ભારતની આ સ્ટાર ક્રિકેટરની મેમ્બરશિપ રદ, કારણકે તેના પિતા…
મુંબઈ: મુંબઈની સૌથી જૂની ક્લબોમાંની એક ખાર જિમખાના ક્લબે ભારતીય મહિલા ક્રિકેટર જેમાઇમા રૉડ્રિગ્સની મેમ્બરશિપ રદ કરી નાખી છે. શહેરની આ જૂની ને જાણીતી ક્લબે જેમાઇમાના પિતાની ‘ધાર્મિક પ્રવૃત્તિ’ના કારણસર જેમાઇમાનું સભ્યપદ રદ કર્યું છે. જેમાઇમાની મેમ્બરશિપ રદ કરવાનો નિર્ણય રવિવારે વાર્ષિક સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : તીરંદાજી વર્લ્ડ કપની ફાઇનલમાં દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો…
એક જાણીતી ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર ખાર જિમખાનાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે કેટલાક મેમ્બરોએ જેમાઇમાના પિતા ઇવાન રૉડ્રિગ્સ દ્વારા ક્લબના પરિસરનો ઉપયોગ ‘ધાર્મિક પ્રવૃત્તિ’ માટે કર્યો એ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે ‘નબળા લોકોનું ધર્મ પરિવર્તન કરવા માટે કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.’
જેમાઇમા ત્રણ વર્ષથી આ ક્લબની મેમ્બર હતી અને તેની મેમ્બરશિપ હવે રદ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેમાઇમાના પિતા બ્રધર મૅન્યૂઅલ મિનિસ્ટ્રીઝ નામના એક સંગઠન સાથે જોડાયેલા છે. જેમાઇમાના નામ પર ઇવાને લગભગ દોઢ વર્ષ માટે પ્રેસિડેન્શિયલ હૉલ બુક કર્યો હતો અને 35 કાર્યક્રમો આયોજિત કર્યા હતા. કહેવાય છે કે ઇવાન રૉડ્રિગ્સ પર ધર્મ પરિવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
વેબસાઇટના અહેવાલ મુજબ ખાર જિમખાનાની એક કમિટીના મેમ્બર શિવ મલ્હોત્રાએ આ વિષયમાં કહ્યું, ‘આખા દેશમાં ઘણી જગ્યાએ ધર્મ પરિવર્તનના કાર્યક્રમો થતા હોવાનું આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ તો આપણા નાક નીચે જ થઈ રહ્યું છે. ખાર જિમખાનાના બંધારણના નિયમ 4-એ અનુસાર આ ક્લબ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિની પરવાનગી નથી આપતી.’
જેમાઇમા રૉડ્રિગ્સ 24 વર્ષની છે. ભારતીય ક્રિકેટ ટીમની નવી કૅપ્ટન તરીકે તાજેતરમાં જ હરમનપ્રીત કૌરના સ્થાને તેનું નામ બોલાતું હતું.
આ પણ વાંચો : New Zealandની મહિલાઓ T20ની નવી વર્લ્ડ ચેમ્પિયન: કેપ્ટન ડિવાઈને જીત્યા પછી કેમ ખાસ ભારતનું નામ લીધું?
જેમાઇમાએ 2018માં ઑસ્ટ્રેલિયા સામેની વડોદરાની મૅચથી ભારત વતી રમવાની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ, 30 વન-ડે અને 104 ટી-20 સહિત કુલ 137 આંતરરાષ્ટ્રીય મૅચમાં 3,000થી પણ વધુ રન બનાવ્યા છે જેમાં 19 હાફ સેન્ચુરી સામેલ છે. તેણે કુલ 34 સિક્સર અને 318 ફોર ફટકારી છે.