સુખનો સૂરજ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
વસઈની મ્યુનિસિપલ શાળામાં આજે બારમા ધોરણમાં મેરીટ લિસ્ટમાં આવનાર બે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ હતો. માઘવ અને સૂરજ. ૮૭ ટકા મેળવીને અકાંઉન્ટસીમાં ૧૦૦માર્ક મેળવનાર સૂરજ કાળેનું સન્માન કરતાં પ્રિન્સીપાલે સૂરજને એક મેડલ અને ૭૫૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપતાં કહ્યું- સૂરજ, તેં આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. જો અભ્યાસ છોડી ન દેતો. સર, હું સી.એ.ની એન્ટરસ પરીક્ષા આપીશ. મારે સી.એ થવું છે. સૂરજે કહ્યું. વેરી ગુડ. તને ટ્રસ્ટી સાહેબ મુંબઈની સારી કોલેજમાં એડમિશન અપાવશે. પણ, તારે મહેનત કરીને પાસ થવાનું. તારે ઘરેથી કોઈ આવ્યું છે ?
હા સર, માઝી આઈ આણી બાબા આલે તે કોપર્યાત બસલે આહે.પ્રિન્સીપાલ સાહેબે સૂરજના આઈ-બાબાને સ્ટેજ પાસે બોલાવીને નાનો હાર પહેરાવતાં કહ્યું-તમારા દીકરાને ધંધે ન લગાડતા એને ભણવા દેજો, એની ફીની સગવડ અમે કરી આપીશું. સૂરજ અને તેના આઈ-બાબા કૃતજ્ઞતાપૂર્વક સાહેબ સામું જોઈ રહ્યા. સાહબ, આમી શીખલેલે નાય, ભાજીપાલા વિકાયચા કામ કરતે. બાબાએ હાથ જોડતા અશ્રુભીની આંખે કહ્યું.
| Also Read: પ્રિયંકા આવી રહી છે…
તુમચા, હા મુલગા ખુપ પૂઢે જાણાર, – સાહેબે કહ્યું.
ઉપરની ઘટનાને ચાર વર્ષ થયા. એ દરમ્યાન સૂરજને પાર્લાની કોલેજમાં એડમિશન મળ્યું. સવારે કોલેજ, પછી એક ફાઇનાંન્સ કંપનીમાં નોકરી કરીને રાત્રે નવ વાગે વસઈમાં પોતાના ઘરે આવતો. એનું એક જ લક્ષ્ય મારે ભણવું છે. સી.એ. થવું છે. મારા આઈ-બાબા આમ લારીમાં મુકીને શાકભાજીનો ધંધો કરે છે એ હું જોઈ શકતો નથી. હું અને મારો નાનો ભાઈ કિસન, અને બંને જણા ખૂબ ભણીએ અને એક સરસ ઘર લઈએ તો આઈ-બાબા સુખેથી રહી શકે. નાનો કિસન આઈ.ટી.માં ભણે છે તે પણ પેલા બેન્કવાળા વિજયામેડમને લીધે.
સૂરજને એ દિવસ યાદ આવી ગયો કે મેં જયારે ફસ્ટયર સી.એ.ની પરીક્ષા પાસ કરી ત્યારે બાબા મને , આઈને અને કિસનને એક નાની હોટલમાં જમવા લઈ ગયા હતા. આઈને કહ્યું હતું- બગ, શોભા દેવા ચા આપલ્યા વર કીતી ઉપકાર આહે. આપણ કાય શીકલે નાય પણ હે સૂરજની મોઠી પરીક્ષા પાસ કેલી. મલા ખૂપ આનંદ વાટતે.
અરે, બાળ મલા સાંગ ના તુ કાય શીકતે, હે કૌતુક કાય આહે. આઈએ સહજ ભાવે પૂછયું.
આઈ, દાદાની અકાઉન્ટ લીવાયચી- હિસોબ લીવાયચી મોટી પરીક્ષા પાસ કેલી, આતા દાદાલા મોઠી ઓફિસ મદી નોકરી મીળનાર. આઈ-બાબા, મી પણ દાદા સારખા સ ચાંગલા અભ્યાસ કરણાર.
ત્રણ મહિના પછી અચાનક જ હાર્ટ એટેકનો ભારે હુમલો આવતાં બાબાનો દેહ પડયો.
સૂરજની જાણે શક્તિ જ હણાઈ ગઈ, સૂરજની આઈ, શોભાનું હૈયાફાટ રૂદન શાંત થતું ન હતું. કિસન કયારેક સૂરજને વળગીને રડતો અથવા આઈના ખોળામાં ભરાઈ જતો.
બાબાની ઉત્તરક્રિયા થઈ ગયાના ચોથા દિવસે સૂરજ અને કિસન કોલેજમાં ગયા અને શોભાબાઈએ લારી પર શાક વેચવાનો ધંધો શરૂ કર્યો.
| Also Read: એક સામાન્ય બેંક ગ્રાહક પાસે પણ મજબૂત કાનૂની અધિકાર છે
સોસાયટીમાંથી મનસુખલાલ આવ્યા અને કહેવા લાગ્યા- હવે તું એકલી શા માટે લારીનો ધંધો કરે છે. બે જુવાનજોધ છોકરાઓ છે. પકડાવી દે આ ધંધો. આ કંઈ તારી એકલીથી થાય એવું નથી.
સાહેબ, દોનો લેક પઢતે હૈ. માલાસ કરાવા લાગેલ.
તો કયા, તું સબ જગહ ઘુમેગી-
ત્યાં જ વિજયામેડમ આવ્યા. શોભા, ઈસમેં કોઈ પ્રોબ્લેમ નહિ. તુ પહેલે કરતી થી, વૈસા હી કરના હૈ. જિતના હોતા હૈ ઉતના. જયાદા મત ઘુમો. હમ સબ ભાજી લેને કો યહાં આયેંગે.
ઔર બડે માર્કેટમેં જાને કા તાઈ કાય કરું શોભાએ વિજયા મેડમને પૂછયું.
વો શખારામ ભાઉ જાતે હૈ, ઉસકે સાથ જાના-કલ હી મૈંને બાત કીયા હૈ. શોભા તૂ ગાભરાય ચા નાંહી. મી તુઝા સંગાથી આહે. વિજયામેડમે કહ્યું.
તે માલા આધવટ શોડૂન ગેલે- ભીના અવાજે બોલ્યા પછી સ્વસ્થ થતાં બોલી:- પણ, માઝે લેક સૂરજ આણિ કિસનચે અભ્યાસા ચા સાઠી મલા કામ કરાયલા જ પાહીજે.
શોભાએ શાકભાજીની લારી ચાલુ રાખી. શખારામ સાથે વહેલી સવારે મોટા માર્કેટ જતી, હિસાબ રાખતી.
એક સાંજે માર્કેટથી ઘર તરફ આવતી હતી ત્યાં મનસુખલાલ રસ્તામાં મળી ગયા. શોભાબાઈ તારો સૂરજ તો હાથથી ગયો, પેલી માર્કેટમાં કોઈ છોકરી સાથે બેસીને મજા કરતો હતો. તું અહીં કષ્ટ કાઢે ને એ લહેર કરે. શોભાના મુખ પર ચિંતાના વાદળ ઘેરાઈ ગયા. ઘરી જાઉન વિચારણાર કહેતા એ આગળ જતી રહી.
રાત્રે જમ્યા પછી કિસન અને સૂરજ સાથે હતા ત્યારે શોભાએ કહ્યું- સૂરજ આઈ આટલું કષ્ટ કેમ કરે છે કે તમે સારી રીતે ભણો. પણ, સૂરજ તું રખડવા લાગ્યો છે. આજે માર્કેટમાં શું કરતો હતો?
આઈ, હું જ તને ગુડન્યુઝ કહેવાનો હતો, આપણે માર્કેટમાં બે નાના ગાળાની દુકાન ભાડે લીધી છે. એક દુકાન સાડી અને ઈમિટેશન જવેલરીની અને બાજુના ગાળાની દુકાનમાં મારી અને કિસનની ઓફિસ રાખીશું. હવે તારે લારી લઈને શાક વેચવા ફેરી કરવાની નથી. શખારામ ભાઉનો છોકરો એ ધંધો કરશે અને કમાણીના ૩૦ટકાનો ભાગ આપણને આપશે. આઈ, તારી સાડીની દુકાન તારે ચલાવવાની. તને મદદ કરવા બે સેલ્સગર્લ રાખીશું.
| Also Read: ગામ પોતે પ્રકાશમાન થયું ને રાજ્યને વીજળી વેચે છે
સરસ, બેટા પણ તારું ભણવાનું ખરું ને આઈએ પૂછયું.
આઈ, પરીક્ષા આવતે મહિને થઈ જશે.
અને, માર્કેટમાં પેલી છોકરી કોણ હતી ?
આઈ. તને મનસુખ અંકલે કહ્યું. વિજયા મેડમની બેંકમાં કામ કરે છે. આપણે બેંકમાંથી લોન લેવાના છીએ. એટલે જગ્યા જોવા આવી હતી.
દીકરા,મને લાગ્યું કે તું છોકરી પાછળ પડીશ, તો મોટી પરીક્ષા કેવી રીતે આપીશ.
ના, આઈ તું ચિંતા ન કર. કિસનનું ભણવાનું પણ પૂરું થશે.આપણે બીજી લોન લઈશું પછી ઘર લઈશું. હમણાં ફ્રેન્ડ ભલે હોય પણ નો મેરેજ. સમજી આઈ ફીકર કરું નકો. પોતાના દીકરાની સમજણ જોઈ શોભાને શાંતિ થઈ.
આઠ મહિના પછી વસઈની એ જ શાળામાં પ્રિન્સિપાલ સાહેબે સૂરજનું ફરી એક વાર સન્માન કર્યુ કે વસઈમાં રહેતો એક શાકભાજી વેચતી શોભા તાઈનો છોકરો જાત મહેનતથી સી.એ.ની પરીક્ષામાં મેરીટલીસ્ટમાં પાસ થયો છે. એ આપણી શાળાનું, વસઈ ગામનું ગૌરવ છે. કેટલાક પત્રકારોએ સૂરજ સાથે શોભાબાઈ અને કિસનના ફોટા લીધા. પોતાના દીકરાને છાપાવાળા સાથે અંગ્રેજીમાં બોલતો જોઈ શોભાતાઈ ખુશ થઈ ગયાં.
| Also Read: ફોકસ ઃ રિલ્સ ને વીડિયો બનાવવા માટે પાળેલાં પ્રાણીઓ સાથે વધી રહી છે ક્રૂરતા….
ઘરે આવીને શોભા પતિના ફોટા પાસે હાથ જોડી ઊભી રહી, પછી બંને દીકરાઓને બાથમાં લેતા બોલી- જુઓ, આપણા ઘરમાં સુખનો સૂરજ ઊગ્યો.