સ્વાસ્થ્ય સુધા : મસાલાની રાણી એલચીના છે કમાલના લાભ
-શ્રીલેખા યાજ્ઞિક
દિવાળી નજદીક આવી રહી છે. ત્યારે મીઠાઈની સાથે મુખવાસની વિવિધતાથી સ્વજનોનું સ્વાગત કરવામાં આવતું હોય છે. સ્વાદ-સુગંધથી મન મોહી લેતી એલચીના કમાલના લાભ જાણી લઈએ. જેથી તેનો ઉપયોગ કરવાની ઈચ્છા પ્રબળ બને.
મુખવાસની વાત નીકળે અને ઘરમાં કોઈ મુખવાસ ના હોય ત્યારે દાદા-દાદી અચૂક એક એલચી ખાવાની સલાહ આપતા હોય છે. ‘મસાલાની રાણી’ તરીકે ઓળખાતી એલચી જેવી મોંમાં મૂકીને ચાવીએ તેની સાથે સુવાસ પ્રસરે. બધા જ પૂછવા લાગે શું ખાધું ? એલચી ખાધી.. !! એક અજબ પ્રકારની મીઠી સુગંધ ફેલાઈ જાય. આજુબાજુમાં બેઠેલી વ્યક્તિ પણ એલચી ખાવા આકર્ષાય. તેવી કમાલની છે એલચીની સુવાસ-સ્વાદ, મીઠાઈનું નામ પડે અને તેમાં એલચીનો સ્વાદ ના હોય તેમ ક્યાંથી બને. એલચી પેંડા, ખીર-દૂધપાક-બાસુંદી, બુંદીના લાડુ- મોહનથાળ-મૈસુર પાક, દૂધીનો હલવો હોય કે ગાજરનો હલવો તેમાં એલચીનો ઉપયોગ અવશ્ય થાય. એલચીવાળી ચા પીવાની તો મજા જ હટકે હોય છે. નવરાત્રીમાં માતાજીને નૈવેદ્યનો ભોગ ધરાવ્યા બાદ એલચી દાણા-પાન-સોપારી-પાનના બીડા અચૂક ધરાવવામાં આવતા હોય છે. એલચી વિશે વાત કરીએ તો કાંઈ કેટલીય જાત-જાતની વાતો મંડાય. સ્વાદ-સુગંધથી લથબથ તેવી એલચીના સ્વાસ્થ્યવર્ધક અનેક લાભ છે. આપણે જે વાત કરી રહ્યા છે તે લીલી એલચીની અનેક લોકો તેને ઈલાયચી તરીકે સંબોધે છે. સામાન્ય રીતે એલચી બે પ્રકારની જોવા મળે છે. લીલી-નાની એલચી. બીજો પ્રકાર છે, કાળી-મોટી એલચી જેને મોટે ભાગે એલચા તરીકે ઓળખવામાં આવે છે.
એલચીમાં કાર્બોહાઈડ્રેટસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન તથા ફાઈબર જેવા અનેક પોષક ગુણો સમાયેલાં છે. વળી નાની અમથી એલચીમાં ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-માઈક્રોબિયલ ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક તકલીફને દૂર કરવામાં મદદ કરે છે.
એલચી ખાવાના ફાયદા
હૃદયની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી : એલચીનો નિયમિત મુખવાસમાં ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત બીમારીથી બચી શકાય છે. તેનું કારણ છે એલચીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા વધુ જોવા મળે છે. જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી છે. એલચીનું સેવન પ્રમાણભાન રાખીને નિયમિત કરવું જરૂરી છે.
મોંની દુર્ગંધ માટે સચોટ ઉપાય : એલચીના દાણા ચાવીને ખાવાથી મોંમાથી આવતી દુર્ગંધ અચૂક દૂર કરી શકાય છે. એલચીમાં ડિટોકસીફાઇંગ એજન્ટ હોય છે. જે ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. દાંતમાં સડો કે દુખાવો કે ઈન્ફેકશનમાં એલચી ઉપયોગી બને છે. મોંની તંદુરસ્તી જાળવવી હોય તેમણે લીલી એલચીનો ઉપયોગ ભોજન બાદ અવશય કરવો જોઈએ.
આ પણ વાંચો : આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ
રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે : પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન સ્વયં રાખવું જરૂરી છે. જે તંદુરસ્ત જીવન જીવવામાં ઉપયોગી બને છે. શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા જો મજબૂત હોય તો બીમારી શરીરમાં પ્રવેશી ના શકે. તેને મજબૂત કરવા માટેનો એક નાનો અમથો ઉપાય એટલે એલચીનો ઉપયોગ. એલચીના પાઉડરને મધમાં મેળવીને ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે.
ફેંફસાની તંદુરસ્તી માટે ગુણકારી : શરીરનું પ્રત્યેક અંગ જીવનને સરળતાથી જીવવા માટે અત્યંત ઉપયોગી છે. શરીરમાં નાનો અમથો દુખાવો, સોજો કે લોહી નીકળે તો પીડા સહન કરવી પડે છે. જે ક્યારેક અસહનીય બની જાય છે. શ્ર્વાસ લેવા માટે ફેંફસાની તંદુરસ્તી જાળવવી અત્યંત આવશ્યક ગણાય છે. એવી જાણકારી મળે છે કે એલચીનું સેવન નિયમિત કરવાથી ફેંફસામાં લોહીનું પરિભ્રમણ સુચારૂ રીતે થવા લાગે છે.
શરદી-ખાંસીમાં ગુણકારી : મોસમમાં બદલાવની સાથે શરદી-ખાંસી-અસ્થમા જેવી બીમારી દેખા દેતી હોય છે. તેનાથી બચવા માટે ઘરગથ્થુ ઉપચાર આવશ્યક બની જાય છે. એલચી-મરીનો ઉપયોગ કરીને ચા-ઉકાળો કે કૉફીની ચુસ્કી ભરવાથી ફાયદો અવશ્ય જોવા મળે છે.
લિવરની તંદુરસ્તી જાળવવામાં ગુણકારી : એલચીનું સેવન કરવાથી લિવરની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. વાસ્તવમાં લીલી એલચીમાં ડિટોક્સીફાઈંગ એજન્ટ હોય છે. લિવરમાંથી ટોક્સીન બહાર કાઢીને લીવર સંબંધિત બીમારીના ખતરાથી બચાવ કરે છે.
કૅન્સરથી બચાવે છે : આજે કૅન્સરની બીમારી નાના-મોટા બધામાં સતત વધતી દેખાઈ રહી છે. એલચી ઍન્ટિ કૅન્સર પ્રોપર્ટીઝ ધરાવે છે. કૅન્સર સેલને ઓછા કરવામાં મદદ કરે છે. એલચીનું નિયમિત સેવન કૅન્સરથી બચવાનો એક વિકલ્પ ગણી શકાય.
વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી : ઈલાયચીમાં એવા અનેક સત્ત્વ છે જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ભોજનમાં એલચીનો સમાવેશ કરવાથી તેના પોષક તત્ત્વો ઝડપથી વજનને ઘટાડવામાં મદદ કરે છે. એલચીને ઉકાળીને તે પાણી સવારના પીવાથી પાચનક્રિયા સુધરે છે. વજન ઘટવા લાગે છે.
પાચનમાં મદદરૂપ : નાની અમથી દેખાતી ઈલાયચી કે એલચી ગુણોનો ભંડાર ગણાય છે. પાચનક્રિયાને મજબૂત બનાવવાની સાથે પેટ ઉપર સોજો, અપચો એસિડીટી ગેસ તથા અન્ય પેટ સંબંધિત તકલીફમાં ગુણકારી છે. પેટમાં રહેલાં ઍન્ઝાઈમને એક્ટિવ કરીને પાચન પ્રક્રિયા સુધારવામાં મદદ કરે છે. વળી તેમાં રહેલાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણને કારણે છાતીમાં બળતરા કે આફરો ચડવાની તકલીફમાં ફાયદાકારક ગણાય છે.
એલચી વિશે અવનવું : અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો ઉપાય નાની અમથી એલચી ધરાવતી હોવાને તેને મસાલાની ‘ડૉક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે.
એલચીની ગણના વિશ્ર્વના એક મૂલ્યવાન મસાલામાં થાય છે. એલચી આદું-હળદરના કુળનું ફળ ગણાય છે. એલચીનો ઉપયોગ વિવિધ મીઠાઈની સાથે પુલાવ, બિરીયાની તથા અન્ય પંજાબી શાકમાં થાય છે.
રોમ, ઈજિપ્ત તથા ગ્રીસમાં ૪ હજાર વર્ષ પૂર્વે તેની ખેતી થતી જોવા મળતી. તેથી વિશ્ર્વના સૌથી પ્રાચીન મસાલામાં એલચીની ગણના કરવામાં આવે છે.
ચીનમાં એવી માન્યતા છે કે લાંબું આયુષ્ય મેળવવા માટે એલચીનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપચાર છે.
સાલ ૨૦૦૦ સુધી એલચીના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમાંક ધરાવતો હતો. હવે ગ્વાટેમાલા (સેન્ટ્રલ અમેરિકા) પ્રથમ ક્રમાંક ધરાવે છે. ભારતમાં એક વર્ષમાં ૧૫ હજાર ટન ખેતી થતી હતી. હવે ગ્વાટેમાલા વર્ષની ૨૫ થી ૨૯ હજાર ટન એલચીનું ઉત્પાદન કરે છે.
પ્રાચીનકાળમાં એવું માનવામાં આવતું કે એલચીનો ઉપયોગ દુષ્ટ પ્રભાવથી બચવામાં મદદ કરે છે.
દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ એલચીની ખેતી કરવામાં આવી હશે તેમ માનવામાં આવે છે. આજે પણ ત્યાં ‘એલચી પર્વતમાળા’ જોવા મળે છે.
ભારતમાં એલચીની ખેતી દક્ષિણ ભારતમાં મુખ્યત્વે થતી જોવા મળે છે. જેમાં કેરલ, કર્ણાટક તથા તમિળનાડુનો સમાવેશ થાય છે. એલચીનો પાક તૈયાર થતાં ૩ વર્ષનો સમય લાગી જાય છે. ત્યારબાદ ૧૦ થી ૧૨ વર્ષ સુધી તેનો પાક પ્રતિવર્ષ એક વૃક્ષ આપે છે. કુલ ૧ લાખ હૅક્ટરમાં ખેતી થતી જોવા મળે છે. કુલ ૪ હજાર મેટ્રિક ટન પાક ઊતરે છે. તેમાંથી ૪૦ ટકા પાકનો નિકાસ વિશ્ર્વના ૬૦ દેશોમાં થાય છે. એલચીની કિંમત તેની ગુણવત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે. ૧ હજાર થી ૬ હજાર કિલોના ભાવે તે બજારમાં વેચાતી હોય છે. એલચીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે ફ્રિઝમાં રાખવી જોઈએ.
એલચીનો કાઢો
સમગ્રી: ૩-૪ નંગ એલચી, ૧ કપ ગોળ, ૩ નંગ મરી, ૧ ચમચી તજનો ભૂકો,૧ ચમચી છીણેલું આદું, ૧૦-૧૨ ફુદીનાના પાન, સ્વાદાનુસાર લીંબુનો રસ ૩ ગ્લાસ પાણી.
બનાવવાની રીત : સૌ પ્રથમ એલચી, મરીને વાટી લેવાં. એક મોટી તપેલીમાં પાણી લેવું. હવે તેમાં ગોળ ભેળવવો. પાણીને ગરમ કરવા ધીમી આંચ ઉપર મૂકવું. તેમાં ગોળ તથા વાટેલી એલચીનો પાઉડર તથા અન્ય મસાલા વાટીને ભેળવવાં, અંતમાં લીંબુનો રસ ભેળવવો. ગરમા ગરમ કાઢો પીને સંપૂર્ણ શરીરમાં તાજગીનો અનુભવ થશે.