દીપ્તિ, રાધા અને ઠાકોર…અમદાવાદમાં આ ત્રણ ક્રિકેટરની કમાલ સામે ન્યૂ ઝીલૅન્ડની ટીમ પરાસ્ત
અમદાવાદ: રવિવાર, 20મી ઑક્ટોબરનો દિવસ ન્યૂ ઝીલૅન્ડનો હતો તો ગુરુવાર, 24મી ઑક્ટોબરનો દિવસ ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતના નામે લખાયો. 20મીએ ન્યૂ ઝીલૅન્ડે પહેલી જ વાર મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો અને એ જ દિવસે મેન્સ ક્રિકેટમાં ન્યૂ ઝીલૅન્ડે ભારતમાં 36 વર્ષ બાદ ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી હતી. જોકે ગુરુવારે મેન્સ ક્રિકેટમાં ભારતીય ટીમે પુણેમાં કિવીઓને 259 રનમાં ઑલઆઉટ કરી દીધું અને આ જ દિવસે અમદાવાદમાં સ્મૃતિ મંધાનાના સુકાનમાં ભારતીય ટીમે ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ વન-ડેમાં 59 રનથી હરાવી દીધી હતી.
દીપ્તિ શર્મા, રાધા યાદવ અને સાઇમા ઠાકોરનું આ વિજયમાં સૌથી મોટું યોગદાન હતું.
ભારતે આપેલા 228 રનના લક્ષ્યાંક સામે ન્યૂ ઝીલૅન્ડની ટીમ 40.4 ઓવરમાં 168 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ એક વિકેટ લેવા ઉપરાંત એક બૅટરને રનઆઉટ કરી હતી. લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવે 35 રનમાં ત્રણ વિકેટ તથા મુંબઈમાં જન્મેલી પેસ બોલર સાઇમા ઝાકિરહુસેન ઠાકોરે 26 રનમાં બે વિકેટ લીધી હતી. મંધાનાએ કુલ બોલરને અજમાવીને કિવી બૅટર્સ પર જોરદાર આક્રમણ કર્યું હતું. અરુંધતી રેડ્ડીએ પણ એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ભારતીય ટીમે 227 રન બનાવ્યા હતા જેમાં તેજલ હસબનીસના 42 રન, દીપ્તિ શર્માના 41 રન વિકેટકીપર યસ્તિકા ભાટિયાના 37 રન, જેમાઇમા રૉડ્રિગ્સના 35 રન અને શેફાલી વર્માના 33 રન સામેલ હતા.
સાઇમા તથા તેજલની આ પહેલી જ વન-ડે હતી. સાઇમાએ મહત્ત્વના સમયે ટીમને મૂલ્યવાન વિકેટો અપાવી હતી.
ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ટીમની કૅપ્ટન સૉફી ડિવાઇન સહિત ઘણી ચૅમ્પિયન ખેલાડીઓ સામેલ હતી. ઍમેલી કેરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
મુખ્ય કૅપ્ટન હરમનપ્રીત કૌર નજીવી ઈજા બદલ આ મૅચમાં નહોતી રમી.