ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીએ આજે સતત ચોથી નાણાનીતિની સમીક્ષાના અંતે વ્યાજદર યથાવત રાખ્યાના અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલો સુધારો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ધીમી પડતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૨૧ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૮ અને ઉપરમાં ૮૩.૧૮ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા વધીને ૮૩.૨૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે રિઝર્વ બૅન્કની છ સભ્યોની મૉનૅટરી પૉલિસી કમિટીએ નાણાનીતિની સમીક્ષાના અંતે રિપર્ચેઝ રેટ ૬.૫૦ ટકાના સ્તરે જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. તેમ જ ફુગાવાની ચિંતાને અનુલક્ષીને બૉન્ડના વેચાણ મારફતે પ્રવાહિતા તંગ રાખવાના સંકેત આપ્યા હોવાથી આજે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કના નિર્ણયથી રૂપિયાને ટેકો મળ્યો છે પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રૂપિયામાં સુધારો મર્યાદિત રાખી રહી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૨.૮૦થી ૮૩.૭૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૨ ટકા ઘટીને ૧૦૬.૩૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૦૮ ટકા વધીને બેરલદીઠ ૮૪.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૬૪.૦૬ પૉઈન્ટનો અને ૧૦૭.૭૫ પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૬૪.૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.