કચ્છી ચોવક ઃ ભાગ્ય પ્રમાણે ભોગવે જ છૂટકો!
એક વિધાતા જ એવી હોય છે કે, જે કોઈને કાંઈ એક સરખું આપતી નથી. એક વ્યક્તિએ તેના લખેલા લેખ મુજબ જ ભોગવવાનું હોય છે, તેવા સંદર્ભમાં જ એક કચ્છી ચોવક પણ પ્રચલિત છે: ‘લાંણ સૈં લપણ’ અહીં જે પ્રથમ શબ્દ ‘લાંણ’ પ્રયોજવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે: લહાણી. બીજો શબ્દ છે ‘સૈં’ એટલે સરખું કે સમાન અને ‘લપણ’નો અર્થ થાય છે: થપ્પડ! શબ્દાર્થ જોવા જઈએ તો તેનો અર્થ એવો થાય છે કે: લહાણીમાં જો બધાને થપ્પડ પણ મળતી હોય તો, સમાન છે અને તેને સન્માનથી સ્વીકારી લેવી જોઈએ. થપ્પડ તો થપ્પડ પણ તેનો માર સહન કરી લેવો જોઈએ! પણ ભાવાર્થ એવો થાય છે કે: ભાગ્ય પ્રમાણે દરેકે ભોગવવું પડતું હોય છે!
કોઈને કોઈ કામ સોંપ્યું હોય અને તેણે બરાબર ન કર્યું હોય તો ગુજરાતીમાં કહેવત છે કે, ‘પગે કમાડ વાસવાં’ં પણ એજ અર્થમાં ચોવકનો પ્રયોગ આ રીતે થાય છે: ‘લાલી લૂગડા, ધૂતેં તેડા ન ધૂતેં’. અહીં ચોવકમાં જે ‘લાલી’ શબ્દ પ્રયોજાયો છે તે પ્રતીકાત્મક છે. ઘણીવાર ઘરમાં દીકરી કે બહેનને પણ વ્હાલથી ‘લાલી’ શબ્દથી બોલાવતા હોઈએ છીએ. હા, એ જ આ લાલી! ‘લૂગડા’ એટલે કપડાં અને ‘ધૂતેં’નો અર્થ થાય છે: ધોયાં. ‘તેડા’ એટલે તેવાં અને ‘ન ધૂતેં’ એ બે શબ્દોના સમૂહનો અર્થ થાય છે: ન ધોયાં. વપરાયેલા શબ્દો મુજબ તેનો અર્થ થાય છે: લાલીએ કપડાં ધોયાં તેવાં ન ધોયાં! મતલબ કે કપડાં ધોવા બરાબર ન ધોયાં! નામ લાલીનું લઈને ચોવક એમ કહેવા માગે છે કે, ‘કોઈને સોંપેલું કાર્ય ન થવા બરાબર થયું! એટલે કે જેવું થવું જોઈએ તેવું ન થયું!’
સોંપેલાં કાર્ય તો તરત જ અને ચીવટપૂર્વક થવાં જોઈએ. તેના માટે પણ ચોવક છે: ‘લાગી ને ધાગી’. અહીં જે ‘ધાગી’ શબ્દ પ્રયોજાયો છે તેનો મૂળ શબ્દ ‘ધાગણ’ છે, જેનો અર્થ થાય છે દાગવું તે! બંદૂકની ગોળી દાગવી કે તોપનો ગોળો દાગવો! ‘લાગી’નો કચ્છીમાં મૂળ શબ્દ ‘લાગ’ હોય તેવું જણાય છે. શબ્દાર્થ એવો થાય કે, કામ તો જેવું સોંપવામાં આવે એટલે બનતી ત્વરાએ તે શરૂ કરી દેવું જોઇએ. જેમ તોપને દાગવાથી ગોળો છૂટે તેવી ઝડપથી! શબ્દાર્થ અને ભાવાર્થમાં ભેદ ન હોવાનું સમજાય છે. તરત કામ શરૂ કરી દેવું એ જ ભાવાર્થ જળવાઈ રહે છે.
આપણે કોઈ કામ કરતાં હોઈએ અને તેમાં કોઈ વિક્ષેપ કરે તો ચોવક કહે છે: ‘લંભ મૈં ટાંઢો’ બહુ નાની અને સુંદર ચોવક છે, મિત્રો! ‘લંભ’ એટલે સૂકું ઘાસ, ‘મેં’ એટલે માં અને ‘ટાંઢો’ એટલે તણખો! મતલબ કે, સૂકા ઘાસમાં આગનો તણખો પડવો! એટલે કે, કામમાં વિક્ષેપ નાખવો.
એક બીજી પણ અર્થ સમજવાની મજા આવે તેવી ચોવક છે: ‘લડ કાં છડ’. ‘લડ’ એટલે અહીંથી જા અને ‘છડ’ એટલે છેડો મૂક! કોઈ બાબતે વિવાદ જ્યારે પરાકાષ્ઠા પર પહોંચ્યો હોય ત્યારે કોઈ ડાહી વ્યક્તિ વિવાદ વધારનારને એવી સલાહ આપે છે કે, કાં તો તું દલીલો છોડ અને કાં તો તું હવે અહીંથી ‘લડ’ એટલે કે જા… કારણ કે નિર્ણય પર આવવું જરૂરી છે… બસ ચોવક એજ વાત કહેવા માગે છે: નિર્ણય પર આવવું!
એક ચોવક છે: ‘લગો ત તીર નિકાં તુકો’ ગુજરાતીમાં પણ આપણે કહેતા હોઈએ છીએં કે, ‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’, ‘લગો’ એટલે લાગ્યું (નિશાન પર) ‘ત’ એટલે તો, ‘નિકાં’ એટલે નહીંતર કે નહીં તો… મતલબ કે, કોઈ પ્રાપ્તિ માટે કે સફળતા મેળવવા માટે કેવા પ્રયાસો કરવા તેની સમજ ન પડતી હોય ત્યારે ‘અંધારામાં તીર છોડવા’ જેવા પ્રયાસ કરવા તરફનો નિર્દેશ ચોવક કરે છે.