બીજા દાવમાં ‘ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતા’ ચાર ભારતીય બૅટર, જાણો કેવી રીતે…
બેન્ગલૂરુ: અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 46 રનના સ્કોર સાથે સદંતર ફ્લૉપ જનાર કેટલાક ભારતીય બૅટર્સે બીજા દાવમાં પર્ફોર્મન્સ સુધારીને ટીમ ઇન્ડિયાને 462 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો. ભારતીય ટીમ એક દાવના પરાજયથી તો બચી ગઈ, પણ ન્યૂ ઝીલૅન્ડને બહુ મોટો ટાર્ગેટ પણ નથી આપી શકાયો. 107 રન બનાવીને કિવીઓ રવિવારે જીતીને સિરીઝમાં 1-0થી સરસાઈ લઈ શકે એમ છે. મુદ્દાની વાત એ છે કે ચાર બૅટર એવા છે જેમનો બીજા દાવનો સ્કોર ભારતના પ્રથમ દાવના 46 રનના સ્કોર કરતાં વધુ હતો.
આ પણ વાંચો: બેન્ગલૂરુ ટેસ્ટ ચરમસીમાએ: ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ કહેશે….આવ રે વરસાદ…
અગાઉ આવું બીજા કોઈક દેશની ટેસ્ટમાં આવું બની ગયું હશે, પરંતુ આવા પ્રકારના ચાર બૅટરથી ચડિયાતો કહી શકાય એવો (પાંચ બૅટરવાળો) પર્ફોર્મન્સ ફક્ત એક વખત બન્યો છે. 1924માં ઇંગ્લૅન્ડ સામેની બર્મિંગહૅમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના પાંચ બૅટરે બીજા દાવમાં જે રન બનાવ્યા હતા એ તેમની ટીમના પ્રથમ દાવના સ્કોર (30 રન)થી વધુ હતા.
ગુરુવારે ભારત 46 રનમાં આઉટ થઈ ગયું હતું. એ ટીમ-સ્કોરથી વધુ રન ચાર ભારતીય બૅટરે બીજા દાવમાં બનાવ્યા: રોહિત શર્મા (બાવન રન), વિરાટ કોહલી (70 રન), સરફરાઝ ખાન (150 રન) અને રિષભ પંત (99 રન).
આ પણ વાંચો: IPL ના ફેન્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
1924માં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની ટીમે પહેલા દાવમાં 30 રન બનાવ્યા ત્યાર પછી ફૉલો-ઑન બાદ બીજી ઇનિંગ્સમાં 390 રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન હર્બી ટેલર (34 રન), ફ્રેડ સુસ્કીન્ડ (51 રન), ડેવ નોર્સ (34 રન), બૉબ કૅટરલ (120 રન) અને જિમ્મી બ્લૅન્કનબર્ગ (56 રન)ના યોગદાનો હતા.
બેન્ગલૂરુ ટેસ્ટની વધુ રસપ્રદ આંકડાબાજી
(1) એક ટેસ્ટમાં ભારતના કુલ સાત બૅટર ઝીરોમાં આઉટ થયા હોય એવું 72 વર્ષે ફરી બન્યું છે. ગુરુવારે બેન્ગલૂરુ ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રથમ દાવમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિન શૂન્યમાં આઉટ થયા હતા. શનિવારે બીજા દાવમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ખાતુ ખોલાવ્યા વગર પૅવિલિયનમાં પાછા આવ્યા હતા. 1952માં લીડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના કુલ બે દાવમાં ભારતના આ સાત બૅટરના ઝીરો હતા: સી. ગોપીનાથ, જી.એસ. રામચંદ (બન્ને દાવમાં શૂન્ય), ગુલામ અહમદ, પંકજ રૉય, દત્તાજી ગાયકવાડ, માધવ મંત્રી, વિજય માંજરેકર.
(2) ભારતે શનિવારે છેલ્લી છ વિકેટ 29 રનમાં ગુમાવી હતી. પ્રથમ દાવમાં આખરી છ વિકેટ 13 રનમાં પડી હતી.
(3) પ્રથમ દાવમાં બાવીસ રનમાં ચાર વિકેટ લેનાર પેસ બોલર વિલિયમ ઑ’રુર્કેને શનિવારે સેકન્ડ ઇનિંગ્સમાં 89મી ઓવરમાં ફરી મોરચા પર લાવવામાં આવ્યો ત્યાર બાદ કુલ 11.3 ઓવરમાં ભારતે 29 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ઑ’રુર્કેએ બીજા નવા બૉલથી ઉપરાઉપરી ત્રણ ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી.
(4) રિષભ પંતે પોતાના 99મા રને વિકેટ ગુમાવી એ સાથે તે ટેસ્ટના દાવમાં આ સ્કોર પર વિકેટ ગુમાવનાર છેલ્લા 10 વર્ષનો પ્રથમ ભારતીય બૅટર બન્યો હતો. આ પહેલાં, 2014માં મુરલી વિજય ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામે 99મા રને આઉટ થયો હતો.
(5) ટેસ્ટના પ્રથમ દાવના ઝીરો બાદ બીજા દાવમાં 150 રન બનાવનાર સરફરાઝ ખાન બીજો ભારતીય છે. તેણે માધવ આપ્ટેની બરાબરી કરી છે. 1953માં આપ્ટે પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઝીરોમાં આઉટ થયા બાદ સેકન્ડ ઇનિંગ્સમાં તેમણે અણનમ 163 રન બનાવ્યા હતા.