ઈન્ટરવલ

મગજ મંથન : માત્ર વસ્તુઓ નહીં, મોહ ને અહંકારનો પણ ત્યાગ જરૂરી..

-વિઠ્ઠલ વઘાસિયા

‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય જી,
વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂરજી…- સ્વામી નિષ્કુળાનંદજી

ત્યાગ શબ્દનો અર્થ છે પોતાની ઈચ્છાઓ, સુખ – સગવડ, સંપત્તિ અથવા તમામ પ્રકારના સ્વાર્થનો ત્યાગ કરીને અન્ય માટે ઉપયોગી થવું. ત્યાગની ક્રિયાને અને ભાવને અનેક સંદર્ભમાં અને પરિસ્થિતિઓમાં સમજવામાં આવે છે. તેમાંથી કેટલાક આ રીતે સમજાવી શકાય છે:

| Also Read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

માનસિક ત્યાગ
આનો અર્થ વ્યક્તિ પોતાના અહંકાર,ગુસ્સા, આકાંક્ષાઓ અને મોહનો ત્યાગ કરે છે. તે પોતાની ભીતરની શાંતિ અને સંસ્કાર માટે આની જરૂરિયાત સમજે છે. ધ્યાન અને આત્મવિશ્ર્લેષણના માધ્યમથી મનુષ્ય પોતાના માનસિક અવરોધોને ત્યાગીને આધ્યાત્મિક મૂલ્યને વધારી શકે છે.

ભૌતિક ત્યાગ
આ એવો ત્યાગ છે જેમાં વ્યક્તિ પોતાની સંપત્તિ, સુખ – સગવડ અથવા અનુકૂળતા પણ છોડી દે છે. આમાં દાન – સેવા અથવા અન્ય લોકોની મદદ માટે પોતાની વ્યવહારિક વસ્તુઓનો ત્યાગ સામેલ થાય છે.

સામાજિક ત્યાગ
જ્યારે કોઈ વ્યક્તિ સમાજના હિત માટે પોતાનું જીવન સમર્પિત કરે છે ત્યારે તે સામાજિક ત્યાગ છે. એ કોઈ રાષ્ટ્રસેવા, લોકસેવા અથવા સમાજના કોઈ અભાવગ્રસ્ત વર્ગ માટે કાર્ય કરતા હોય છે.એવું મનાય છે કે આ પ્રકારના ત્યાગમાં વ્યક્તિ સામાજિક જવાબદારીઓ માટે પોતાની જાતને સમાજ માટે અર્પણ કરે છે.

ધાર્મિક – આધ્યાત્મિક ત્યાગ
ઘણા ધર્મમાં ત્યાગનું મહત્ત્વ છે. જ્યાં એક ઊંચા હેતુ માટે પોતાનું સુખ અને લાલસા છોડી દેવાની વાત થાય છે. હિન્દુ ધર્મમાં ત્યાગનો માર્ગ સંન્યાસ તરીકે ઓળખાય છે. જેમાં વ્યક્તિ દુન્યવી મોહ – માયાનો ત્યાગ કરીને આધ્યાત્મિક મુક્તિ (મોક્ષ) માટે પ્રયત્ન કરે છે. બૌદ્ધ ધર્મમાં ત્યાગ અને નિર્વાણના માર્ગને બહુ મૂલ્ય માનવામાં આવે છે.

| Also Read:

આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ

ત્યાગનો આધ્યાત્મિક મંત્ર
ત્યાગ એટલો સરળ નથી. તેના માટે અનુકૂળ અભ્યાસ અને આધ્યાત્મિક સમજણની જરૂર પડે છે. માત્ર વસ્તુઓનો ત્યાગ નથી, પરંતુ તે મનના મોહ અને અહંકારનો ત્યાગ છે. ધર્મગ્રંથો અને મહાપુરુષો કહે છે કે, ત્યાગથી શાંતિ મળે છે અને ઊંચી વિચારધારા તેમજ સમજણ પ્રાપ્ત થાય છે.

ત્યાગના ફાયદા
મોહ અને લાલસાના ત્યાગથી વ્યક્તિ અંતરમાં શાંતિ અને સંતોષ અનુભવે છે. વ્યક્તિ સ્વાર્થ મુક્ત બને છે અને ઊંચા લક્ષ્ય તરફ પોતાની જાતને દોરી જાય છે. ત્યાગની ભાવનાથી સમાજમાં સમાનતા અને સહકાર વધે છે.વ્યક્તિગત વિકાસ માટે અને સમાજમાં સારું કાર્ય કરવા માટે ત્યાગ મહત્ત્વપૂર્ણ છે.

‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય જી,
વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂરજી….’
સ્વામી નિષ્કુળાનંદજીના આ પદમાં ત્યાગ બાબતમાં ખૂબ ગહન વાત કરવામાં આવી છે.

આ પંક્તિમાં જીવાતા જીવનનો સારાંશ છે. આપણને છોડતા વાર નથી લાગતી, પરંતુ જે છોડ્યું છે એનો પણ મદ હોય છે. વૈરાગ એટલે માત્ર કપડાં બદલવાથી સાધુ થઈ જવાથી મળે છે,એ નહીં. તમે સંસારનાં વસ્ત્રમાં હોવ છતાંય તમારા માટે સંસારનો હ્રાસ થતો જાય. ધીરે ધીરે તમે જે છોડ્યું છે,એ અનાયાસે છૂટી ગયું છે એનો આનંદ ઉજવાય ત્યારે સાચો વૈરાગ ગણાય. વૈરાગ્યનો વેશ લઈએ તો પછી દ્વેષ દૂર થઈ જવો જોઈએ. આપણી તકલીફ એ છે કે ઉપરનો વેશ ઓછો થાય છે,પરંતુ અંદરનો ગણવેશ સંસારીનો જ રહે છે. જ્યાં સુધી કામ,ક્રોધ લોભ,મોહનું મૂળ નહીં જાય ત્યાં સુધી ભોગ ઉપર વિજય નહીં મેળવાય. જેમ દૂધ બગડે અને પછી બીજી અલગ વાનગીઓ બને એમ જે જોગ – ભોગથી ભ્રષ્ટ થયો એ પણ આત્માથી અશુદ્ધ થયો. પળમાં જોગીને પળમાં ભોગી,પળમાં ગૃહસ્થ અને પળમાં ત્યાગી – એ તો વણસમજ્યા વૈરાગીનાં લક્ષણો છે.આપણું મન ડામચિયા જેવું છે.આપણે મનના ડામચિયામાં નકામી બાબતોનો સંગ્રહ કર્યા જ કરીએ છીએ અને ડામચિયા ખાલી કરવાની જગ્યાએ ડામચિયાઓ વધાર્યે જઈએ છીએ.

બાબા ફરીદ નામે એક સૂફી સંત થઈ ગયા.એ રહસ્યવાદી શાયર હતા. ફરીદ પોતાના શિષ્ય સાથે એક નગરના પાદરમાંથી પસાર થઈ રહ્યા હતા અને એક માણસ ગાયના ગળામાં દોરડું બાંધીને તેને ઢસડી રહ્યો હતો. ગુલામી કોને ગમે ? ફરીદે તે માણસને રોક્યો અને પોતાના શિષ્યોને પાસે બોલાવી પ્રશ્ર્ન પૂછ્યો, ‘આ માણસે ગાયને બાંધી છે કે ગાયે તેને બાંધી રાખ્યો છે ?’ ગાય લઈ જતા માણસને પણ પ્રશ્ર્નમાં રસ પડ્યો. એને પણ જવાબ જાણવાની ઈચ્છા થતા ધ્યાનથી સાંભળવા ઊભો રહ્યો, કેમકે એની દૃષ્ટિએ આ પ્રશ્ર્ન અજીબ હતો અને પ્રશ્ર્ન કરનાર વળી ફરીદ જેવો મહા જ્ઞાની હતો.

શિષ્યએ કહ્યું, ‘દીવા જેવી વાત છે કે, માણસે દોરડાં વડે ગાય બાંધી છે, કેમ કે દોરડું તેના હાથમાં છે.’

ફરીદે બીજો પ્રશ્ર્ન પૂછયો, ‘જો આપણે આ દોરડાંને વચ્ચેથી કાપી નાખીએ તો આ માણસ ગાયની પાછળ દોડશે કે ગાય માણસની પાછળ ભાગશે ?’

શિષ્યો હવે મૂંઝાયા, કેમકે જો દોરડું કાપી નાખવામાં આવે તો એક વાત નક્કી છે કે ગાય ભાગી જશે અને માણસ ગાયની પાછળ ભાગશે, કેમકે ગાય તો કોઈ પણ સંજોગોમાં માણસની પાછળ જશે નહીં.

| Also Read: તંદુરસ્તી-મનદુરસ્તી ઃ પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ…

ફરીદે પ્રશ્ર્નોનો જવાબ જાતે જઆપતા કહ્યું, ‘બહારથી જોઈ શકાય છે કે દોરડું બંધાયેલું છે ગાયના ગળામાં, પરંતુ સૂક્ષ્મ રીતે સમજો તો દોરડું વાસ્તવમાં માણસના ગળામાં બંધાયેલું છે.જેના આપણે માલિક છીએ બાદમાં એ જ વસ્તુ આપણી માલિક બની જાય છે. તમે ધનના કારણે ધનિક નથી બનતા,ધનના કારણે ધન તમારું માલિક બની જાય છે અને તમે ગુલામ.યાદ રહે ધનના કારણે આજ દિન સુધી કોઈ વિરલો ધનિક બની શક્યો નથી.ધનના કારણે તો લોકો ગુલામ બની જાય છે.એમની આખી જિંદગી ધનને એકઠું કરવામાં અને તિજોરીનું રક્ષણ કરવામાં પસાર થઈ જાય છે, જાણે કે એમણે એ જ હેતુ માટે જન્મ લીધો હોય ! તિજોરીમાં ધનના ઢગલાં કરીને છેવટે સ્વધામ પહોંચી જશે અને તિજોરી અહીં જ પડી રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button