ઈન્ટરવલ

કવર સ્ટોરી : લેબગ્રોન ડાયમંડ: કૃત્રિમ હીરાની ચમકમાં ઝાંખપ કેમ!?

-નિલેશ વાઘેલા

લગ્નસરાની મોસમ નજીક આવી રહી છે અને સોનાના ભાવ નવા નવા શિખરો સર કરી રહ્યાં છે ત્યારે ડાયમંડ માર્કેટમાં પણ કરંટ આવ્યો છે. અલબત્ત શેરબજાર અને બુલિયન બજારની જેમ ડાયમંડ બજારમાં ઝડપી વધઘટ જોવા નથી મળતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આજે લેબગ્રોન (એલજીડી) સામેના પડકારોની વાત કરીએ. આ સેગમેન્ટની તકો અને સંભાવનાઓ વિશે આગામી લેખમાં વાત કરીશું.

| Also Read: ફોકસ ઃ રિલ્સ ને વીડિયો બનાવવા માટે પાળેલાં પ્રાણીઓ સાથે વધી રહી છે ક્રૂરતા….

વાત એમ છે કે હાલમાં આ સેગમેન્ટનું ગુલાબી ચિત્ર ઊપસી રહ્યું છે પરંતુ હજુ મહિના અગાઉ સુધી કૃત્રિમ હીરાની
ચમક ઝાંખી પડી રહી હોવાના અહેવાલો હતા. ઉદ્યોગ અગ્રણીઓના મતે ભાવમાં ઘટાડો, ગ્રાહકોના વિશ્ર્વાસમાં ઘટાડો, લેબગ્રોન ડાયમન્ડ ઉદ્યોગ માટે આયાત મુખ્ય પડકારો છે.

આ બધામાં આયાત સાથેની સ્પર્ધા એ સ્થાનિક લેબગ્રોન ડાયમન્ડ ઉદ્યોગ સામેનો મુખ્ય પડકાર છે. થિંક ટેન્ક જીટીઆરઆઈના અહેવાલ અનુસાર ભારત એક તરફ એલજીડીને મામલે વધુ પડતા ઉત્પાદનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ એલજીડીની મોટા પ્રમાણમાં આયાત ચાલુ રહેવાથી માહોલ વધુ બગડ્યો છે.

ઉદ્યોગના અગ્રણીઓ એવા સૂચનો કરી રહ્યાં છે કે, આ પડકારોનો સામનો કરવા માટે સરકારે ગુણવત્તા, પ્રમાણપત્ર અને બજારની વિધિ-પ્રક્રિયા માટે એક નિયત ધારાધોરણ સ્થાપિત કરવા માટે સ્પષ્ટ અને સુસંગત નિયમો સેટ કરવા જેવા ચોક્કસ પગલાં લેવાની જરૂર છે.

એ જ સાથે એવી અપીલ પણ કરી રહ્યાં છે કે, સરકારે આયાતની ગુણવત્તા ચકાસવા માટે ગુણવત્તા નિયંત્રણ આદેશ જારી કરવો જોઇએ અને આ ક્ષેત્રે ઝંપલાવનાર કંપનીઓએ ઉત્પાદન પ્રક્રિયાઓને સુધારવા, ખર્ચ ઘટાડવા અને ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને વિકાસમાં રોકાણ કરવું જોઇએ.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)એ જણાવ્યું હતું કે ભારતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એક મોટા પડકારનો સામનો કરી રહી છે, જેમાં સ્થાનિક ઓવરપ્રોડક્શન અને વિદેશથી વધુ પડતા સપ્લાયને કારણે પાછલા વર્ષના રૂ. ૬૦,૦૦૦ પ્રતિ કેરેટ સામે ૬૫ ટકાના તોતિંગ કડાકા સાથે રૂ. ૨૦,૦૦૦ સુધી નીચી સપાટીએ પહોંચી ગયા હતા.

આ તીવ્ર ઘટાડો વધુ પડતા ઉત્પાદન, આયાતના અતિરેક અને નિયમનના અભાવ જેવી સમસ્યાઓ તરફ અંગુલીનિર્દેશ કરે છે, જે ક્ધઝ્યુમર કોન્ફિડેન્સને નુકસાન પહોંચાડે છે. આ ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા ઉદ્યોગને પાટા પર લાવવા માટે તાત્કાલિક સુધારાત્મક પગલાંની જરૂર છે.

દરમિયાન, કુદરતી હીરાની કિંમત કેરેટ દીઠ આશરે રૂ. ૩.૫ લાખ છે અને આ ભાવમાં ઘટાડો ઉત્પાદકો માટે લેબગ્રોન ડાયમંડ બનાવવાનાં મશીનો ખરીદવા માટે લીધેલી લોનની ચુકવણી કરવી મુશ્કેલ બનાવે છે, જેનાથી તેઓ નાણાકીય તાણ હેઠળ આવી રહ્યાં હોવાના અહેવાલો છે.

નોંધવું રહ્યું કે, પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા, લેબગ્રોન હીરા, જેમ કે નામ સૂચવે છે, તે પ્રાકૃતિક ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાનની કૃત્રિમ સ્થિતિનું સર્જન કરીને પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવે છે, જેમાં પૃથ્વીના આવરણમાં હીરાની રચના થાય છે. આ હીરા રાસાયણિક, ભૌતિક અને ઓપ્ટિકલી કુદરતી હીરા જેવા જ હોય છે.

કુદરતી હીરા વિવિધ આકારોમાં આવે છે, જ્યારે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા હીરા સામાન્ય રીતે ચોરસ અથવા લંબચોરસ હોય છે. લેબગ્રોન ડાયમંડ્સ રફ સ્વરૂપમાં બનાવવામાં આવે છે અને કુદરતી હીરાની જેમ જ તેને કાપી અને પોલિશ કરવાની જરૂર પડે છે.

લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ભાવમાં ઘટાડો, સ્થાનિક અને આયાત બંને તરફથી તીવ્ર સ્પર્ધા અને સ્પષ્ટ નિયમનકારી માળખાના અભાવ સહિત અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ મુદ્દાઓ ભારતના લેબગ્રોન હીરા ક્ષેત્રની સતત વૃદ્ધિ અને નફાકારકતા માટે સંભવિત જોખમો ઊભાં કરે છે.

એક માહિતી અનુસાર ભારતમાં પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવતા હીરાનું ઉત્પાદન કરનારા એકમોની સંખ્યા વધીને ૧૦,૦૦૦ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે માગ કરતા પુરવઠો વધુ પડતો થઇ ગયો છે, જે સખત સ્પર્ધા ઊભી
કરે છે.

આ પરિસ્થિતિમાં નેટરલ ડાયમંડને નામે લેબગ્રોન ડાયમંડ પધરાવવાની પ્રવૃત્તિ વધી જાય તો પણ નવાઇ નહીં. આનું કારણ એ છે કે, નરી આંખે આ કૃત્રિમ હીરા પરખાઇ શકાતાં નથી. એકમાત્ર, આશરે રૂ. ૧૫ લાખની કિંમતનું મોંઘુંદાટ મશીન જ તેને પારખી છે.

આ અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે, જ્યાં લોકોને આશંકા થાય છે કે ક્યાંક તેમણે ખરીદેલા હીરાનો હાર પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા હીરાનો બનેલો તો નથી? અલબત્ત વ્યક્તિગત સર્ટિફિકેશન જેવી બાબતો હોય છે, પરંતુ એક કાયદેસર માળખું પણ હોવું આવશ્યક છે.

ઉદ્યોગમાં આવી પ્રથાઓને તપાસવા માટે સ્પષ્ટ નિયમોનો અભાવ છે, જેના કારણે ગુણવત્તાની ખાતરી કરવી મુશ્કેલ બને છે. યોગ્ય સર્ટિફિકેશનનો અભાવ અને ઓછા ભરોસાથી બજારની કામગીરી ઉદ્યોગની વૃદ્ધિને ધીમી કરી શકે છે.

ભારતમાં લેબગ્રોન હીરાની ૯૮ ટકા આયાત હોંગકોંગ અને યુએઈમાંથી થાય છે. છેલ્લા તાજા ડેટા અનુસાર આયાતી રફ હીરામાંથી લગભગ ૨૦ ટકા નિકાસ માટે કાપીને પોલિશ્ડ કરવામાં આવતા હતા, જ્યારે બાકીનો સ્થાનિક બજારમાં ઉપયોગ થતો હતો.

| Also Read: સર્જકના સથવારે ઃ ગઝલકાર ‘નસીમ’: જલાવી નિત્ય બેઠો તો ગઝલની ધૂપદાનીને..

ગ્રાહક બાબતોના મંત્રાલયે જ્વેલરીમાં લેબગ્રોન હીરાને સ્પષ્ટપણે લેબલ કરવા અને પ્રમાણિત કરવા માટે માર્ગદર્શિકા બનાવવી જોઈએ અને વેચાણના ઈન્વોઈસમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે તેઓ જે જ્વેલરી વેચે છે તેમાં લેબગ્રોન હીરાનો સમાવેશ થાય છે કે નહીં.

પ્રયોગશાળામાં તૈયાર કરવામાં
આવેલા હીરાના મુખ્ય ઉત્પાદકોમાં ચીન, યુએસએ અને ભારતનો સમાવેશ થાય છે. વૈશ્ર્વિક સ્તરે, ખાસ કરીને યુએસએ, યુરોપ અને એશિયામાં, પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા હીરાનું બજાર વિસ્તરી રહ્યું છે.

નિષ્ણાતો માને છે કે, ભારતીય પ્રયોગશાળા દ્વારા તૈયાર કરવામાં આવેલા હીરા, આંતરરાષ્ટ્રીય બજારમાં ટોચનું સ્થાન મેળવી શકે છે અને ભારત એલજીડીનું હબ બનવાની સંભાવના સાથે નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે. જો કે, હાલ તો ઉત્પાદનના અતિરેક, આયાતમાં ઘટાડો, ભાવની અસ્થિરતા, નાણાકીય તાણ અને નિયમનકારી અસ્પષ્ટતાના પડકારોની સમસ્યા ઉકેલવી ઉદ્યોગ માટે નિર્ણાયક છે.

| Also Read: ટૅક વ્યૂહ : ખાદ્ય ઉત્પાદનમાં ક્રાંતિ લાવી રહી છે આવી ટૅક્નોલૉજી…

લોકો પ્રાકૃતિક હીરાને બદલે પ્રયોગશાળામાં બનાવેલા હીરાની ખરીદી કરવા લાગ્યા છે, કારણ કે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલા હીરા ચમકમાં અને દેખાવે કુદરતી હીરા જેવા જ દેખાય છે, ઉપરાંત તે કિંમતમાં ઘણાં સસ્તા પણ હોય છે, ઘણી વખત તો તેની કિંમત કુદરતી હીરા સામે દસગણી ઓછી હોય છે. આ નોંધપાત્ર કિંમત તફાવત લેબગ્રોન હીરાને ગ્રાહકો માટે વધુ પોસાય તેવો વિકલ્પ પૂરો પાડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button