ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ટોઈલેટ: એક ટાઈમ કથા
સ્વિટ્ઝરલેન્ડ પ્રાકૃતિક સૌંદર્ય, ચોકલેટ્સ ઉપરાંત વોલ ક્લોક અને રીસ્ટ વોચ માટે પણ પ્રખ્યાત છે. ‘ટાઈમ ઈઝ મની’ એવી વ્યાખ્યા પણ આ દેશ માટે કરવામાં આવે છે. જોકે, એની ગંભીરતાનો ખ્યાલ તાજેતરના અદાલતના આદેશથી આવ્યો છે. સ્વિત્ઝર્લેન્ડની એક જાણીતી વોચ કંપની ‘ટોયલેટ બ્રેક માટે કર્મચારી જે સમય લે એ માટે કંપની કર્મચારીઓને વેતન ચૂકવવા જવાબદાર નથી’ એવું કોર્ટે જણાવ્યું છે.

| Also Read: સપનાં પૂરાં થતાં નથી ને નવાં ફૂટતાં જાય છે…

મતલબ કે રોજના છ કલાકની નોકરી માટે જે પગાર નક્કી થયો હોય એમાં જો ૧૦-૧૫ મિનિટનો સમય ટોયલેટમાં ગયો હોય તો એટલા સમયનો પગાર કંપની કાપી શકે છે. કર્મચારીઓને ટોયલેટના બ્રેકનો ગેર ઉપયોગ કરતા અટકાવવા આવો વિચિત્ર નિયમ અમલમાં આવ્યો હશે. જોકે, શ્રમ કાનૂનમાં છીંડાં હોવાનું જણાવી અદાલતે સ્પષ્ટતા કરી છે કે ટોયલેટ જવું એ શારીરિક જરૂરિયાત હોવા છતાં સ્વિસ કાયદા એને કર્મચારીનો હક નથી ગણતા. અગાઉ કેટલીક વોચ કંપનીઓએ આ નિયમ રદ કર્યો હતો અને કોર્ટે આ વિચિત્ર કાયદામાં ફેરફાર કરવા અન્ય કંપનીઓને જણાવી રહી છે. લઘુશંકા પર શંકા કરવાની આ પ્રથા વિચિત્ર જ નહીં, અમાનવીય પણ છે.

પરીક્ષામાં દિમાગ ન દોડ્યું તો ઘોડો દોડાવ્યો
ઈતિહાસનો વિષય અનેક વિદ્યાર્થીઓને બોરિંગ લાગતો હોય છે અને એમાંય સમાજ શાસ્ત્ર (ઈતિહાસ – ભૂગોળ – નાગરિક શાસ્ત્ર)ની પરીક્ષા બહુ આકરી લાગતી હોય છે. જોકે, સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આન્સર પેપરમાં વિદ્યાર્થીનો જવાબ જોયા પછી એને ઈતિહાસ નહીં, ઉપહાસ ગણવો જોઈએ એવી તમારી માન્યતા બંધાઈ જાય તો તમે સાચા છો. ઈ.સ. પૂર્વે ૩૨૬માં સિકંદર અને પોરસ વચ્ચે લડાઈ અંગે સંગમ યુનિવર્સિટીના બી.એ.ના સેક્ધડ યરના ઈતિહાસના પેપરમાં ‘ઝેલમ યુદ્ધનું વર્ણન ૩૦૦ શબ્દોમાં કરો’ સવાલ પૂછવામાં આવ્યો હતો. એક વિદ્યાર્થીએ જવાબ લખ્યો કે પ્રાચીન ભારતમાં ઝેલમના મહત્ત્વપૂર્ણ યુદ્ધમાં સિકંદરે પોરસ પાછળ ઘોડા દોડાવ્યા હતા તબડક, તબડક, તબડક તબડક… જેના જવાબમાં પોરસે સિકંદર સામે તીર ચલાવ્યા ધાય, ધાય ધાય ધાય ધાય… પછી આગળ વિદ્યાર્થીએ લખ્યું છે કે ‘સોરી, માફ કરજો… સાય – સાય, સાય – સાય… હારીને જીતી જનાર જ સિકંદર કહેવાય છે.’

આ પેપર ચેક કરતી વખતે હસી હસીને ટીચર બેવડ વળી ગયા હશે કે ગુસ્સાથી માથું ફાટ ફાટ થયું હશે એ ખબર નથી, પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ જોઈ લોકોને એવી ગમ્મત થઈ છે કે આ માણસ ભવિષ્યમાં રાજકીય નેતા બનશે અને આ માણસ જીવનમાં બહુ આગળ વધશે એ પ્રકારની પ્રતિક્રિયા આવી છે. પરીક્ષા વખતે દિમાગ ન દોડે તો ઘોડો દોડાવી શકાય, હેં ને!

રજાનો દિવસ ભર્યો તો તિજોરી ભરાઈ ગઈ
‘વીક ઓફ’ તરીકે ઓળખાતી સાપ્તાહિક છુટ્ટીને દિવસે કામ પર બોલાવવામાં આવે તો અનેક ચહેરા પર ગુસ્સો કે ગ્લાનિ નજરે પડે છે. જોકે, યુએસએના મિઝૂરી સ્ટેટના રહેવાસીને વીક ઓફના દિવસે ડયૂટી પર હાજર રહેવા કહેણ આવ્યું ત્યારે નીકળતી વખતે એનું મોઢું કટાણું થયું, પણ જોબ પર પહોંચ્યો ત્યારે સાતમા આસમાનમાં વિહરવા લાગ્યો અને રજાનો દિવસ ભરવાનું કહેવા માટે ઉપરીનો મનોમન આભાર માનવા લાગ્યો.

| Also Read: ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ

બન્યું એવું કે ભાઈ સાહેબ કાર લઈ ઊપડ્યા ઓફિસ પહોંચવા, પણ રસ્તામાં પેટ્રોલ
પુરાવા થોભવું પડ્યું અને ત્યારે ગમ્મત
ખાતર લોટરીની ટિકિટ ખરીદી. દિવસ આથમતા લોટરી ટિકિટ સ્ક્રેચ કરતા ખબર પડી કે
એક મિલિયન ડૉલરનું ઈનામ લાગ્યું છે. બે ઘડી તો વિશ્ર્વાસ ન બેઠો પણ દિવસ ભરાઈ
ગયા પછી સીધો પહોંચ્યો લોટરી ઓફિસે
અને ઈનામ ખરેખર લાગ્યું છે એની ખાતરી કરી. ટૂંકમાં નસીબ આડેનું પાંદડું ખસી જાય એ
માટે રજાના દિવસે પણ ઉદ્યમ કરવો જોઈએ,
હેં હેં હેં….

ભગવાન સંભાળજો, મારા બાપુથી!
સ્વજન ગુમાવી દેવાથી થતી વ્યથાનું વર્ણન કરવા શબ્દોનો પનો ટૂંકો પડે, પણ ૭૪ વર્ષના અમેરિકન નાગરિક રોબર્ટ બોહેમના અવસાન પછી એમના પુત્ર ચાર્લ્સે જ શ્રદ્ધાંજલિ આપી છે એ વાંચી પૃથ્વી પરના લોકોને તો હસવું આવ્યું છે પણ ‘ગોડ કદાચ ગભરાઈ ગયા’ હોય તો નવાઈ નહીં. ચાર્લ્સના શબ્દો છે : ‘પિતાશ્રીનો જન્મ ૧૯૫૦માં થયો, પણ પછી ભગવાને એમના જેવા માનવી બનાવવાનું કદાચ માંડી વાળ્યું હશે. વિયેતનામ વોરમાં સૈનિક તરીકે સામેલ ન થવું પડે એ માટે મિલિટરીમાં ટ્રક ડ્રાઈવરની નોકરી કરતા મારા પિતાશ્રીએ ૧૯૬૭ – ૧૯૭૨ દરમિયાન મારા ત્રણ મોટા ભાઈને જન્મ આપ્યો. ત્યારબાદ ગ્રેનાડા વોરમાં જવું પડશે એવી શંકા ડેડીને હતી અને એટલે ૧૯૮૩માં મને એટલે કે ચાર્લ્સને પેદા કર્યો.’ સરહદે જવાથી બચવા પત્નીને સગર્ભા બનાવનારા પિતાશ્રીના અળવીતરા સ્વભાવના બીજા કિસ્સા ટાંકી ચાર્લ્સે આગળ લખ્યું છે કે અડધી રાત્રે પોતાના પાળેલા શ્ર્વાનને ભસવા ઉશ્કેરી પાડોશીઓને થતા ત્રાસનો આનંદ લેતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ભગવાને કૃપા કરી અને મારાં માતુશ્રીનું અવસાન થયું. મમ્મી હવે સાંસારિક જીવનના ઘોંઘાટમાંથી મુક્તિ મેળવી શાંતિ અનુભવી રહ્યાં હશે. અમે તો ડેડીનો વિચિત્ર સ્વભાવ એન્જોય કર્યો છે અને સહન પણ કર્યો છે. પણ હે ગોડ, હવે એ તમારા મહેમાન છે. એમને સહન કરવાની શક્તિ તમારે જ તમને આપવાની છે.

| Also Read: ગુજરાતનું અણમોલ રત્ન ઘુડખરની વસતિ ૨૦૨૪માં ૭૬૭૨ થઈ

લ્યો કરો વાત!
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કેટલાક વર્ષ પહેલા થયેલા અપક્ષ ઉમેદવારના એક મજેદાર કિસ્સાનું સ્મરણ થયું. આ ઉમેદવાર ચૂંટણી લડ્યો તો ખરો, પણ પરિણામ આવ્યું ત્યારે જાણ થઈ કે એને ગણીને માત્ર ત્રણ મત મળ્યા હતા. એક એનો પોતાનો અને બીજા બે હતા પત્ની અને પુત્રીનો. પરિણામથી જરાય વિચલિત થયા વિના એણે ‘ઝેડ પ્લસ’ સિક્યોરિટીની માંગણી કરી. જિલ્લાના ઇન્સ્પેક્ટર જનરલે એ ઉમેદવારને કહ્યું કે ‘તમને તો ફક્ત ત્રણ મત મળ્યા છે તો તમારે આવી સિક્યોરિટીની જરૂર શું છે?’ જવાબમાં અપક્ષ ઉમેદવારે કહ્યું કે ‘જે શહેરમાં મારો વિરોધ કરનારા લોકો આટલી મોટી સંખ્યામાં છે એ શહેરમાં મને સુરક્ષા મળવી જ જોઈએ….!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button