સ્પોર્ટસ

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદીઃ બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો

રાજકોટઃ ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલમાં ભલે ભારતીય ટેસ્ટ ટીમના નથી, પરંતુ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં છત્તીસગઢ સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી.

સૌથી મહત્ત્વની છે કે પૂજારા 234 રન ફટકારી આઉટ થયો હતો. તેણે 25 ફોર અને એક સિક્સ પણ ફટકારી હતી. આ ઈનિંગના કારણે પૂજારાએ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન બ્રાયન લારાના ફર્સ્ટ ક્લાસની સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.
ચેતેશ્વર પૂજારાની આ 66મી ફર્સ્ટ ક્લાસ સદી હતી, જેણે લારાના 65 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. વિનોદ કાંબલી અને સુબ્રમણ્યમ બદ્રીનાથને પાછળ છોડીને આ તેની 25મી રણજી ટ્રોફી સદી પણ હતી અને હવે તે આ યાદીમાં માત્ર પારસ ડોગરાથી પાછળ છે. સક્રિય ખેલાડીઓમાં ચેતેશ્વર પૂજારા રણજી ટ્રોફીની સદીઓમાં સૌથી આગળ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂજારાની આ 18મી બેવડી સદી હતી.

પૂજારા હવે સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ સદીઓ સાથે ટોચના ત્રણ ભારતીય ખેલાડીઓની નજીક પહોંચી ગયો છે. તે રાહુલ દ્રવિડથી બે સદી પાછળ છે, જેણે તેની કારકિર્દીમાં 68 સદી ફટકારી હતી. તે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરથી પણ પાછળ છે, જેમણે 81-81 સદી ફટકારી હતી.

છત્તીસગઢ સામેની સદી દરમિયાન તેણે 21,000 ફર્સ્ટ ક્લાસ રનનો આંકડો પણ પાર કર્યો હતો. જે ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડ પછી આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો. ગાવસ્કર હાલમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 25834 રન સાથે ટોચ પર છે. પૂજારા પાસે હવે 2024માં છ સદી છે. જે તેણે સૌરાષ્ટ્ર અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમતી વખતે ફટકારી છે.

36 વર્ષીય ચેતેશ્વર પૂજારાએ પોતાની કારકિર્દીમાં 103 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી છે. દરમિયાન તેણે 176 ઇનિંગ્સમાં 43.6ની એવરેજથી 7195 રન કર્યા છે જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે પાંચ વનડે પણ રમી છે, જેમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. વન-ડે ફોર્મેટમાં તેના નામે માત્ર 51 રન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button