમિનેશનની છેલ્લી તારીખ નજીક આવી રહી છે પરંતુ હજુ પણ ઘણી બેઠકો પર મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ગઠબંધનના ઉમેદવારો નક્કી થયા નથી. મહારાષ્ટ્રમાં ઉમેદવારો માટે નોમિનેશનની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર છે અને ૨૭ ઓક્ટોબર સુધી મહાવિકાસ આઘાડીની 49 બેઠક અને મહાયુતિની ૭૩ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે.
રવિવારે સાંજે દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં મહાયુતિના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. રવિવાર સાંજ સુધીમાં મહાયુતિમાં બેઠક વહેંચણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
૨૨મી ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
નોમિનેશનની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર છે. જ્યારે ૩૦મીએ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૪ નવેમ્બર છે. ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. મતદાન ૨૫ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવું આવશ્યક છે.